યુદ્ધો હવે ઝટ પૂરાં થતાં નથી અને યાતનાઓ તથા જખમોનો અંત આવતો નથી. સાતમી અૉક્ટોબર, 2023ના રોજ હમાસે ઇઝરાયલ પર આતંકવાદી હુમલો કર્યો, જેમાં 1200થી વધુ લોકો માર્યા ગયા અને તેના પગલે શરૂ થયેલા યુદ્ધના પડઘા ગાઝાથી દૂર પણ પડી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે ઇઝરાયલને એકલું પાડી દીધું એવું કહેવા કરતાં ઇઝરાયલ જાતે જ એકલવાયું થતું ગયું, કેમ કે પેલેસ્ટાઈનને અનેક પશ્ચિમે દેશોએ રાષ્ટ્ર તરીકે માન્યતા આપી છે. અમેરિકા સાથે મળી ઈરાન પર સંયુક્ત મિલિટરી કામગીરીના ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિર્ણયને કારણે પશ્ચિમ એશિયામાં બધું ઉપરતળે થઈ ગયું છે. આમ તો સત્તાવાર રીતે ઇઝરાયલ-હમાસ વચ્ચે શસ્ત્રવિરામ છે, પણ છેલ્લા એક વર્ષમાં ગાઝામાં 1400થી વધુ લોકો માર્યા ગયા છે, આવામાં ઇઝરાયલના સહભાગ વિના ગાઝા મુદ્દે ઉકેલ શક્ય નથી અને હમાસ શસ્ત્રો મૂકી દે એ પણ અશક્ય જણાય છે, આથી શાંતિ માટે કોઈ અવકાશ રહેતો નથી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ યોજનાથી ન તો શાંતિ સ્થપાઈ છે અને ન તો તેમને શાંતિનો નોબેલ મળ્યો છે. વીસ દિવસ પછી ઇઝરાયલમાં સંસદીય ચૂંટણી છે, તો નવેમ્બરમાં અમેરિકામાં મિડ-ટર્મ ઈલેક્શન છે અને શાંતિની આશા હવે આ બેનાં પરિણામ પર અવલંબે છે.
સાતમી અૉક્ટોબરનો હુમલો
સો વર્ષ જૂના ઇઝરાયલ-પેલેસ્ટાઈનના સંઘર્ષનું નવું પ્રકરણ ગણાવાય છે. આરબો અને યહૂદીઓ
વચ્ચેના વિવાદનો અંત આવતો નથી, પ્રકરણો ઉમેરાયાં કરે છે અને લોહી રેડાયા કરે છે. છેલ્લાં
ત્રણ વર્ષમાં ગાઝામાં સિત્તેર હજારથી વધુ લોકો માર્યા ગયા છે. તો ઇઝરાયલ પણ જાન-માલનું
નુકસાન ભોગવી જ રહ્યું છે. હજી પખવાડિયા પહેલાં જ બોર્ડ અૉફ પીસે ગાઝાપટ્ટી માટે
2.45 બિલિયન ડૉલરના રિકવરી પ્લાનની જાહેરાત કરી છે. યુનાઈટેડ નેશન્સે ગાઝાને ફરી પગભર
કરવા માટે એક દાયકામાં 71.4 બિલિયન ડૉલરના ખર્ચનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જોકે, હમાસ
હથિયાર હેઠાં નહીં મૂકે ત્યાં સુધી ઇઝરાયલ કોઈ શાંતિ કે પુન:નિર્માણ માટે તૈયાર નથી.
હમાસનો આગ્રહ છે કે, ઇઝરાયલે ગાઝાની જે ભૂમિ ખૂંચવી લીધી છે, એ છોડે તો જ અમે શસ્ત્રત્યાગ
કરીએ. ટ્રમ્પની શાંતિ યોજના મુજબ ગાઝાના 53 ટકા હિસ્સા પર ઇઝરાયલનું વર્ચસ રહેશે. મડાગાંઠ
ઉકેલાય એવા આસાર નથી. ઓગણીસ વર્ષથી વિવિધ ગઠબંધનોના જોરે સત્તામાં રહેલા નેતન્યાહુ
માટે 27મી અૉક્ટોબરની ચૂંટણી કસોટી સમાન હોવા છતાં વાસ્તવિકતા એ છે કે, ઇઝરાયલનો કોઈપણ
રાજકીય પક્ષ પેલેસ્ટાઈનને રાષ્ટ્ર તરીકે માન્યતાના સમર્થનમાં નથી. આવામાં, સત્તા પરિવર્તન
છતાં સંઘર્ષનો અંત આવવાની શક્યતા આછીપાતળી છે. વળી, ઈરાન તથા ઇઝરાયલી સુરક્ષા સંબંધી
મુદ્દે પણ તમામ રાજકીય પક્ષોનું વલણ પણ અલગ નથી. વિશ્વમાં યુદ્ધો ઝટ શમે એવી શક્યતાઓ
ઓછી જ છે.