દેશમાંની 839 મેડિકલ કૉલેજોમાં ડિગ્રી અભ્યાસક્રમ માટે સવા લાખ જેટલી બેઠકો માટે 23 લાખ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપતા હોય છે. આટલી તીવ્ર સ્પર્ધા જે પરીક્ષા માટે હોય તેના પેપર ન ફૂટે એ માટેની વ્યવસ્થા છેલ્લાં થોડાં વર્ષોમાં વારંવાર નબળી પડતી આવી છે. આ પરીક્ષાઓ લેતી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) પેપર લીક થતાં અટકાવવાની પરીક્ષામાં ઊણી ઉતરી છે અને તેની સાથે સંકળાયેલા લોકો જ પેપર ફોડવાના ગોરખધંધામાં સામેલ હોવાનું પણ સામે આવ્યું છે. 21 વિદ્યાર્થીઓની આત્મહત્યા, દેશવ્યાપી આંદોલનો અને શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અને એ પહેલાં પરીક્ષા રદ થવી, પેપર લીકમાં સંકળાયેલાઓ સામે કડક કાર્યવાહી અને ભવિષ્યમાં આવું થતું રોકવા કાયદાને વધુ ધારદાર કરાયો તથા નંદન નિલેકણીના વડપણ હેઠળ એક ઉચ્ચ અધિકારી ટાસ્ક ફૉર્સની રચના કરાઈ. 26મી જુલાઈએ આ ટાસ્ક ફૉર્સની રચનાના બે મહિનાની અંદર સપાટો બોલાવતાં આ પેનલે 58 બેઠકો યોજવા ઉપરાંત વિવિધ ભાગધારકો પાસેથી પચાસ હજાર જેટલાં સૂચનો આવ્યાં છે. ટાસ્ક ફૉર્સ પોતાનો અહેવાલ સરકાર સમક્ષ રજૂ કરે એને હજી વાર છે, પણ એ પહેલાં નિલેકણીએ કેટલાક ઉપાયો વિશે વાત કરી હતી જે ખરેખર હીરાકણી જેવા છે.
આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ (એઆઇ) અત્ર, તત્ર, સર્વત્ર
છે અને પરીક્ષાઓની સલામતી માટે તેનો ઉપયોગ થવો જ જોઈએ, નિલેકણીએ પહેલેથી પરીક્ષાના
પેપર તૈયાર કરવાના બદલે પરીક્ષાના દિવસે જ એઆઇ દ્વારા જ વિશાળ કેન્દ્રીય ક્વેશ્ચન બૅન્કમાંથી
પેપર જનરેટ કરવામાં આવે, જેથી પેપર ફૂટવાના મૂળમાં ઘા થશે. આ ઉપરાંત, જે સૂચન-ભલામણ
સૌ કોઈ કરી રહ્યું છે તે એટલે કે નીટની પરીક્ષા પેન અને કાગળને બદલે કૉમ્પ્યુટર આધારિત
કરી નાખો. આ ઉપરાંત, કૉમ્પ્યુટર આધારિત ભારતના ટેસ્ટિંગ સેન્ટર્સની સંખ્યા વધારવાની
વાત પણ તેમણે કરી છે, અત્યારે દેશમાં આવાં દોઢ લાખ કેન્દ્રો છે, પણ વિદ્યાર્થીઓની વધતી
સંખ્યા જોતાં આ માળખાકીય સુવિધામાં વૃદ્ધિ સમયની માગ છે. આ ટાસ્ક ફૉર્સ 28મી અૉક્ટોબરે
પોતાના અહેવાલ સરકારને સુપરત કરશે. વળી, જે ગંભીરતા અને ત્વરાથી મોદી સરકારે નીટ સંબંધી
સુધારાઓને વેગ આપ્યો છે અને તત્પરતા દાખવી છે, એ જોતાં નિલેકણી પૅનલની ભલામણો પર તરત
અમલ થશે એ લગભગ નક્કી છે. ભારતમાં વર્ષોથી જોવા મળ્યું છે કે, નિષ્ણાતોની સમિતિ નીમવામાં
આવે છે અને પછી તેમના અહેવાલ-ભલામણો ધૂળ ખાતા રહે છે. એ ભૂતકાળની વાત થઈ ગઈ એ દેખાડી
આપવાની સોનેરી તક સામે આવી છે ત્યારે સરકાર તે જતી નહીં જ કરે.