• મંગળવાર, 07 મે, 2024

તાતા સ્ટીલે ટીઆરએફ લિમિટેડ સાથેના મર્જરની પ્રક્રિયા પડતી મૂકી   

કંપનીના બિઝનેસમાં નોંધપાત્ર સુધારો થવાના કારણે તાતા સ્ટીલે વિલીનીકરણ પડતું મૂક્યું

મુંબઈ, તા. 7 (એજન્સીસ) : તાતા સ્ટીલ લિમિટેડે ટીઆરએફ લિમિટેડનું તેની સાથે વિલીનીકરણ કરવાની પ્રક્રિયા આગળ નહીં વધારવાનો આજે નિર્ણય જાહેર કર્યે હતો. ટીઆરએફ લિમિટેડના બિઝનેસમાં નોંધપાત્ર સુધારો થઈ રહ્યો હોવાથી તેના તાતા સ્ટીલમાં વિલીનીકરણને આગળ નહીં વધારવાનો નિર્ણય લીધો હોવાનું પેરેન્ટ કંપનીએ આજે ઘોષિત કર્યું હતું. અગાઉ તાતા સ્ટીલે તેના નવ વ્યૂહાત્મક બિઝનેસનું તાતા સ્ટીલમાં વિલીનીકરણ કરવાની યોજના આગળ વધારી હતી તેમાં તાતા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ, ટિનપ્લેટ કંપનીઓ અૉફ ઈન્ડિયા, તાતા મેટાલિક્સ, ટીઆરએફ, ઈન્ડિયન સ્ટીલ ઍન્ડ વાયર પ્રોડક્ટ્સ, તાતા સ્ટીલ માઈનિંગ લિમિટેડ અને એસઍન્ડટી માઈનિંગ કંપનીનો સામવેશ થાય છે

આજે પ્રસિદ્ધ કરેલા એક નિવેદનમાં તાતા સ્ટીલે જણાવ્યું છે કે બંને કંપનીઓના બોર્ડે સૂચિત વિલીનીકરણની પ્રક્રિયાને આગળ નહીં વધારવાનો નિર્ણય લીધો છે. તાતા સ્ટીલના સક્રીય ટેકાના કારણે ટીઆરએફએ પડકારજનક સંજોગોમાંથી પસાર થઈ સારી કામગીરી બજાવી છે અને તેના બિઝનેસમાં આમૂલ સુધારો આવ્યો છે. સૂચિત મર્જરની જાહેરાત થયા પછી તાતા સ્ટીલ દ્વારા ટીઆરએફને નવા અૉર્ડર્સ અને ભંડોળની ફાળવણી દ્વારા સહાય કરવામાં આવી હોવાનું કંપનીના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. તાતા સ્ટીલે તેના નિવેદનમાં આગળ જણાવ્યું કે નિયામકી પ્રક્રિયા પૂરી કર્યા બાદ તેમણે તેમની કુલ પાંચ કંપનીઓ અથવા બિઝનેસનું તાતા સ્ટીલમાં વિલીનીકરણ સફળતાથી કર્યું છે એકીકરણની પ્રક્રિયા હજુ ચાલુ છે.

કંપનીએ અત્યાર સુધીમાં રૂા. 5000 કરોડનું ટર્નઓવર ધરાવતી તાતા સ્ટીલ માઈનિંગ લિમિટેડનું નાણાવર્ષ 2023માં મર્જર કરવામાં આવ્યું હતું અને તે 1 સપ્ટેમ્બર 2023માં અમલમાં આવ્યું હતું. તે પ્રમાણે તાતા સ્ટીલ લોંગનું મર્જર 15 નવેમ્બર 2023માં થયું હતું, તે સમયે તેનું ટર્નઓવર રૂા. 7464 કરોડ હતું. જ્યારે એસઍન્ડટી માઈનિંગ કંપની અને ટિનપ્લેટ કંપની અૉફ ઈન્ડિયા લિ. અનુક્રમે 1 ડિસેમ્બર 2023 અને 15 જાન્યુઆરી 2024ના રોજ મર્જર થયું હતું. તાતા મેટાલિક્સ લિમિટેડનું 1 ફેબ્રુઆરી 2024ના રોજ મર્જર થયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ