આખરે નવ મહિના બાદ અમેરિકન અંતરીક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અવકાશમાંથી ધરતી પર બુધવારે ભારતીય સમય પ્રમાણે વહેલી સવારે ત્રણ વાગીને 27 મિનિટે પાછા ફર્યાં છે. ફ્લૉરિડાના દરિયાકાંઠા નજીક તેમનું લૅન્ડિંગ થયું. આમ તો એક અઠવાડિયામાં જ વિલિયમ્સ અને વિલ્મોર ઈન્ટરનેશનલ સ્પૅસ સ્ટેશન (આઈએસએસ) પરથી પાછા આવી જવાના હતા, પણ તેમને અવકાશમાં લઈ જનાર બૉઈંગનું સ્ટારલાઈનર નામના સ્પૅસક્રાફ્ટમાં ખામી સર્જાતા અવકાશવીરોને પાછા લઈ આવવા માટે સલામત રહ્યું નહોતું. નવ મહિના અને 14 દિવસ પછી 17 કલાકનો પ્રવાસ કરી આ અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યારે તેનું તાપમાન 1560 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું અને એ દરમિયાન સાતેક મિનિટ સુધી યાન સાથેનો સંદેશવ્યવહાર સદંતર કપાઈ ગયો હતો. જોકે, આ બે એસ્ટ્રોનોટ્સ સાથે નિક હૅગ અને એસેક્સાન્ડ્ર ગોર્બુનોવ, જેમણે આંતરરાષ્ટ્રીય અવકાશમથકમાં રહેવાનો પોતાનો સમય પૂરો કરી લીધો હતો, તેઓ પણ સુખરૂપ પરત ફર્યા હતા. કુલ 286 દિવસ આઈએસએસ પર રહી પાછા આવેલા બે અવકાશવીરોના અભ્યાસ દ્વારા અમેરિકાની અવકાશ સંસ્થા નાસાને ઘણું જાણવા મળશે. એલન મસ્કની અવકાશ સંશોધન કંપની સ્પૅસઍક્સે મોકલેલી ડ્રેગન કૅપ્સ્યૂલમાં આ ચારેય અવકાશયાત્રીઓ પાછા ફર્યા હતા. સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર આગમનને લઈ ગુજરાતમાંના તેમના વતન ઝુલાસણમાં આનંદનો માહોલ છે અને ચાલુ વર્ષે અૉક્ટોબર મહિનામાં સુનિતા વતનની મુલાકાતે આવે એવી શક્યતા છે.
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 286 દિવસ અવકાશમાં
રહ્યાં, પણ આ સૌથી લાંબો ગાળો નથી. અમેરિકા અને રશિયાના અનેક અવકાશવીરો આનાથી વધુ સમય
સ્પૅસમાં રહી ચૂક્યા છે. જોકે, સુનિતા વિલિયમ્સ આઈએસએસમાં ત્રણ વાર બધું મળી કુલ
608 દિવસ અવકાશમાં રહ્યાં છે. 59 વર્ષનાં સુનિતા 1987માં યુ.એસ. નેવીમાં જોડાયાં હતાં
અને પછી અૉગસ્ટ, 1988માં એસ્ટ્રોનોટ કેન્ડિડેટ ટ્રાનિંગની શરૂઆત કરી હતી. અવકાશમાં
રહી અનેક વિક્રમો તથા સિદ્ધિઓ પોતાના નામે કરનારાં સુનિતા વિલિયમ્સે ભારત અને અમેરિકા
બંનેને ગર્વની ક્ષણો આપી છે.
અવકાશમાં મનુષ્ય લાંબા સમય સુધી રહે તો તેના શરીર
પર કેવી અસર થાય છે, એનો અભ્યાસ કરવાની તક આ બંનેના પાછા આવવાથી નાસાને મળવાની છે,
જે ભવિષ્ય માટે ઉપયોગી સાબિત થઈ શકે છે, કેમ કે તેમને અપાતાં પ્રશિક્ષણમાં આટલા લાંબા
સમય સુધી અવકાશમાં રહેવાની ટ્રાનિંગનો સમાવેશ હોતો નથી, આથી તેમના શરીર પર આ લાંબા
મુકામની કેવી અસર થઈ છે, એના અભ્યાસ દ્વારા નાસાને ઘણું જાણવા મળી શકે છે. નાસા તથા
અન્ય અવકાશ સંસ્થાઓ ચંદ્ર પર કાયમી મથક બનાવવા માગે છે અને આના માટે ત્યાં લાંબા સમય
સુધી રહેવાની જરૂર પડશે. ભૂતકાળમાં હાથ ધરાયેલા અભ્યાસોમાં સ્પષ્ટ થયું છે કે, પૃથ્વીની
સરખામણીએ અવકાશમાં હાડકાંની ઘનતા અને સ્નાયુઓની ગુણવત્તામાં બહુ ઝડપી ઘટાડો થાય છે.
વળી, નીચા ગુરુત્વાકર્ષણને કારણે મગજમાંના પ્રવાહી પર પણ અસર પડે છે તથા હૃદયરોગની
સમસ્યા પણ સર્જાઈ શકે છે. આ બધી બાબતો પરના અભ્યાસમાં આ બંને અવકાશવીરો મદદરૂપ થઈ શકશે.