• ગુરુવાર, 23 ઑક્ટોબર, 2025

હવે અચ્છે દિન મુબારક...

सर्वे सुखिन: सन्तु सर्वे सन्तु निरामया:

सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दु:ख माप्नुयात्

આસ્વસ્તિ વચન છે. શાત્રોક્ત શુભાશિષ છે. દીપાવલી અને વિક્રમના નૂતન વર્ષના આરંભે આપણે એકમેકને શુભકામના આપીએ છીએ. નૂતન વર્ષ સુખ-શાંતિમય નીવડે એવી શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ. નૂતન વર્ષાભિનંદન અથવા સાલમુબારક. આ વર્ષે આપણે સાલમુબારક કહેવાને બદલે `અચ્છે દિન મુબારક' કહીએ તો?!

શુભકામના-સાલમુબારકની ભાવનાનું આદાન-પ્રદાન તો પરંપરાગત છે એમ આપણને લાગે અને વર્ષોથી આવી શુભેચ્છાની આપ-લે કરવા પછી આપણી સ્થિતિમાં ફરક પડયો છે. ગત વર્ષ કરતાં આ વર્ષની દિવાળીમાં ઉત્સવ સાથે ઉમંગ-ઉત્સાહ ભળ્યા છે એ વિશે કોઈ શંકા નથી, બેમત નથી. આ પરિવર્તનનું કારણ શું?

દિવાળીએ નિરાશાનો અંધકાર દૂર કર્યો છે. અલબત્ત, મોદી સરકારે દેશભરમાં આશાના દીપ પ્રગટાવ્યા અને અચ્છે દિનના વિશ્વાસ સાથે દિવાળી ઊજવાઈ. આજે નૂતન વર્ષનું પ્રભાત વિશ્વાસનાં કિરણોથી જનજીવનમાં આનંદ, ખુશી પ્રસરાવે છે. આજે આપણે એકમેકને સાલમુબારક કહીને શુભેચ્છા આપીએ છીએ તે એક દિવસ પૂરતી નથી, ફોર્માલિટી નથી. આવનારાં વર્ષો, દશકોની ખુશીના પાયામાં છે!

મેરા ભારત મહાન માત્ર સૂત્ર નથી - હવે આપણા રાષ્ટ્રીય વિકાસનો મહામંત્ર છે.

વીતેલા વર્ષ દરમિયાન ભારતે પોતાની દૃઢ નિર્ણાયક શક્તિ અને સંરક્ષણ શક્તિનો પરચો બતાવ્યો છે, વિશ્વને પરિચય આપ્યો છે. અૉપરેશન સિંદૂરે શક્તિ અને આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે ત્યારે વ્યક્તિગત લાભ (નોબેલ પુરસ્કાર)ની આશાએ યુદ્ધવિરામનો વિવાદ જગાવાયો અને પછી આપણા ઉપર ટેરિફ આક્રમણ થયું પણ અમેરિકા પાસે ઘૂંટણિયે પડવાને બદલે ભારતે ઉન્નત મસ્તક રાખીને વિશ્વમાં સ્થાન અને માન જમાવ્યું છે. આફતને અવસરમાં પલટવાની આપણી શક્તિ પુરવાર કરી છે. આવા સંકટના સમયે કોઈપણ સરકાર વેરા વધારે, કરકસર કરવા કહે જ્યારે વડા પ્રધાન મોદીએ જીએસટીમાં ધરખમ ઘટાડા કરીને જનતાને મોટી રાહત આપી. આ અગાઉ કેન્દ્રીય બજેટમાં પણ મધ્યમ વર્ગને આવકવેરામાં નોંધપાત્ર રાહત આપી. આ બે મહત્ત્વનાં પગલાંમાં કુદરતે સાથ આપ્યો. ઠેર ઠેર અતિવર્ષા અને ખાનાખરાબી થઈ હોવા છતાં કૃષિ ક્ષેત્રના મોરચે - ઉત્પાદનમાં વધારાની ધારણા છે. ભાવવધારો અંકુશમાં છે. ગ્રાહકોનો ભાવાંક છેલ્લા 99 મહિનાઓમાં સૌથી નીચે દોઢ ટકા ઉપર ગયો છે -વિનામૂલ્યે અનાજ અને જન-ધન યોજના ઉપરાંત આ મોટી રાહત છે. વડા પ્રધાને જીએસટીના દર ઘટાડાને બચત ઉત્સવ તરીકે ઊજવવાનો અનુરોધ કર્યો, તેનો લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે. બચતની રકમ જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદીમાં વાપરી છે. આ રીતે માગ વધે તો ઉત્પાદન વધે અને ઉત્પાદન વધારવા માટે રોજગારી વધે. સમગ્ર અર્થતંત્રને લાભ થાય. વડા પ્રધાન મોદીને વિશ્વાસ હતો કે કરવેરા ઘટાડવાથી અર્થતંત્રમાં નવા પ્રાણ પુરાશે. ટ્રમ્પે કહ્યું કે, ભારતનું અર્થતંત્ર મરણપથારીએ છે : હવે ભારતનું અર્થતંત્ર વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનવા ભણી હરણફાળ ભરે છે એવા અહેવાલ અમેરિકા અને વિશ્વની નાણાં સંસ્થાઓના છે!

દિવાળીની પૂર્વ સંધ્યાએ ધનતેરસના દિવસે દેશભરમાં એક લાખ કરોડ રૂપિયાથી વધુની ખરીદી થઈ છે. સોના-ચાંદીના ભાવ વધારા છતાં ધરખમ ખરીદી થઈ તે આપણી સમૃદ્ધિસૂચક છે. આ ઉપરાંત, સ્કૂટર-મોટરવાહનો અને ટ્રેક્ટરની ખરીદીમાં પણ ઘણો વધારો થયો છે. ઘરવખરીની માગ-ખરીદી પણ વધી છે. લોકોની ખરીદશક્તિ વધે તે અર્થતંત્રના અચ્છે દિનની સૂચક છે.

અર્થતંત્રના વિકાસ માટે ચાર `એન્જિન' જરૂરી હોય છે. ઘરવપરાશ ખર્ચ, ખાનગી મૂડીરોકાણ, સરકારી ખર્ચ - અને નિકાસ વ્યાપાર. ટ્રમ્પના ટેરિફ આક્રમણથી અમેરિકામાં આપણી નિકાસ ઘટે તે ખાદ્ય પુરવા માટે આપણે અન્ય વિશ્વબજારોમાં જઈ રહ્યા છીએ અને ભારતમાં આત્મનિર્ભરતા પછી નિકાસને વ્યૂહ અપનાવ્યો છે. ખાનગી મૂડીરોકાણ માટે જરૂરી આર્થિક સુધારા અને પ્રોત્સાહનનાં પગલાં આવી રહ્યાં છે.

આમ આર્થિક મોરચો સલામત છે; મોંઘવારી-ભાવવધારાની સમસ્યા નથી. માગ-ઉત્પાદન વધે તેને પહોંચી વળવા કામદારો જોઈએ-તેથી બેકારી ઘટે. પણ આ ઉપરાંત સ્વદેશી વિરોધીઓની નકારાત્મક, રાષ્ટ્રહિત વિરોધી વલણ જોખમકારક છે. તાત્કાલિક તો બિહાર પછી બંગાળ વિધાનસભાની ચૂંટણી છે. બિહાર ઉપર નજર અને આધાર છે - જો વિપક્ષી મોરચાને જાકારો મળે અને મોદીમાં વિશ્વાસ વ્યક્ત થાય તો વિકાસ માટે આર્થિક સુધારાનો માર્ગ સરળ બનશે અને વિનાવિઘ્ને સુધારા થઈ શકશે. સંરક્ષણ મોરચે પાકિસ્તાન ધમકીઓ આપે છે. કારણ કે અમેરિકાના પ્રોટેક્શનની તેને ખાતરી છે. પણ હવે વિશ્વના તખતા ઉપર સંબંધ અને સંજોગ બદલાયા છે. ખુદ પ્રેસિડન્ટ ટ્રમ્પે પણ પાકિસ્તાનથી સાવધાન રહેવું પડશે. પાકિસ્તાન આપણને ઉશ્કેરીને લડાઈને આમંત્રણ આપવા માગતું હોય તો મુનીરે પસ્તાવું પડશે.

ટ્રમ્પે કહ્યું કે, ભારતનું અર્થતંત્ર મરણપથારીએ છે : હવે ભારતનું અર્થતંત્ર વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનવા ભણી હરણફાળ ભરે છે એવા અહેવાલ અમેરિકા અને વિશ્વની નાણાં સંસ્થાઓના છે!

ઇ-પેપરના નવા શુલ્ક