• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

હું નગરસેવક હોઉં તો...

હું વડા પ્રધાન હોઉં તો...?! શાળામાં આ વિષય પર નિબંધ લખવાનો આવતો ત્યારે ઘણા વિદ્યાર્થીઓ ગૂંચવાઈ જતા તો મોટા ભાગના ગોખેલું લખી નાખતા. હાલમાં જ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારીપત્રક સાથે વિકાસ અંગેના વિઝનને સ્પષ્ટ કરતો નિબંધ પણ લખવાનું ફરજિયાત કરાયું હતું. નગરસેવક બનવા માટે ઇચ્છુક 2516 ઉમેદવારોએ 100થી 500 શબ્દોમાં નિબંધ લખ્યા છે, જેમાં ચૂંટાઈ આવ્યા બાદ મતવિસ્તારના વિકાસ અંગેના તેમના વિચાર વ્યક્ત કર્યા છે. આમ તો, 2018માં આ જોગવાઈ ઉમેદવારો માટે ઉમેરવામાં આવી હતી અને પેટા-ચૂંટણીઓમાં તેના પર અમલ કરાયો હતો, પણ મોટા પાયે પહેલીવાર નિબંધલેખનને ઉમેદવારીપત્રક સાથે ફરજિયાત કરાયો હતો. ઉમેદવારોમાં ફરજિયાત નિબંધ બાબતે બે ફાડિયાં જોવા મળે છે, વિરોધીઓએ આને બિનજરૂરી અને બિનવ્યવહારુ ગણાવ્યું છે. આ ઉપરાંત, મારા ઘરમાં ટૉઇલેટ છે, એવું પ્રમાણપત્ર અથવા સેલ્ફ-ડિક્લેરેશન આપવાનું પણ ઉમેદવારો માટે ફરજિયાત કરાયું હતું. આ મુદ્દે પણ વિરોધ થયો હતો. રાજ્ય સરકારના સ્વચ્છ મહારાષ્ટ્ર અભિયાન અંતર્ગત આ પ્રમાણપત્ર ફરજિયાત કરાયું હતું. ચૂંટણી પંચના મતે ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ સ્વચ્છતા બાબતે દાખલો બેસાડે એ માટે આ બાબતનો સમાવેશ કરાયો હતો.

નગરસેવક ચૂંટાયા બાદ પોતાના વૉર્ડ માટેની વિકાસ યોજના અંગે નિબંધ લખવા અનેક ઉમેદવારોએ ચૅટ જીપીટી તથા અન્ય એઆઇ માધ્યમોનો ઉપયોગ કર્યાનું સામે આવ્યું છે અને કેટલાકે તો આ નિબંધ લખવાનું કામ અન્યોને સોંપી તેના માટે પાંચ હજારથી પચીસ હજાર રૂપિયા જેવો ખર્ચ કર્યાનું પણ સ્પષ્ટ થયું હતું, તો કેટલાકનું માનવું છે કે આમ પણ ઉમેદવાર પ્રચાર દરમિયાન પેમ્ફ્લેટ અને પુસ્તિકાઓ વહેંચતાં હોય છે અને તેમાં પોતે શું કરવા માગે છે, એ વિશેનો રોડમૅપ આપવામાં આવે છે. આવામાં અલગથી નિબંધ લખવાની જરૂરિયાતનો કોઈ અર્થ સરતો નથી, તો ભાજપ જેવા પક્ષોએ ઉમેદવારીપત્રક માટે એક વિશિષ્ટ ટીમ બનાવી હતી, જેમાં વકીલ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઉપરાંત નિબંધ લખનારાઓ પણ હતા. આથી ઉમેદવારને ફૉર્મ સંબંધી જરૂરિયાત વિશે ચિંતા કરવાની નહોતી. આ બધું જોતાં નિબંધ પાછળનો આશય બર આવ્યો નથી. 

બિનસરકારી સંસ્થા પ્રજા ફાઉન્ડેશન દર વર્ષે નગરસેવકો તથા અન્ય લોક પ્રતિનિધિઓની કામગીરી, બૅકગ્રાઉન્ડ અને સંપત્તિ તથા અન્ય માપદંડો વિશેનાં શ્વેતપત્રો બહાર પાડે છે અને તેમાં ચૂંટણી પહેલાં આપેલાં વચનો પૂરાં કરવામાં મોટા ભાગના ઉમેદવારો નિષ્ફળ નિવડયાનો નિષ્કર્ષ નીકળે છે. આથી માત્ર નિબંધ લખવાથી નગરસેવકો જવાબદાર બનશે, એ ધારી લેવું વધારે પડતું છે.