• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

જયશંકરનો સીધો સંદેશ

આપણા દેશની ફરતે આવેલા પાડોશીઓ નઠારાપણાની તમામ હદ વટાવે તેવા છે અને આ જ વાત વિદેશપ્રધાન એસ. જયશંકરે તાજેતરમાં વ્યક્ત કરી. જયશંકરે મદ્રાસ આઈઆઈટીના છાત્રો સાથે સંવાદ દરમિયાન સ્પષ્ટ કહ્યું કે, ખરાબ પાડોશીઓની વાત આવે ત્યારે ભારતને પોતાના લોકોની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે. તેમણે એમ પણ કહી દીધું હતું કે, આતંકી હુમલાઓ કરાવતા પાડોશીને આપણા દેશની નદીનું પાણી માગવાનો હક રહેતો નથી. જયશંકરે એકદમ કટુસત્ય સૌની સામે મૂક્યું હતું કે, પાડોશીઓમાં એકમાત્ર પાકિસ્તાન જ એવો દેશ છે, જેને ભારતની નદીઓનું પાણી પણ જોઈએ છે અને આતંકીઓ મોકલીને નિર્દોષ નાગરિકોના લોહીની નદી પણ વહાવવી છે. આવાં બેવડાં ધોરણને હરગીજ સાંખી શકાય નહીં. 

દુષ્ટ પાડોશીઓને સમજાવવા માટે ભારતની સરકારોએ પોતપોતાની રીતે બધા પ્રયાસ કર્યા. પંડિત જવાહરલાલ નેહરુથી નરેન્દ્ર મોદી સુધીના વડા પ્રધાનોએ પાકિસ્તાનને નાનો ભાઈ માન્યો પણ દરેક વખતે ભારતને ભલમનસાઈનો જવાબ દુષ્ટતાથી મળ્યો. આજે સ્થિતિ એ છે કે, ભારત આ નઠારા પાડોશીને પાઠ ભણાવવા હંમેશાં તૈયાર રહે છે. આતંકવાદ પ્રત્યે પણ ભારતનું પાકિસ્તાન તરફનું વલણ અત્યંત સ્પષ્ટ અને રૂક્ષ છે. 1971માં જ્યારે પાકિસ્તાને આત્મસમર્પણ કર્યું ત્યારે જ તેને સમજાઈ ગયું હતું કે, સીધા યુદ્ધમાં તે કદી પણ જીતી શકશે નહીં અને એટલે જ `છદ્મ યુદ્ધ' એટલે કે આતંકવાદને શત્ર બનાવ્યું.

આની પાછળ પાકિસ્તાની કુનીતિ સ્પષ્ટ હતી. તે સમજતું હતું કે, આતંકી કાર્યવાહી પાછળ પોતાને ઓછો ખર્ચ થશે, પરંતુ ભારતને નુકસાન પહોંચાડી શકે છે. તેની આ ચાલબાજી 2014 સુધી તો સમીસરખી ચાલી પણ પછી પાસાં અવળાં પડયાં. મોદીની ટીમમાં અજિતકુમાર ડોભાલ જેવા અનુભવી જાસૂસોએ સમજી લીધું કે, હવે પાકિસ્તાનના આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ચૂક્યો છે. મોદી સરકારની દરેક વાતે ટીકા કરતા તજજ્ઞોના એક વર્ગે એ વખતે એવી વાત આગળ રાખી હતી કે, જો પાકિસ્તાનની સરકાર તરફ કડક વલણ રખાશે તો સેના સરકાર ઊથલાવીને સત્તા મેળવી લેશે.  જોકે, તેમનો આ કુતર્ક લાંબો સમય ચાલ્યો ન હતો કેમ કે, મોદી સરકાર એવું સમજાવવામાં સફળ રહી હતી કે, ભારતની સેના પાકિસ્તાનના લોકો, સરકાર કે સેના વિરુદ્ધ નથી માત્ર ત્યાંની ભૂમિ પર ઉછરી રહેલા આતંકીઓ વિરુદ્ધ છે. ભારત માને છે કે, આજે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા, બલુચિસ્તાન અને કરાચીમાંની આતંકી ઘટનાઓ પાછળ ખુદ ઈસ્લામાબાદની નીતિઓ જ જવાબદાર છે. ભારત દ્વારા જળસંધિ માનવા કે ન માનવાનો સવાલ છે ત્યાં સુધી આપણે એ વાતનો અહેસાસ કરાવવા સંધિ રોકી છે કે તે પંડિત જવાહરલાલ નેહરુની એ સહૃદયતાને સમજે  કે જેમણે 1960માં દુષ્ટ પાડોશીને માત્ર એટલા માટે 80 ટકા પાણી આપ્યું કે, તે ભારત સાથે શત્રુતાનો માર્ગ અપનાવે નહીં, પણ પરિણામ આપણી સામે છે. ભારત દુષ્ટ પાડોશી સાથે જ્યાં કઠોર વ્યવહાર કરે છે, તો અન્ય પાડોશીઓ માટે જરૂરત પડે ત્યારે `પહેલા સગા'ના ન્યાયે ખડાપગે ઊભું રહેવાનું પણ જાણે છે.