• શુક્રવાર, 09 જાન્યુઆરી, 2026

અર્થતંત્ર માટે નવા વર્ષે સારા સગડ

સૌરાષ્ટ્રમાં વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ આખરી તબક્કામાં છે. હજારો કરોડના રોકાણ આવશે, વિદેશી કંપનીઓનું સૌરાષ્ટ્ર સાથે અનુસંધાન વધશે તેવી આશા બંધાઈ રહી છે. સૌરાષ્ટ્રના આર્થિક વિકાસની ક્ષિતિજ વિસ્તરશે તેવી પ્રબળ ધારણા થઈ રહી છે. બીજી તરફ, કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરીએ બજેટ આપવાની તૈયારી પણ કરી રહી છે ત્યારે જ દેશના અર્થતંત્ર માટે સારા સમાચાર આવ્યા છે. આગામી સમયમાં જીડીપીની ગતિ 7.4 ટકા રહેશે તેવા અનુમાન જાહેર થયા છે. દેશની મજબૂત આર્થિક સ્થિતિનો આ અરીસો ગણી શકાય. ઉત્પાદન, બાંધકામ સહિતનાં ક્ષેત્રોની વૃદ્ધિની આ અસર હોવાનું પણ જાહેર થયું છે. 

`સ્ટેટેસ્ટિક્સ ઍન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશને' 2025-2026ના નાણાકીય વર્ષ માટે દેશના આર્થિક વિકાસના અનુમાન જાહેર કર્યાં છે તે અનુસાર આ વર્ષે જીડીપી - વિકાસદર 7.4 ટકા રહેવાનો અંદાજ છે. અગાઉ અંદાજ 6.3 ટકા કે 6.8 ટકાનો હતો. ગત વર્ષે વિકાસદર 6.5 ટકા હતો. આ વર્ષે તેમાં 0.9 ટકા વધારો થયો છે. નિષ્ણાતો કહે છે કે, ઉત્પાદન, ઉત્પાદકીય ક્ષેત્રે બાંધકામ તથા સર્વિસ સેક્ટરમાં જે ઉછાળો આવ્યો તેને લીધે આ દર આટલો ઊંચકાયો છે. બુધવારે જાહેર થયેલા આ આંકડા ઉપરથી દેશની તિજોરીની મજબૂતીનો ખ્યાલ સુપેરે આવી શકે છે. કોરોના પછીના પાંચમા વર્ષે આ સંખ્યા એક પ્રકારે સિદ્ધિ ગણી શકાય. સરકારે માળખાકીય સુવિધાઓ, શહેરીકરણને પ્રાધાન્ય આપવાની સાથે સ્વદેશી-આત્મનિર્ભર ભારતને પણ ધ્યાને રાખ્યું તેની અસર પણ અહીં દેખાઈ છે.  

કોઈના ધ્યાને આવે કે ન આવે પરંતુ પાડોશી દેશોની હિંસક હરકતો સામે ભારતે હિંમત દર્શાવીને તેમને મહાત કર્યા છતાં યુદ્ધની વિભીષિકા ટાળી, ફક્ત આતંક સામેની જ લડાઈ ચાલુ રાખી તેને લીધે પણ દેશ ઉપર આર્થિક ભારણ ઓછું આવ્યું છે, સામે કુદરતી આપદાઓ છતાં વિકાસ તરફી ગતિ ચાલુ રહી. 376 લાખ કરોડના જીડીપી સાથે ભારત અમેરિકા, ચીન, જર્મની પછી ચોથી મોટી અર્થવ્યવસ્થા છે. દેશના શ્રમિકો, ઉદ્યોગકારો, ટૅક્સ ભરતા કર્મચારીઓ કે વેપારીઓનું પણ અહીં યોગદાન ઓછું નથી. જીડીપીના આ અનુમાનને વૈશ્વિક એજન્સીઓએ પણ અનુમોદન આપ્યું છે. ફિચના કહેવા અનુસાર વિકાસદર 7.4 ટકા રહેશે, એશિયન ડેવલપમેન્ટ બૅન્ક 7.2 ટકાનું અનુમાન મૂકે છે. 

ગયા વર્ષે નવેમ્બરમાં મોંઘવારી દર નીચો ગયો. બેરોજગારી પણ 4.7 ટકા હતી. એપ્રિલ 2024 પછી તે સૌથી નીચો દર હતો. બધા સંકેત સારા હતા. નવેમ્બરમાં જીએસટીનાં માળખાંમાં સરકારે ફેરફાર કર્યાં તેને લીધે બજારમાં પૈસો ફર્યો. બચત થઈ અને રાજ્યોની આવક પણ વધી. આ તમામને કારણે આવું ચિત્ર ઊભું થયું છે. હવેનાં વર્ષોમાં, આગામી નાણાકીય વર્ષમાં તેની અસર દેખાશે.  

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ