• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

સૌરાષ્ટ્ર-કચ્છ આશા નહીં, વિકાસના વિશ્વાસની ભૂમિ

રાજકોટમાં યોજાયેલી ‘વાઈબ્રન્ટ ગુજરાત રીજિયોનલ કૉન્ફરન્સ- સમિટસૌરાષ્ટ્ર-કચ્છના વિકાસની દિશામાં મક્કમ, વેગવાન પગલું સાબિત થશે તેવું કહેવું અતિરેક ભર્યું નથી. બે દિવસમાં અહીં 5492 એમઓયુ થકી 5.78 લાખ કરોડના રોકાણ પ્રસ્તાવ આવ્યાની સત્તાવાર જાહેરાત થઈ છે. આંકડાને આધાર માનીએ તો સૌરાષ્ટ્ર માટે આકાશ નહીં પરંતુ હવે અંતરીક્ષ જ મર્યાદા છે.  ચર્ચા એવી થતી હોય કે જે વેપાર સમજૂતી કરાર થાય તેમાંથી કેટલું સાકાર થશે? કેટલી યોજનાઓ કાગળ ઉપરથી વાસ્તવમાં આવશે?  ઉદ્યોગ ક્ષેત્રે સૌરાષ્ટ્રની આવતી કાલ અને આવતી કાલના સૌરાષ્ટ્રનું ઉદ્યોગ ક્ષેત્ર આ કૉન્ફરન્સ પછી ઘણા બદલાઈ જશે તેવી આશા સેવી શકાય તેમ છે. કૉન્ફરન્સને સરકારી આયોજન કે રાજકીય દૃષ્ટિથી જોવાને બદલે તેને સમગ્રતયા જોવાની જરૂર છે. રાજકોટની ધરતી ઉપર 2026ની શરૂઆતમાં એક નોંધપાત્ર ઘટનાએ આકાર લીધો તેવું ચોક્કસ કહી શકાશે.

અત્યાર સુધી એવી છાપ જગતમાં છે કે ગુજરાતમાં નોંધપાત્ર અને મોટા ગજાના ઉદ્યોગ તો મધ્ય-ગુજરાત અને દક્ષિણ-ગુજરાતમાં જ છે. આમાં કંઈ ખોટું પણ નથી, પરંતુ આ મોટા ઉદ્યોગોને સૌરાષ્ટ્રના નાના ગણાતા ઉદ્યોગોએ મોટા કર્યા છે તેવું વાઈબ્રન્ટ કૉન્ફરન્સના વિવિધ ડોમ જોતાં જાણી શકાય.  અૉટો પાર્ટ્સ, મશીન ટૂલ્સ, સીએનસી જેવા ઉદ્યોગોથી સૌરાષ્ટ્ર ધબકે છે. અહીંના ઉદ્યોગકારોના કૌશલ્ય, પ્રતિબદ્ધતામાં કોઈ ખોટ નથી. ખૂટે છે તો માર્કેટિંગ-પ્રચાર. જેને વૈશ્વિક ફલક કે મંચ કહેવાય તે આ ઉદ્યોગોને ઓછા અને મોડા મળ્યા. આ કૉન્ફરન્સથી હવે તે શક્ય બન્યું છે.

વીજીઆરસી-વાઈબ્રન્ટ ગુજરાત રીજિયોનલ કૉન્ફરન્સ રાજકોટમાં યોજાઈ તેની તાત્કાલિક ઉપલબ્ધિઓ પણ ઓછી નથી. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વયં તેનું ઉદ્ઘાટન કર્યું તેથી સમગ્ર આયોજનની ઊંચાઈ અને વ્યાપ બન્ને વધી ગયાં. દેશના પ્રથમ પંક્તિના ઉદ્યોગગૃહોના ફક્ત પ્રતિનિધિઓ જ નહીં તેના વડા - મુખ્ય વ્યક્તિઓ આ નિમિત્તે રાજકોટમાં આવ્યાં તેમણે કેટલાક કલાક અહીં ગાળ્યા. રિલાયન્સ ગ્રુપના ચૅરમૅન મુકેશ અંબાણી અહીં ઉપસ્થિત રહ્યા, સૌને પ્રભાવિત કરતું વક્તવ્ય તેમણે આપ્યું તેમાં કહ્યું કે રાજકોટ તેના નામ અનુસાર કિંગ સિટી છે. ગુજરાત રિલાયન્સ માટે શરીર, હૃદય અને આત્મા છે. કુલ સાત લાખ કરોડ રૂપિયાના રોકાણની તેમણે તૈયારી દર્શાવી. વિરાટ અને વિશિષ્ટ યોજનાઓ વિશે ટૂંકમાં વિગત આપી.

અદાણી ગ્રુપના કરણ અદાણીએ પણ ભારત-ગુજરાતના વિકાસથી અદાણી ગ્રુપ અૉફ કંપનીઝનો વિકાસ અલગ નથી તેમ કહીને પોતાની પ્રતિબદ્ધતાની વાત કરી. દેશના 40 ટકા કાર્ગોનું પરિવહન બંદરો થકી થાય છે ત્યારે બંદરના વિકાસ માટે પોતાની કંપની શું કરી રહી છે તે કહીને કચ્છને પરિવર્તનનું મોટું માધ્યમ ગણાવ્યું. 1.5 લાખ કરોડના રોકાણની જાહેરાત તેમણે પણ કરી. વેલસ્પન ગ્રુપના  બી. એ. ગોએન્કાએ પણ ગુજરાત-કચ્છને ઉદ્યોગ ક્ષેત્રે અગત્યનું મથક ગણાવ્યું. વડા પ્રધાનની ઉપસ્થિતિમાં, ઉદ્યોગ ક્ષેત્રના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ વચ્ચે રાજકોટના પરાક્રમસિંહ જાડેજાએ જે વાત કરી તે સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતનું પ્રતિનિધિત્વ હતું. તાત્પર્ય એ છે કે સૌરાષ્ટ્ર ઉદ્યોગ ક્ષેત્રે નથી તો પછાત કે નથી ત્યાં શક્યતાની ખોટ તેવું આ અગ્રીમ ઉદ્યોગપતિઓએ કહ્યું જેને એક રીતે પ્રમાણપત્ર માની શકાય.

વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લા ઉપરથી પોતે જ કહેલા શબ્દોનું સ્મરણ કરીને કહ્યું કે રાષ્ટ્રની જેમ સૌરાષ્ટ્રમાં પણ રોકાણ માટે ‘યહી સમય હૈ, સહી સમય હૈ.’  વાઈબ્રન્ટની આખી યાત્રા તેમણે વક્તવ્યમાં વર્ણવીને કહ્યું કે હવે આ સમિટ આધુનિક ભારતની યાત્રા છે. વાઈબ્રન્ટ ગુજરાત ફક્ત રોકાણનો વિષય નથી રહ્યો હવે આ વૈશ્વિક ભાગીદારી, વૈશ્વિક વિકાસ તથા આંતરરાષ્ટ્રીય સહયોગનો મોટો મંચ છે. વાઈબ્રન્ટ ગુજરાતને વડા પ્રધાને સર્વસમાવેશકતા (ઇન્કલુઝન)નું પ્રતીક સૌરાષ્ટ્રની ધરતી ઉપરથી કહી એક અર્થ એવો તારવી શકાય કે વીસ વર્ષમાં વાઈબ્રન્ટની દસ આવૃત્તિનું પરિણામપત્રક રાજકોટમાં જાહેર થયું.  બે દાયકામાં આ યાત્રા વૈશ્વિક ઓળખ બની તેવું તેમણે કહ્યું.

જે સૌરાષ્ટ્ર ઉદ્યોગ ક્ષેત્રે ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે તેવી વાત હતી તેના માટે વડા પ્રધાને કહ્યું કે સૌરાષ્ટ્ર-કચ્છ એ ક્ષેત્ર છે જે શીખવે છે કે પડકારો ગમે તેટલા મોટા હોય તો પણ મહેનત કરીએ તો સફળતા મળે. આ સદીના આરંભે કચ્છે મોટો ભૂકંપ ઝેલ્યો. સૌરાષ્ટ્રમાં વારંવાર દુષ્કાળ પડતો પરંતુ આ પ્રદેશે પરિશ્રમથી પોતાનું ભાગ્ય બદલ્યું છે. આ સૌરાષ્ટ્રને મળેલું પ્રમાણપત્ર છે. વડા પ્રધાનના વાઈબ્રન્ટ કૉન્ફરન્સના પ્રવચનમાં અગત્યની  વાત એ રહી કે તેમણે સૌરાષ્ટ્રને અવસરોનું જ નહીં, પરંતુ આત્મનિર્ભર ભારતની વિભાવનાને ગતિ આપનારું ક્ષેત્ર કહ્યું. ઓછી કિંમતે થતાં ઉત્પાદન કે સ્થપાતા ઉદ્યોગથી શરૂ કરીને હવે હાઈ ટેક્નૉલૉજીની વૅલ્યૂચેઈનને આ ક્ષેત્ર સહયોગ કરે છે તેવા ઉદ્ગાર સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોની પીઠ થાબડનારા હતા.

રાજકોટના એમએસએમઈ, મશીન ટૂલ્સ, આભૂષણોનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે ગુજરાતના દરેક પ્રાંતને તેની વિશેષતા છે, ક્યાંક દરિયાકિનારો છે, ક્યાંક આદિવાસી પટ્ટી છે, ક્યાંક પરંપરાગત કુટિર ઉદ્યોગો છે. આ રીજનલ વિશેષતાઓ જ આ રીજનલ સમિટનું હાર્દ છે. ભારતમાં અત્યારે કેન્દ્ર સરકાર રિફોર્મ, ટ્રાન્સફોર્મ અને પરફોર્મની ફૉર્મ્યુલા ઉપર કામ કરી રહી છે. આ રિફોર્મ એક્સ્પ્રેસ અટકવાની નથી. આનો સીધો અર્થ એ છે કે રાષ્ટ્રના વિકાસ માટેનો સ્પષ્ટ નકશો તેમની પાસે છે અને તે નકશામાં સૌરાષ્ટ્ર-કચ્છ હવે ઝીણા નહીં, પરંતુ બોલ્ડ અક્ષરે દેખાઈ રહ્યા છે. જે ‘એમઓયુ  થયા છે તેને સાકાર થતાં સમય શકય તેટલો ઓછો લાગે તો સારું, પરંતુ આજે તો એટલું કહી શકાય કે સૌરાષ્ટ્રના ઉદ્યોગ ક્ષેત્રને અને ઉદ્યોગોમાં સૌરાષ્ટ્ર ક્ષેત્રને નોંધપાત્ર સ્થાન-માન મળ્યાં છે જેનું  નિમિત્ત આ વાઈબ્રન્ટ ગુજરાત રીજિયોનલ કૉન્ફરન્સ છે.