રાજકોટમાં બે દિવસ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ પૂર્ણ થયા પછી તેની ઘણી ચર્ચા છે. તેનાં પરિણામો વિશે વાત થઈ રહી છે. સૌરાષ્ટ્રના આંગણે આ કૉન્ફરન્સ યોજાઈ તેનો રાજીપો ઉદ્યોગકારો વ્યક્ત કરી ચૂક્યા છે. હવે પ્રશ્ન જે વાતો થઈ તેના અમલીકરણનો છે. કૉન્ફરન્સમાં જે વચન અપાયાં છે તે રિલાયન્સ અને અદાણી ઇન્ડસ્ટ્રી દ્વારા અપાયાં છે એટલે પૂર્ણ તો થાય તેમાં કોઈ બીજો અભિપ્રાય હોઈ શકે નહીં, પરંતુ તે સિવાય પણ મોટી સંખ્યામાં એમઓયુ થયા છે. આ ઉપરાંત જે કોઈ બાબતો વાઈબ્રન્ટ સંદર્ભે છે તેની ચર્ચા થવી ઘટે.
વડા પ્રધાને પોતાના વક્તવ્યમાં કહ્યું કે રાજકોટ, મોરબી અને જામનગરનો ત્રિકોણ
જાપાન બનશે તેવી મારી આગાહી સાચી પડી છે. સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો માટે આ પ્રોત્સાહન
નાનું નથી, પરંતુ અહીંના ઉદ્યોગો અને ઉદ્યોગકારોની કેટલીક જરૂરત અને અપેક્ષા છે જે
ભાવિ વિકાસ માટે આવશ્યક છે. ઉદ્યોગોની સ્થાપના માટે વ્યાજબી ભાવે જમીન મળવી જરૂરી છે.
આનુષંગિક માળખાકીય સુવિધાનો સાતત્યપૂર્ણ અને પરિણામલક્ષી વિકાસ તેટલો જ આવશ્યક છે.
કૌશલ્યવાળું શ્રમબળ ઉદ્યોગોને વધુ મજબૂત બનાવશે. સૌરાષ્ટ્રની સરકારી અને નિજી યુનિવર્સિટીઓમાં
સ્ટાર્ટઅપ્સ માત્ર પરીક્ષાલક્ષી બાબત બનીને રહી ગયાં છે તેને બદલે તેને પરિણામલક્ષી
બનાવવાં પડશે એટલે કે આ સ્ટાર્ટઅપ્સનો ઉપયોગ ઉદ્યોગોમાં શક્ય તેટલો વધારે કરવો પડશે.
વાઈબ્રન્ટ જેવાં આયોજનો વિદ્યાર્થીઓ, વિદ્યાલયો સુધી પહોંચે તો ઉદ્યોગની ઉપયોગિતાનો
તેમને ખ્યાલ આવી શકે. આવાં આયોજનોમાં અભ્યાસલક્ષી અભિગમ પણ દાખલ કરવો પડે. આ ઉપરાંત
ઉદ્યોગોની સ્થાપના માટે વહીવટી પ્રક્રિયા ઝડપી બને, દરેક તબક્કે ભ્રષ્ટાચાર થતો હોવાની
સ્થિતિમાંથી વેપાર-ઉદ્યોગ ક્ષેત્રને પણ મુક્તિ મળે, લઘુ ઉદ્યોગો માટે ઓછા ભાવે વસાહતો,
પરિવહન, શ્રમિક કલ્યાણ યોજનાનો ચુસ્ત અમલ જેવી ઘણી બાબતો છે જે આવાં મહત્ત્વાકાંક્ષી
આયોજનોની સાથે અમલી બને તે જરૂરી છે. વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ અપાર શક્યતાઓના
દ્વાર ખોલીને સંપૂર્ણ થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રની ક્ષમતામાં વિશ્વાસ
દાખવ્યો છે. હવે વહીવટી તંત્ર, ઉદ્યોગ સહાયક સંસ્થાઓ અને ઔદ્યોગિક સંગઠનોએ આ વિશ્વાસને
સાચો સાબિત કરવાનો છે.