મુંબઈ સુધરાઈની ચૂંટણીમાં ઉત્સાહનો અભાવ કેમ હતો તેનાં કારણો જાણવા ઊંડી તપાસની જરૂર નથી. નેતાઓ જાણતા જ હશે. મુંબઈના મતદારોએ વર્તમાન રાજકારણ સામે અણગમો વ્યક્ત કર્યો હોય તો તે સ્વાભાવિક છે. નવ વર્ષ પહેલાં સુધરાઈની ચૂંટણીમાં પંચાવન ટકા મતદાન થયું હતું અને આ વખતે વધુ થશે એવી આશા, અપેક્ષા હતી. હવે ઘટેલા મતદાનમાં સ્પષ્ટ જનાદેશ હશે? મુંબઈ સુધરાઈ સ્થિરતા ભોગવશે કે પછી ત્રિશંકુ હાલત હશે? આ પ્રશ્નો મતદાનનો સમય લગભગ પૂરો થવા આવ્યો ત્યાં સુધી ઊઠી રહ્યા હતા. છતાં મુંબઈના વિકાસના હિતમાં સુધરાઈના નવા શાસકો કામ કરી શકશે એવી આશા રાખીએ.
મતદારોના નિરુત્સાહ
માટે નેતાઓ જવાબદાર છે. મહાયુતિ અને વિકાસ આઘાડી-બંને છાવણીઓમાં એકતાનો અભાવ પહેલા
દિવસથી જ દેખાયો હતો. કોણ કોની સામે છે - કે સાથે છે તે પારખવું મુશ્કેલ હતું. કૉંગ્રેસે
શરૂઆતથી જ છેડો ફાડયો અને અલગ ચૂંટણી લડવાની જાહેરાત કરી. વંચિત બહુજન આઘાડીના પ્રકાશ
આંબેડકર કૉંગ્રેસ સાથે રહ્યા હોવા છતાં એમનો અસંતોષ અને રોષ જાહેરમાં ભભૂકતો હતો! ઠાકરે
બંધુઓની એકતા પ્રદર્શિત થઈ હોવા છતાં કાર્યકરોને ખાતરી ન હતી. રાજ ઠાકરે અને ઉદ્ધવ
ઠાકરેએ મુંબઈ અને મરાઠી માણૂસના ભવિષ્યનો મુદ્દો કેન્દ્રમાં રાખ્યો અને તેના જવાબમાં
ભાજપે - મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે `િહન્દુત્વ' અને મરાઠી-હિન્દુ મેયર બનશે -
એમ કહ્યું. કોમવાદ સામે ધર્મવાદ પણ ઝળક્યો.
મહાયુતિમાં અજિત
પવાર બ્લેકશિપ હોવાની સૌને ખાતરી હતી. એમણે શરદ પવાર સાથેના સંબંધ સુધારીને ભવિષ્યનો
અણસાર આપ્યો. શિંદેસેનાએ પણ અંબરનાથ અને અન્ય બેઠકોમાં વ્યૂહ બદલ્યા. મૂળ શિવસેનાના
કાર્યકરો સામસામે આવી ગયા. હિંસાખોરી પણ થઈ. આ તમાશો જોઈને મરાઠી મતદારો પણ નિરાશ થયા
હશે.
છેલ્લા દિવસોમાં
ઓવૈસી પિતા-પુત્ર મેદાનમાં આવ્યા અને નિલેશ રાણે સાથે અભદ્ર જીભાજોડી થઈ.
આ વિવાદ અને વિખવાદમાં
મુંબઈનો વિકાસ અને મુંબઈકર - મરાઠી માણૂસનાં હિત પણ વીસરાયાં. મહાનગરના ચૂંટણી પ્રચારમાં
મુંબઈનું અવમૂલ્યન થયું છે.
મુંબઈ મહાપાલિકા
- સુધરાઈની ચૂંટણી ઉપર રાષ્ટ્રની નજર હંમેશ હોય છે. દેશના વ્યાપાર - આર્થિક પાટનગર
ગણાતા મુંબઈનું મહત્ત્વ નવી દિલ્હીથી ઓછું નથી. વિશ્વના મોટા અર્થતંત્રમાં ચોથું સ્થાન
મેળવનાર મુંબઈની ચૂંટણીનાં પરિણામ ઉપર સૌની નજર અને આધાર હોય તે સ્વાભાવિક છે : પણ
ચૂંટણીના પ્રચારમાં નેતાઓએ મુંબઈ અને મુંબઈકરનાં જીવનધોરણ આસાન અને આરામદાયક બનાવવાને
બદલે મહારાષ્ટ્રમાંથી મુંબઈ ચોરાઈ જવાનો - અલગ થવાનો રાજકીય `હાઉ' ઊભો કર્યો. વાસ્તવમાં
મુંબઈનું અવમૂલ્યન કરી નાખ્યું અને આ માટે મુંબઈમાં લોકશાહી ઉપર નાણાશાહી હાવિ થઈ ગઈ!
લોકતંત્રનું સ્થાન નાણાતંત્રે લઈ લીધું. વોટ માટે રોકડ `કૅશ ફૉર વોટ' ઉપરાંત રેવડી
બજાર ધમધમવા લાગ્યાં. જનકલ્યાણની યોજનાઓના નામે જે વચનો જાહેર થયાં - બેસ્ટની બસનાં
ભાડાંમાં પચાસ ટકા કન્સેશનથી લઈને મહિલાઓને વ્યાજમુક્ત પાંચ લાખની લોન, ઘરકામ કરનારાને
માસિક આર્થિક સહાય, વીજળીનાં બિલ ઉપર રાહત, પ્રૉપર્ટી ટૅક્સમાં રાહત વગેરે... આ યાદી
લાંબી છે. આવી છૂટછાટો નવી વાત નથી. ટ્રાન્સપોર્ટ, સ્વાસ્થ્ય અને શિક્ષણમાં રાહત અપાય
તે જરૂરી છે પણ એ સુધરાઈ દ્વારા નાણાં બૅન્કમાં જમા કરવાની શરૂઆત થાય તે ગંભીર બાબત
છે.
નોંધપાત્ર છે
કે સુધરાઈ `સરકાર' નથી અને સુધરાઈ માટેનાં ચૂંટણી ઘોષણાપત્રો-વચનો સરકારી `બજેટ' નથી
કે તેમાં નાણાકીય જોગવાઈ થાય! સુધરાઈએ પ્રૉપર્ટી ટૅક્સ તથા અન્ય સર્વિસ ટૅક્સની આવક
ઉપર આધાર રાખવાનો હોય છે. ચૂંટણી સંબંધિત વચનો અપાયાં હોય તેના અમલની ખાતરી કોણ આપે?
અને વધુ ગંભીર બાબત એ છે કે આ વચનોની સ્પર્ધા થાય, હોડ લાગે તેથી નાણાંની રકમ વધતી
જાય.
ચૂંટણીમાં મુખ્ય
મુદ્દો જન-જીવન સુધારાનો હોવો જોઈએ પણ હવે `રાહતોની હરાજી' થઈ રહી હોય એવો ઘાટ છે.
લોકો - મતદાતાઓને પુછાતું નથી કે તમારે કેવું મુંબઈ જોઈએ -? નેતાઓએ લોકોને યાચક - ભિખારી
બનાવી દીધા છે! જનજીવન માટે સામાન્ય ગણાય તેવી `સેવાઓ'માં નાણાકીય રાહત તથા બૅન્ક ખાતામાં
નાણાં ટ્રાન્સફર કરવાનાં વચનો અપાય છે!
હવે ચૂંટાયેલા
પ્રતિનિધિઓ મહાનગરમાં સુધારા ક્યારે કરે છે તે જોવાનું છે. બેસ્ટ-બસ સેવા, કાર પાર્કિંગ,
ફેરિયાઓ બાબત કાયમી નીતિ, રિડેવલપમેન્ટ અને પાઘડી સિસ્ટમ, માર્ગો પરના ખાડા, બાંધકામ,
હવા-પાણીના પ્રદૂષણ વગેરે સમસ્યાઓનું નિરાકરણ તાત્કાલિક શરૂ થાય એવી અપેક્ષા મુંબઈકરની
છે.
મહાનગર મુંબઈની
શાન-બાન પાછી લાવવાનો પડકાર છે. મુંબઈ, મરાઠી માણૂસ અને ભાષાનું ગૌરવ વધે તે દિશામાં
સકારાત્મક પગલાં ભરવાની જરૂર છે. વિશ્વમાં ભારતીય અર્થતંત્રના નામે ડંકા વગડે તેમાં
મુંબઈનો ધ્વનિ સંભળાય અને પડઘા પડે એવી અપેક્ષા મહારાષ્ટ્રની અને રાષ્ટ્રની છે. હવે
રાજકીય મતભેદ ભૂલીને મહાનગરને ફરીથી `મહાન' બનાવીએ...