યુદ્ધના કેટલાક વણલખ્યા નિયમો હોય છે અને કેટલાંક માન્ય ધોરણો હોય છે, પણ અત્યારે વિશ્વનાં વિવિધ સ્થળે ચાલી રહેલા યુદ્ધ જેવા સંઘર્ષો અને ઘર્ષણોમાં માનવતા નેવે મુકાઈ ગઈ હોવાનું જોવા મળે છે. અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં એક ડ્રગ રિહેબિલિટેશન હૉસ્પિટલ પર પાકિસ્તાને કરેલા હવાઈ હુમલામાં 400થી વધુ લોકોનાં મોત થયાં છે અને સેંકડો ઇજાગ્રસ્ત થયા છે. પાકિસ્તાને ઇરાદાપૂર્વક હૉસ્પિટલ પર હુમલો કર્યો હોવાનું નકાર્યું છે. જોકે, આ એકમાત્ર કિસ્સો નથી. 14મી માર્ચે ઇઝરાયલે કરેલી ઍર સ્ટ્રાઈકમાં લેબનોનની એક હેલ્થ-કૅર સુવિધામાં 12 ડૉક્ટર, નર્સ અને પૅરામૅડિક્સના જીવ ગયાના સમાચાર છે. વર્લ્ડ હેલ્થ અૉર્ગેનાઈઝેશનના આંકડા અનુસાર, માર્ચ મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 27 હુમલા સ્વાસ્થ્ય સંભાળ સુવિધાઓ પર થયા છે અને તેમાં 31 જેટલા લોકોના જીવ ગયા છે. અમેરિકા-ઇઝરાયલે ઈરાન પર કરેલા સંયુક્ત હુમલાના પહેલા જ દિવસે ઈરાનના મિનાબ શહેરની છોકરીઓની પ્રાથમિક શાળા પર પડેલી મિસાઈલમાં સાતથી બાર વર્ષની વયની દીકરીઓ સહિત કુલ 170 લોકો મૃત્યુ પામ્યાં હતાં. યુદ્ધ ગુનાઓમાં કઈ-કઈ બાબતો આવે એ વિશે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને નિયમો સ્પષ્ટ હોવા છતાં છેલ્લાં થોડાં વર્ષોથી લશ્કરી મથકો કે આતંકવાદીઓના અડ્ડાની આડમાં હૉસ્પિટલો પર હુમલા વધ્યા હોવાનું જોવા મળે છે.
આંતરરાષ્ટ્રીય
કાયદા અને એમાંય 1864માં અપનાવવામાં આવેલા મૂળ જીનિવા કન્વેન્શન અનુસાર, જીવન માટે
આવશ્યક એવાં માળખાં પર હુમલો કરી શકાય નહીં. વળી, ડૉક્ટર્સ, નર્સીસ અને પૅરામૅડિક્સને
સુરક્ષા આપવી જોઈએ. કાયદા ઉપરાંત નૈતિક દૃષ્ટિએ પણ નિર્દોષ નાગરિકો પર હુમલો કરવો એ
અપરાધ છે, પણ વાસ્તવિકતા છે કે, 2022થી અત્યાર સુધીમાં એકલા યુક્રેનમાં જ મેડિકલ સુવિધાઓની
2881 જેટલી જગ્યા પર હુમલા થયા છે. ઇઝરાયલ સતત આક્ષેપ કરે છે કે, હિઝબુલ્લા અને હમાસ
તબીબી માળખાંનો ઉપયોગ મિલિટરી કાર્ય માટે કરે છે. એક કાળે આવાં સ્થળો પર હુમલો થાય
તો તેને મિસટેકન ઍટેક તરીકે ઓળખવામાં આવતા, પણ હવે તો ટાર્ગેટેડ હુમલા ગીચ શહેરી વિસ્તારો
પર થતાં હોવાનું ચલણ છે. દક્ષિણ સુદાન, યુક્રેન, ગાઝા અને હવે ઈરાન તથા લેબનોનમાં આવી
સુવિધાઓ પર હુમલા સામાન્ય બની ગયા છે. મિલિટરી કામ માટે હૉસ્પિટલનો ઉપયોગ થતો હોય,
એટલા માત્રથી તેના પર હુમલાનો પરવાનો મળી જતો નથી, આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા
અનુસાર, આવી જગ્યાનો દુરુપયોગ થતો હોય તો એ અટકાવવા માટે વૉર્નિંગ સાથે વાજબી સમય આપવો
જોઈએ. જોકે, અત્યારે તો આ નિયમો પોથીમાંનાં રીંગણાં સાબિત થાય છે અને બળિયાના બે ભાગ
એકમાત્ર નિયમ બની ગયો છે.