બાળકના વિકાસમાં માતાની ભૂમિકા મહત્ત્વની હોય છે, પણ નવજાત બાળકની સાર-સંભાળમાં પિતાની મહત્તાને નજરઅંદાજ કરવામાં આવી હોવાનું નિરીક્ષણ કરતા સર્વોચ્ચ અદાલતે પુરુષોને પેટર્નિટી લીવ (પિતૃત્વ રજા)ને સામાજિક-સુરક્ષા લાભ તરીકે માન્યતા મળે એ માટે કાયદો ઘડવાની વિનંતી કેન્દ્ર સરકારને કરી હતી. જસ્ટિસ જે. બી. પારડીવાલા અને આર. મહાદેવનની ખંડપીઠે નોંધ્યું હતું કે, શિશુની સાર-સંભાળ અને ઉછેરની જવાબદારી પૂર્ણપણે માત્ર માતાની છે એવું સમાજે ઐતિહાસિકપણે માની લીધું છે. જોકે, બાળકના ભાવનાત્મક, શારીરિક અને માનસિક વિકાસમાં માતાની ભૂમિકા અનિવાર્યપણે કેન્દ્રીય છે, પણ પિતાની એટલી જ નોંધપાત્ર ભૂમિકાને નજરઅંદાજ કરવું એ અન્યાયપૂર્ણ ગણાય. બાળક દત્તક લેનાર માતાને માતૃત્વ રજા (મેટર્નિટી લીવ) મળવી જોઈએ, એ માટેની અરજીની સુનાવણી દરમિયાન અદાલતે ઉપરોક્ત નિરીક્ષણ રજૂ કર્યું હતું. અત્યારે મેટર્નિટી લીવ બાબતે જોગવાઈ એવી છે કે, ત્રણ મહિનાથી વધુ વયના બાળકને દત્તક લેનાર મહિલા માતૃત્વ સંબંધી રજા માટે પાત્ર નથી. અદાલતે ચુકાદામાં કહ્યું છે કે, પરિવારમાં બાળકનું આગમન, જન્મથી હોય, દત્તક લેવાથી હોય કે સરોગસીના માધ્યમથી હોય, તેમાં સમય, ધ્યાન અને ઉછેરની જવાબદારીનો સમાવેશ થાય છે અને આથી માતા બનતી મહિલા માટે મેટર્નિટી લીવ એ તેનો હક્ક છે.
સ્ત્રી-પુરુષ
સમાનતાની દિશામાં છેલ્લા થોડા સમયથી સર્વોચ્ચ અદાલતે કરેલા નિરીક્ષણો અને સૂચનો નોંધપાત્ર
રહ્યાં છે. અદાલતે પેટર્નિટી લીવ વિશે ટિપ્પણી કરી હતી કે, પિતૃત્વ રજા ન હોવાને કારણે
બાળકને ઉછેરવાની જવાબદારી માતાની છે, એ વાત પર ભાર મુકાય છે, પણ જે પિતા આમાં અર્થપૂર્ણ
યોગદાન આપવા માગતા હોય તેમને આ તક નકારવામાં આવે છે. સંતાનના જન્મ બાદ પિતાને પણ રજા
મળે તો તેઓ નવી માતાને આધાર આપી શકે છે અને પરિવારની જવાબદારીઓનું વહન કરી શકે છે.
આથી, સરકારને અમારી વિનંતી છે કે, તેઓ સોશિયલ સિક્યોરિટી લાભ તરીકે પેટર્નિટી લીવને
માન્યતા આપતી જોગવાઈ રજૂ કરે. આ રજાનો ગાળો એવી રીતે નક્કી કરવો જોઈએ, જેનાથી માતા-પિતા
અને શિશુની જરૂરિયાતોને અનુરૂપ હોય. સર્વોચ્ચ અદાલતનું આ નિરીક્ષણ યોગ્ય છે અને સમયની
માગ પણ છે.
તો, ત્રણ મહિનાથી મોટી વયના બાળકને દત્તક લેનારી માતાને મેટર્નિટી લીવનો લાભ ન મળતો હોવાના મુદ્દે અદાલતે સંવેદનશીલ મુદ્દો રજૂ કર્યો હતો. બાળક દત્તક લેવું એ પરિવાર બનાવવાનો એટલો જ માન્ય માર્ગ છે. માત્ર જન્મથી જ માતા, પિતા અને બાળકનો પરિવાર નથી બનતો, સહિયારો અર્થ, જવાબદારી અને લાગણીના બંધન આવા સંબંધને ટકાવવાનું કામ કરે છે. બાળકનાં શ્રેષ્ઠતમ હિતોને ધ્યાનમાં રાખી કાયદા ઘડાવા જોઈએ. દત્તક લેવાતાં બાળકનું કલ્યાણ માત્ર તેને દત્તક અપાય એનાથી ઘણું આગળ હોય છે. માતૃત્વ રજા અને આવી રજાને બદલે પગાર સ્ત્રીને માતૃત્વના શરૂઆતના તબક્કામાં આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો હોય છે, કેમ કે આ તબક્કે તે નવજાત શિશુના સંભાળ અને ઉછેરમાં સૌથી વધુ ગુંથાયેલી હોય છે. વહેલી તકે પેટર્નિટી લીવ અંગે કાયદો બને એ હાલના સમયની માગ છે.