દેશભરમાં વ્યાપક વિરોધ વચ્ચે લોકસભામાં ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન અૉફ રાઈટ્સ) અમેન્ડમેન્ટ ખરડો ધ્વનિ મતથી પસાર થયા બાદ રાજ્યસભામાં તેના પર શરૂ થયેલી ચર્ચા સાથે જ સુપ્રીમ કોર્ટે બનાવેલી સલાહકાર સમિતિના વડાએ ભારત સરકારને આ ખરડો પાછો ખેંચવા માટે વિનંતી કરી છે. નવા ખરડા દ્વારા વ્યક્તિ પાસેથી પોતાની જાતિ ઓળખ જાતે નક્કી કરવાનો હક સરકાર આંચકી રહી હોવાનું કારણ આગળ કરાઈ રહ્યું છે અને વિરોધ થઈ રહ્યો છે. ટ્રાન્સજેન્ડર વ્યક્તિની ઓળખ માટેની વ્યાખ્યાને સાંકડી કરી દેવાઈ હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.
સરકારે શારીરિક
અને સાંસ્કૃતિક ચિહ્નોના આધારે ટ્રાન્સજેન્ડરની વ્યાખ્યા મર્યાદિત કરી નાખી છે, જે
કંઈક આમ છે-વ્યક્તિ જે કિન્નર, હીજડા, અરાવની અને જોગટા જેવી સામાજિક-સાંસ્કૃતિક ઓળખ
ધરાવતી વ્યક્તિ... આ નવી વ્યાખ્યા અંગે સરકારનું કહેવું છે કે, ટ્રાન્સજેન્ડર વ્યક્તિની
પરિભાષાને ફરીથી ચકાસવી જરૂરી હતી, જેથી આ કાયદાનો લાભ એવા લોકોને મળે જેને આની ખરેખર
જરૂર છે. ભારતમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓની ઓળખ અને અધિકાર સંબંધિત કાયદાનો ઇતિહાસ
માંડ એકાદ દાયકા જૂનો છે. 2014માં સુપ્રીમ કોર્ટે નેશનલ લીગલ સર્વિસીસ અૉથોરિટી (નાલ્સા)
સંબંધી એક ચુકાદામાં આવી વ્યક્તિઓના અધિકારોને માન્યતા આપી હતી. આ ચુકાદાથી સર્વોચ્ચ
અદાલતે વ્યક્તિને પોતાની જાતિની ઓળખ જાતે નક્કી કરવાનો અધિકાર આપ્યો હતો અને તેમને
થર્ડ જેન્ડરનો દરજ્જો પણ આપ્યો હતો. અદાલતે એવો નિર્દેશ પણ આપ્યો હતો કે, ટ્રાન્સજેન્ડર
લોકોને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ગણવામાં આવે તથા તેમને શિક્ષણ, રોજગાર
તથા સ્વાસ્થ્ય સેવાઓમાં યોગ્ય સુવિધાઓ તથા આરક્ષણ પણ આપવામાં આવે. 2019માં સરકારે કાયદો
ઘડયો જેમાં આવી વ્યક્તિઓમાં જન્મ સમયે અપાયેલી જાતિ ઓળખથી અલગ જેન્ડર આઈડેન્ટિટી ધરાવનારા
અને ટ્રાન્સ વુમન અને ટ્રાન્સ મૅનનો પણ સમાવેશ હતો. વળી, જરૂરી નથી કે સેક્સચૅન્જ અૉપરેશન
કરાવ્યું હોય જ. પોતાની જેન્ડર ઓળખ જાતે નક્કી કરવાની છૂટ એ કાયદાએ આપી હતી, પણ આ માટે
જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા રખાઈ હતી.
સરકારનો દાવો
છે કે, મોટી વયના લોકો અને બાળકોનું અપહરણ કરી તેમને શારીરિક રીતે ગંભીર નુકસાન પહોંચાડવામાં
આવે છે અને તેમને બળજબરી ટ્રાન્સજેન્ડરની ઓળખ અપનાવવાની ફરજ પડાય છે. આવું મોટા ભાગે
એ કારણસર થાય છે, જેથી આગળ જતાં તેમને ભીખ માગવા જેવાં કામમાં જોતરી આર્થિક શોષણ કરી
શકાય. આની સામે પણ ટ્રાન્સજેન્ડર સમુદાયનો વિરોધ છે. તેમનું કહેવું છે કે, આ બાબત આખા
સમુદાયને શંકાના દાયરામાં મૂકવાની સાથે તેમને અપરાધીની જેમ રજૂ કરે છે. વળી, જેન્ડર
ઓળખ સંબંધી સર્જરી વિશેની જાણકારી હૉસ્પિટલ તંત્રએ સીધી જિલ્લા મેજિસ્ટ્રેટને આપવાની
રહેશે. ભારતે આ વર્ગને આગવી ઓળખ આપવાનું કામ કરી સરાહનીય પગલું લીધું હતું અને નવા
સુધારા પાછળનો આશય પણ આ વર્ગના કલ્યાણ અને સંરક્ષણ છે, પણ મર્યાદિત કે સંકુચિત વ્યાખ્યામાં
બાંધી આ વર્ગ સાથે સદીઓથી થઈ રહેલા અન્યાયમાં ક્યાંક વધારો તો નથી થઈ રહ્યો ને? એ ચકાસવાનો
સમય આવી ગયો છે.