• રવિવાર, 19 એપ્રિલ, 2026

ચોમાસાની ચિંતા

લાગલગાટ સાત વર્ષના સારા વરસાદ અને છેલ્લી બે મોસમમાં શ્રીકાર વર્ષા પછી વખતે ચોમાસું સરેરાશ કરતાં નબળું રહેવાની આગાહી પહેલા સ્કાયમેટ અને હવે ઇન્ડિયન મીટિયોલૉજી ડિપાર્ટમેન્ટે (આઇએમડી) કરી છે. પ્રશાંત મહાસાગરમાં ઉષ્ણતા વધવાને કારણે સર્જાતી અલ નિનોની અસરને કારણે વખતે સામાન્ય કરતાં ઓછો એટલે 92 ટકા જેટલો વરસાદ પડવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. ગયા વર્ષે અતિવૃષ્ટિને કારણે પડેલા ફટકામાંથી મોટા ભાગના ખેડૂતોને કળ વળી નથી, ત્યાં વર્ષે સરેરાશથી ઓછો નહીં, પણ ડેફિશિયન્ટ મૉન્સૂન ચિંતા વધારનારી બાબત છે. અલ નિનોને કારણે  ઈશાનનાં કેટલાંક રાજ્યો, લડાખ, તેલંગણા અને આંધ્ર પ્રદેશને બાદ કરતા અન્યત્ર સરાસરી કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે. તો, ઉત્તર ભારતના મહત્તમ ભાગમાં ખાસ કરીને ગંગાના મેદાન પ્રદેશ તથા મહારાષ્ટ્રમાં વિદર્ભ અને મરાઠવાડાના કેટલાક જિલ્લા બાદ કરતા અન્ય ભાગોમાં અપૂરતો વરસાદ પડશે. ચિંતા વધારનારી આગાહી સાથે યુદ્ધને કારણે સર્જાયેલી અનિશ્ચિતતાઓ પણ ઉમેરાઈ છે અને આની અસર ફુગાવા પર થઈ શકે છે. નબળા ચોમાસાની અસર નાના ખેડૂતો અને ગ્રામીણ અર્થતંત્ર પર વધારે પડવાની શક્યતા છે.

ભારતીય કૃષિ ક્ષેત્ર હજી પણ મોટા પ્રમાણમાં વરસાદ પર આધારિત છે અને વિવિધ રાજ્યોમાં આનું પ્રમાણ અલગ અલગ છે. મધ્ય પ્રદેશમાં ઘઉંની અડધોઅડધ ખેતી ચોમાસા પર નિર્ભર છે, તો મહારાષ્ટ્રમાં 80 ટકા ખેતી વરસાદ આધારિત છે, દેશમાં સરેરાશ 60 ટકા કૃષિનું અવલંબન મૉન્સૂન પર છે. વળી, અલ નિનોના વર્ષમાં કઠોળ-દાળના ઉત્પાદનમાં ઘટાડો થાય છે અને ઘટ પચીસ ટકા જેટલી હોય છે. વળી, વખતે તો માર્ચ-એપ્રિલમાં કમોસમી વરસાદે ઊભા પાકને નુકસાન પહોંચાડયું છે અને ઈરાન યુદ્ધને કારણે ખાતરના પુરવઠા પર અસર થઈ છે. લટકતી તલવાર સમી વાત છે કે, યુદ્ધ લાંબું ચાલ્યું તો ડીઝલ પણ મોંઘું થઈ શકે છે. વળી, વખતે હીટવૅવના દિવસોની સંખ્યા પણ વધુ છે, આવામાં જમીનમાંનો ભેજ પણ શોષાઈ જવાથી વધુ મુશ્કેલીઓ સર્જાઈ શકે છે.

શક્યતા એવી છે કે, ઇન્ડિયન અૉશન ડિપોલ નામનું હવામાન પરિબળ સર્જાવાની શક્યતા છે, જેના કારણે અલ નિનોની અસરમાં ઘટાડો થઈ શકે છે. જોકે, બાબત પણ અનિશ્ચિત છે. ગયા વર્ષે કૃષિ ક્ષેત્રએ અર્થતંત્રને સ્થિરતા આપવાનું કામ કર્યું હતું, પણ વર્ષે ખેડૂતોને મદદની જરૂર પડવાની છે, ત્યારે સરકારે સજ્જ રહેવું પડશે. ચોમાસું દેશના કયા ભાગમાં કેવું રહેશે એનો વરતારો આગામી દિવસોમાં આવશે, આથી સરકાર પાસે તૈયારી માટે પૂરતો સમય છે, કુદરતી પરિબળો માણસના હાથમાં નથી, પણ પૂર્વતૈયારીથી તેની અસર ઓછી થઈ શકે છે.