• ગુરુવાર, 11 જૂન, 2026

વિપક્ષી મોરચાનું દિલ્હી મંથન; ટકાઉ એકતાનો પડકાર

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 12 વર્ષ પૂરાં થયાં એ પૂર્વે જ વિરોધ પક્ષોનાં ‘ઇન્ડિગઠબંધનની નવી દિલ્હી ખાતે મળેલી બેઠક સૂચવે છે કે, વિપક્ષી મોરચો પોતાનું અસ્તિત્વ ટકાવવા બાબત ગંભીર છે. આ બેઠક એવા સમયે મળી, જ્યારે કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ નવી દિલ્હીમાં યુવાઓની રૅલી યોજીને ‘નીટપરીક્ષા પ્રશ્નપત્ર ફૂટી ગયાં એ મુદ્દે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે અને શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલે સીજેપીને સમર્થન જાહેર કર્યું છે, પરંતુ બીજા વિરોધ પક્ષો હજુ અંતર રાખી રહ્યા છે. મોદી સરકાર સામે મોરચો મંડાય એ વિપક્ષી છાવણી માટે તો ગૂડ ન્યૂઝ જ છે, પણ આટલું પૂરતું નથી. કૉંગ્રેસ પાર્ટી વિદેશી યુવાઓના હાથમાં છે, કોણ સશક્ત થશે એ કહેવું મુશ્કેલ, આવનારી ચૂંટણીઓમાં સારું પરિણામ મેળવવું હશે કે મોદી સરકારના ગઢના કાંગરા ખેરવવા હશે તો વિરોધ પક્ષોએ સંગઠિતપણે જબરજસ્ત પ્રયાસ કરવો જરૂરી છે.

કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓએ પણ બે કલાકનાં મંથન બાદ દેશના શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગ્યું છે. આ બેઠકમાં સોનિયા ગાંધી, અખિલેશ યાદવ, મમતા બેનરજી અને સુપ્રિયા સુળે પણ હાજર હતા. વિપક્ષો વચ્ચે પાંચ મુદ્દા પર સહમતી રચાઈ છે. એસઆઇઆર મુદ્દે સીજેઆઇને પત્ર લખવાનું નક્કી થયું છે. આગામી મહિનાઓમાં ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં આવનાર વિધાનસભા ચૂંટણીની નજરે આ બેઠક ભારે મહત્ત્વ ધરાવે છે. બેઠકનો હકારાત્મક સંદેશ એ છે કે, પ્રાદેશિક અને વૈચારિક મતભેદો છતાં 25 જેટલાં દળો સરકારને પાયાના મુદ્દે ભીંસમાં લેવા માટે પ્રતિબદ્ધ છે. બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો, સામાજિક સૌહાર્દ જેવા વિષયો પર એકસમાન દૃષ્ટિકોણ ઊભો કરવાના પ્રયાસ દ્વારા ઇન્ડિ જોડાણે સંકેત આપ્યો છે કે, તેઓ માત્ર ‘મોદીવિરોધીને બદલે પ્રજાને કનડતી સમસ્યાઓ ઉઠાવીને પોતાનો જનાધાર વિસ્તારવા પ્રયત્ન કરશે.

ભાજપે ‘ઇન્ડિબેઠકની આલોચના કરી છે કે વિરોધ પક્ષો ખુદ પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. સંગઠનની એક્તા પડકારરૂપ બની છે, સામે છેડે બેઠેલા આ બધા પક્ષોમાં એકતા નથી નેતાઓના પ્રાદેશિક હિત ટકરાય છે. તામિલનાડુમાં કૉંગ્રેસે મુખ્ય પ્રધાન વિજયના પક્ષ ટીવીકેને સમર્થન આપતાં ડીએમકેના નેતા સ્ટાલીન નારાજ છે.

ટૂંકમાં ‘ઇન્ડિજોડાણની અંદર અને બહાર તાલમેલ જાળવવાનો પડકાર રહેશે. પશ્ચિમ બંગાળ, પંજાબ, ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોની પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષા છે. વળી, ગઠબંધનનું નેતૃત્વ કે તેનો ચહેરો કોણ એ પણ તકરારનો વિષય બની શકે. બેઠકમાં વિપક્ષી નેતાઓ ઉમળકાથી હાથ મિલાવે એનો અર્થ એ નથી કે તેમનાં દિલ પણ મળી ગયાં છે. મોદી સરકારનો મુકાબલો કરવા માટે તો નક્કર સંગઠનાત્મક તાલમેલ હોવો જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ