• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

રાષ્ટ્ર નહીં મહારાષ્ટ્ર દેવેન્દ્ર ફડણવીસની પસંદ

લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી હજુ દૂર છે, પણ મહારાષ્ટ્રમાં શિંદે-ભાજપ-રાષ્ટ્રવાદીની ત્રિપુટી 

સરકારમાં ગજગ્રાહ અને પૂર્વગ્રહોનો અંત આવતો નથી. ત્રણ પક્ષોના ત્રણ નેતાઓ મુખ્ય પ્રધાનપદના દાવેદાર છે. રાજ્યના રાજકારણમાં ઘણા વખતથી અટકળો અને અફવા હતી કે ભાજપના દેવેન્દ્ર ફડણવીસને લોકસભાની ચૂંટણી લડવા જણાવવામાં આવશે અર્થાત્ તેઓ મહારાષ્ટ્ર છોડીને રાષ્ટ્રના રાજકારણમાં આવશે. હવે દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરી છે કે નવી દિલ્હી નહીં, એમની પ્રાથમિકતા મુંબઈ છે. એમના નિવાસસ્થાને યોજાયેલા પત્રકાર દિવાળી મિલનમાં એક પ્રશ્નનો જવાબ આપતાં એમણે સ્પષ્ટ કહ્યું કે વિધાનસભાની ચૂંટણી નાગપુરથી જ લડશે. વર્ષ 1999થી 2009 સુધી તેઓ નાગપુર (પશ્ચિમ)ની બેઠક જીત્યા હતા. આ પછી નાગપુર-ની વિદર્ભ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે.

દેવેન્દ્ર ફડણવીસની કેન્દ્રમાં જવાની શક્યતા અને અટકળો અજિત પવારના સરકારમાં જોડાયા ત્યાર પછી શરૂ થઈ હતી, કારણ કે મુખ્ય પ્રધાનપદ માટે અજિત પવાર આગ્રહી છે અને કદાચ આવી આશા - અને વિશ્વાસના કારણે જ કાકાશ્રી શરદ પવાર સામે બગાવત કરી છે પણ સરકારમાં જોડાયા પછી એમને અવમૂલ્યન થઈ રહ્યું હોય એમ લાગે છે. તાજેતરમાં અમિતભાઈ શાહને મળવા નવી દિલ્હી પણ જઈ આવ્યા અને હવે 21મીએ પોતાના પક્ષના સભ્યોની બેઠક બોલાવી છે.

અજિત પવારની ભાવિ અનિશ્ચિતતા જોઈને દેવેન્દ્ર ફડણવીસે - મહારાષ્ટ્ર નહીં છોડવાનો ઈરાદો જાહેર કર્યો છે. એમની આવી જાહેરાત પછી મુખ્ય પ્રધાનપદનો દાવો નિશ્ચિત છે. આ સ્પષ્ટ નિર્દેશ અજિત પવાર માટે છે અને કેન્દ્ર માટે પણ છે. એક પ્રશ્નના જવાબમાં એમ પણ કહ્યું કે તેઓ હંમેશાં ભાજપમાં જ છે તે બાબત નિશ્ચિત છે - રાજકારણ ભલે અનિશ્ચિત હોય પક્ષ જે કામગીરી સોંપે તે સ્વીકારીને પાર પાડવાનો નિર્ધાર મક્કમ છે!

ભાજપના મોવડીમંડળને પણ દેવેન્દ્રની ખાતરી છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરવાની કામગીરી એમને સોંપાઈ છે અને કહે છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં નિશ્ચિત વિજય છે. છત્તીસગઢમાં સ્થિતિ ઘણી સુધરી છે અને બહુમતી મળે તો આશ્ચર્ય નહીં હોય એમ તેઓ માને છે.

એક વાત નિશ્ચિત જણાય છે કે ફરીથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ બનશે. આ બાબત કોઈ વિવાદ, સ્પર્ધા નહીં હોય. મહારાષ્ટ્રમાં મોદીના ભાજપને બહુમતી મળશે એવો વિશ્વાસ પણ એમણે વ્યક્ત કર્યો છે.