• શનિવાર, 25 માર્ચ, 2023

દેશમાં પહેલીવાર લિથિયમનો ભંડાર કાશ્મીરમાં મળ્યો  

59 લાખ ટનના ભંડારથી બીજા દેશો પરની નિર્ભરતા ઘટશે

નવી દિલ્હી, તા. 10 : ઈલેક્ટ્રિક વ્હીકલની ચર્ચાઓ વચ્ચે એક મોટી ખુશખબરી મળી છે. ભારત સરકારને દેશમાં પહેલી વખત 59 લાખ ટન લિથિયમનો ખજાનો મળ્યો છે. કેન્દ્ર સરકારે જાણકારી આપી છે કે આ રિઝર્વ જમ્મુ કાશ્મીરમાંથી મળી આવ્યું છે. ખાસ વાત એ છે કે લિથિયમ નોન ફેરસ મેટલ છે અને ઈવી બેટરીમાં સામેલ જરૂરી પદાર્થમાંથી એક છે. ઈવી અને મોબાઈલ ફોન જેવા ઉપકરણોમાં બેટરીમાં ઉપયોગમાં આવતા લિથિયમને બીજા દેશોમાંથી આયાત કરવામાં આવે છે. તેવામાં હવે ભંડાર મળી આવતા દેશની આયાત ઉપરની નિર્ભરતા ઘટી જશે.

વર્તમાન સમયે ભારત લિથિયમ માટે પૂરી રીતે અન્ય દેશો ઉપર નિર્ભર છે. 2020થી લિથિયમ આયાત કરનારા દેશોમાં ભારત ચોથા ક્રમાંકે છે. જેમાંથી 80 ટકા હિસ્સો ચીનથી આવે છે. ભારત આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા માટે આર્જેન્ટીના, ચિલી, ઓસ્ટ્રેલિયા અને બોલિવિડા જેવા દેશોની ખાણમાં હિસ્સેદારી ખરીદવા ઉપર કામ કરી રહ્યું છે. ખનન મંત્રાલયના સેક્રેટરી વિવેક ભારદ્વાજે કહ્યું હતું કે દેશમાં પહેલી વખત જમ્મુ કાશ્મીરમાં લિથિયમનો ભંડાર મળી આવ્યો છે. મોબાઈલ ફોન હોય કે સોલાર પેનલ, મહત્ત્વપૂર્ણ ખનિજોની દરેક જગ્યાએ જરૂરિયાત હોય છે. ખનન મંત્રાલયના કહેવા પ્રમાણે જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાને પહેલી વખત જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના સલાલ હૈમાનામાં 59 લાખ ટન લિથિયમ ઈન્ફર્ડ રિસોર્સ મળી આવ્યો છે. 

સરકારે જાણકારી આપી છે કે લિથિયમ અને ગોલ્ડ સહિત 51 મિનરલ બ્લોક સંબંધિત રાજ્ય સરકારોને સોંપી દેવામાં આવ્યા છે. મંત્રાલય અનુસાર આ 51 મિનરલ બ્લોક્સમાં 5 ગોલ્ડ અને અન્ય પોટાશ, મોબિલ્ડેમ બેસ મેટલ્સ વગેરે છે. જે જમ્મુ કાશ્મીર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ અને તેલંગણમાં ફેલાયેલા છે. આ ઉપરાંત 7897 મિલિયન ટન કોલસા અને લિગનાઈટના 17 રિપોર્ટ કોલસા મંત્રાલયને આપવામાં આવ્યા છે. જિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાએ રણનીતિક અને મહત્ત્વના ખનિજ ઉપર 115 પ્રોજેક્ટ તૈયાર કર્યા છે જ્યારે 16 પ્રોજેક્ટ ફર્ટિલાઈઝર મિનરલ્સ માટે તૈયાર કરવામાં આવ્યા છે.  

લિથિયમ કેમ મહત્ત્વપૂર્ણ ?

લિથિયમ એક ધાતુ છે. જેનો ઉપયોપ ઈલેક્ટ્રિક વાહનની બેટરી બનાવવામાં કરવામાં આવે છે. મોદી સરકાર દેશમાં પબ્લિક અને પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ બન્ને ક્ષેત્રમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ઉપર ફોકસ કરી રહી છે. ખાસ કરીને દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ અને બેંગલૂરુ જેવા પ્રમુખ શહેરોને વધારેમાં વધારે ઈલેક્ટ્રિક વ્હીકલ ઉપર નિર્ભર બનાવવાની યોજના છે. જેના માટે લિથિયમ ભંડાર હોવો ખુબ જરૂરી છે.

ચીન, ઓસ્ટ્રેલિયાનો ઈજારો ઘટશે 

વર્તમાન સમયમાં ચીન અને ઓસ્ટ્રેલિયા દુનિયાભરમાં સૌથી મોટા સપ્લાયર છે. પોતાના વિશાળ લિથિયમ ભંડાર માટે તેઓ પોતાની મનમાની પણ કરે છે. હવે ભારતમાં લિથિયમ ભંડાર મળી આવતા બન્નેનો ઈજારો ઘટી જશે. 

કેટલી છે લિથિયમની કિંમત?

લિથિયમની કિંમતમાં વધધટ થતી રહે છે. જેમ શેર માર્કેટમાં દરરોજ કંપનીના શેરની કિંમત નક્કી થાય છે. તેવી જ રીતે કોમોડીટી માર્કેટમાં લિથિયમની કિંમત નક્કી થાય છે. વર્તમાન સમયે લિથિયમની કિંમત પ્રતિટન 472500 યુઆન (લગભગ 57,36,119 રૂપિયા) છે. આ હિસો એક ટન લિથિયમની ભારતીય રૂપિયામાં કિંમત 57.36 લાખ થાય છે. ભારતમાં 59 લાખ ટન લિથિયમનો ભંડાર મળી આવ્યો છે. જેની કિંમત વર્તમાન સમયમાં 3,84,31,021 લાખ રૂપિયા (3384 અબજ રૂપિયા) થશે. આ કિંમત શુક્રવારના રેટ ઉપર છે.