• શનિવાર, 25 માર્ચ, 2023

સરકારની અગ્નિપરીક્ષા

જૂની પેન્શન યોજનાની માગણીને લઈ રાજ્ય સરકારના 18 લાખ સરકારી, અર્ધસરકારી, શિક્ષક અને શિક્ષકેતર કર્મચારીઓ બેમુદત હડતાળ પર ઉતરી ગયા છે. હડતાળના કારણે સરકારી હૉસ્પિટલો, શાળા, કૉલેજો, નગરપાલિકા, જિલ્લા પરિષદો, તહસીલદાર કાર્યાલયો સહિત અનેક સરકારી વિભાગોનાં કામ ઠપ થઈ ગયાં છે. પરિણામે ગરીબ અને મધ્યમ વર્ગીય નાગરિકો તથા દરદીઓની હાલત ખરાબ છે. સરકાર જૂની પેન્શન યોજના લાગુ નહીં કરે ત્યાં સુધી આંદોલન પાછું ખેંચવામાં નહીં આવે એવો નિર્ધાર આંદોલનકારીઓએ વ્યક્ત કર્યો છે. 

વનજમીનના મુખ્ય પેન્ડિંગ પ્રશ્ન સહિત ખેડૂતોને ટેકાનો ભાવ, ખેતી માટે વીજપુરવઠો, ખેડૂતોને લોન માફી સહિત આંગણવાડી સેવિકાના મદદનીશો, આયા સેવિકા, શાળામાં પોષણ આહાર કર્મચારી, ગ્રામ પંચાયત, કૉમ્પ્યુટરચાલકો, ગ્રામ રોજગાર સેવક, પોલીસ પાટીલને શાસકીય કર્મચારી તરીકે ઘોષિત કરી સરકારી વેતન શ્રેણી લાગુ કરવાની માગ સાથે ભારતીય કિસાન મોરચા તરફથી લૉન્ગમાર્ચ શરૂ કરવામાં આવી છે.

હવે આ કિસાન મોરચાને નવો વળાંક આવ્યો છે. મોરચાનું પ્રતિનિધિમંડળ મુંબઈ આવવાનું નથી, પણ મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન અને સંબંધિત પ્રધાનો મોરચાને સ્થળે આવે એવી ભૂમિકા મોરચાના આયોજકોએ લીધી છે. તેમનું કહેવું છે કે સરકાર અમારી જોડે માનભેર વર્તતી નથી, અમે ચર્ચા માટે જવાના નથી, સામાન્ય માણસ સરકારને ઝુકાવી શકે છે તે અમે દાખવી આપવાના છીએ. આ કારણે સરકાર અને મોરચાનાં પ્રતિનિધિમંડળ સાથે યોજવામાં આવેલી બેઠક રદ કરવામાં આવી છે.

ખેડૂતોના મોરચામાં ડાબેરીઓ મુખ્યત્વે છે. ખેડૂતોની આત્મહત્યાની પરંપરા મહારાષ્ટ્રમાં અટકવાનું નામ નથી લઈ રહી તે હકીકત છે. કાંદાના ખેડૂતોને મુશ્કેલીમાંથી ઉગારવા સરકારે તેઓને અનુદાન આપી રાહત આપવાનો પ્રયાસ કર્યો છે, બજેટમાં ખેડૂતલક્ષી અનેક પગલાં લેવામાં આવી રહ્યાં છે ત્યારે મોરચા કાઢી સરકારના વડા અમારી પાસે ચર્ચા કરવા આવે એવો દુરાગ્રહ સેવવો યોગ્ય નથી. સરકારના અસ્તિત્વ માટેનો કાનૂની જંગ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે, મર્યાદિત પ્રધાનોથી રાજ્યનું ગાડું ચલાવવામાં આવી રહ્યંy છે ત્યારે સરકારને વધુ મુશ્કેલીભરી સ્થિતિમાં મૂકવું તેની પાછળ કોઈક દોરી સંચાર છે એવી શંકા થવી સ્વાભાવિક છે. 

પેન્શન યોજનાને લઈ આજે દેશનાં અનેક રાજ્યોની સરકારી તિજોરીની સ્થિતિ કેવી થઈ છે અને કેવી વધુ કફોડી થવાની છે તે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિસ્તૃત રીતે સમજાવી હોવા છતાં બેમુદત હડતાળ પર ઉતરેલા સરકારી કર્મચારીઓએ હડતાળ પાછી ખેંચી સંવાદ, કોર્ટ, સર્વસંમતિ જેવો માર્ગ લેવો જોઈએ. પોતાની માગણીઓ માટે કરોડો નાગરિકોને હેરાનગતિ થાય એવી પરિસ્થિતિ ઊભી કરી આવી સંગઠિત દાદાગીરી કરવાનો અધિકાર કોઈને નથી, પણ ખેડૂતો અને સરકારી કર્મચારીઓ ટસના મસ ન થવા માગતા હોય તો સરકારે હવે અગ્નિપરીક્ષા માટે તૈયાર રહેવું પડશે. શિંદે-ફડણવીસ સરકાર સામે સૌથી મોટો પડકાર કદાચ આ જ છે.