• શનિવાર, 21 માર્ચ, 2026

સાંસદોને ગરિમાપૂર્ણ ગુડબાય

રાજ્યસભામાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રવચને ફરી એકવાર સાંસદોના હૃદયને સીધો સ્પર્શ કર્યો. જે સાંસદોની કાર્યાવધિ સંપન્ન થઈ તેમને વિદાય આપતાં પીએમએ કહ્યું કે ભલે અહીંથી તેઓ નિવૃત્ત થાય પણ રાજનીતિમાં ક્યારેય `પૂર્ણવિરામ' હોતું નથી. રાજ્યસભાના સદસ્યોને ગરિમાપૂર્ણ રીતે વિદાય અપાઈ. સ્વાભાવિક રીતે તમામ પક્ષના સદસ્યો ત્યાં હતા અને નિવૃત્ત થનારામાં પણ વરિષ્ઠ સદસ્યો વિવિધ પક્ષોનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભામાં બુધવારનો દિવસ હળવાશ અને મજાક-મશ્કરીનો બની રહ્યો તેની વચ્ચે વડા પ્રધાનના વક્તવ્યએ વિશિષ્ટ છાપ પાડી. 

સદનમાં સંબોધન કરતાં વડા પ્રધાને કહ્યું કે આજે કેટલાક સદસ્યો નિવૃત્ત થઈ રહ્યા છે. તેઓ ભલે અહીંથી જાય પરંતુ રાજનીતિમાં તો તેમનું કાર્ય બોલશે. રાજનીતિમાં ક્યારેય પૂર્ણવિરામ હોતું નથી. પ્રત્યેક સભ્યની પોતાની ભૂમિકા હોય છે. પોતાનું યોગદાન રહેતું હોય છે. આજે જેમનો કાર્યકાળ પૂર્ણ થયો તેમાં વરિષ્ઠ સદસ્યો - કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, એચ. ડી. દેવેગૌડા સહિતના સભ્યો પણ હતા. કોઈ રાજકીય મુદ્દે અત્યંત ઉગ્ર પ્રવચન કરતા પણ આપણે વડા પ્રધાનને સાંભળ્યા છે, વિપક્ષને તેઓ સંસદની બહાર અને અંદર જરૂર પડયે દૃષ્ટાંતો અને આંકડાઓ, જૂના પત્રવ્યવહારોને ટાંકીને ઝાટકી નાખતા હોય છે. પરંતુ પ્રાસંગિક પ્રવચન તેમનું કૌશલ્ય છે. સાંસદોને પૂર્ણ સન્માન સાથે તેમણે વિદાય કર્યા અને ભવિષ્યમાં તેમના અનુભવનો લાભ દેશને મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરી.

સાથે જ કેટલીક હળવી પળોનો અનુભવ રાજ્યસભામાં થયો તે પણ સભ્યોને યાદ રહેશે. કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દેવેગૌડા સાથે મજાક કરતાં કહ્યું કે એમણે પ્રેમ કૉંગ્રેસને કર્યો અને લગ્ન ભાજપ સાથે કરી લીધા! થોડા ગંભીર થયેલા વાતાવરણમાં હાસ્યની લહેર ફેલાઈ ગઈ. સામે દેવેગૌડાએ જવાબ પણ આપ્યો કે કૉંગ્રેસ સાથેનો તેમનો સંબંધ તો મજબૂરીનો સંબંધ હતો! બજેટ સત્રમાં અનેક મુદ્દા ચર્ચાયા. ભિન્નમત તો લોકશાહીનો આત્મા છે. પરસ્પર ગરિમા, સન્માન પણ જળવાવા જોઈએ. વિવિધ માધ્યમો ઉપર વાયરલ થતાં વીડિયોમાં પૂર્વ વડા પ્રધાનો, નેતાઓ વચ્ચેના આવા સંવાદો આપણને જોવા-સાંભળવા મળે છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ