મહારાષ્ટ્રના રાજકારણમાં ઍપ્સ્ટિન ફાઈલ્સ જેવી ક્ષણ આવી છે. કૅપ્ટન ખરાત તરીકે ઓળખાતાં અને મર્ચન્ટ નૅવીના નિવૃત્ત કર્મચારી તથા રાજકારણીઓ તથા ઉદ્યોગપતિઓ અને બીલ્ડરો જેવા પામતા-પહોંચતા વર્ગમાં ભૂત-ભવિષ્ય અને વર્તમાનના જાણકાર, ન્યૂમરેલૉજિસ્ટ અને અડચણો દૂર કરવા માટે ધાર્મિક વિધિ કરાવી ફાયદો કરાવનારા તરીકે પોતાની આગવી આભા ઊભી કરનાર અશોક ખરાતની ધરપકડ બાદ અનેક બાબતો સામે આવી છે. નાસિકની 35 વર્ષની એક મહિલાએ કૅપ્ટન ખરાત વિરુદ્ધ નોંધાવેલી બળાત્કારની ફરિયાદ બાદ આ બાબાની કામલીલાઓનું લાંબું પ્રકરણ ખૂલ્યું છે. મહાયુતિના અનેક નેતાઓ સાથે નિકટતા હોવાથી રાજરમત પણ શરૂ થઈ ગઈ છે. રૂા. 300 કરોડની સંપત્તિના માલિક કૅપ્ટન ખરાત સામેની ફરિયાદો વિશે જાણકારી મળ્યા બાદ ખુદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના ડિરેક્ટર જનરલ અૉફ પોલીસ સદાનંદ દાતેને યોગ્ય પગલાં લેવાનો આદેશ આપ્યો, એના પગલે અટકળો થઈ રહી છે કે, સાથી પક્ષ શિવસેનાના નેતાઓને ઘેરવા માટેનો આ કારસો છે? પોલીસ ખાતાએ આ મામલાની તપાસ માટે આઇપીએસ અધિકારી તેજસ્વી સાતપુતેના વડપણ હેઠળ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) બનાવી છે. ખરાતનાં ઠેકાણાંઓ પરના દરોડાસત્રમાં પોલીસને 58 જેટલા વાંધાજનક વીડિયો ધરાવતી પૅનડ્રાઈવ મળી છે. વળી, રાજ્યના મહિલા આયોગનાં વડા રૂપાલી ચાકણકર, ખરાતના પગ ધોતાં હોય એવો વીડિયો અને છત્રી પકડીને ઊભા હોય એવી તસવીર પણ ચર્ચામાં છે તથા આ ગૉડમૅનના એક ટ્રસ્ટના તેઓ ટ્રસ્ટી પણ છે.
ભારતના રાજકારણમાં કાયમ જ ગૉડમૅન તરીકે ઓળખાતા બાબા,
જ્યોતિષીઓ અને ગુરુઓની બોલબાલા રહી છે અને આ બધા રહસ્યમય બાબાઓ વિશે રંગીન અને સંગીન
કિસ્સાઓ પણ રહ્યા છે. ખુદને કૅપ્ટન કહેવડાવતા અશોક ખરાત વીસેક વર્ષ પહેલાં જ્યોતિષી
બન્યા અને ટૂંકા ગાળામાં તેઓ રાજકારણીઓ અને વગદાર લોકો વચ્ચે પુછાતા થયા. બની બેઠેલા
બાબા તરીકે ખરાતે પોતાની શાખ જમાવવા 2009માં નાસિકમાં ગોદાવરી નદીની ઈશાન તરફ ઈશાન્યેશ્વર
મહાદેવ મંદિર બનાવ્યું અને શિવનિકા નામે ટ્રસ્ટ પણ ઊભું કર્યું. તપાસમાં સામે આવ્યું
છે કે, ખરાતની મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ જમીનો, મકાનો તથા ફાર્મ હાઉસ છે. વળી, તેની
વગ મંત્રાલય સુધી અને પ્રધાનો સુધી હોવાનું પણ ચર્ચાય છે. ફરિયાદી મહિલાએ નોંધાવેલી
એફઆઇઆર અનુસાર, નવેમ્બર, 2022થી ડિસેમ્બર, 2025 દરમિયાન કૅપ્ટન ખરાતે તેની ધાર્મિક
માન્યતાઓનો લાભ લઈ તેના ખાવામાં તથા પાણીમાં કથિતપણે બેશુદ્ધિની દવા ભેળવી તેની સાથે
કુકર્મ કર્યું હતું. મુખ્ય પ્રધાન જાતે આ કેસમાં રસ લઈ રાજ્યના પોલીસ વડાને તપાસના
આદેશ આપ્યા હોવાથી વિરોધી પક્ષો ગેલમાં આવી ગયા છે અને મહાયુતિમાં વિખવાદની વાત ફરી
સપાટી પર આવી છે. ચર્ચા એવી પણ છે કે, આ તપાસનો આદેશ કૅપ્ટન ફાઈલ્સમાંનાં કેટલાંક નામ
બહાર ન આવે એ માટે તો આપવામાં નથી આવ્યો ને?
રાજકારણીઓ સાથેની
ખરાતની નિકટતા બાદ સ્પષ્ટતાઓ અને ખુલાસા થવા લાગ્યા છે કે, ખરાતના ગોરખધંધા સાથે અમને
સંબંધ નથી અને અમે તો તેમને જ્યોતિષ કે ધાર્મિક ટ્રસ્ટના વડા તરીકે ઓળખતા હતા. જાહેર
જીવનમાં હોય એવા લોકોએ કેટલાક વણલખ્યા નિયમો પાળવાના હોય છે, જે નથી પળાયા એ તો મહિલા
આયોગના વડા તથા અન્ય રાજકારણીઓના વર્તનથી સ્પષ્ટ થાય છે.