• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

પ્રકૃતિનો કોપ નહીં ચેતવણી

ઉત્તર નેપાળની ભોટે કોશી નદીમાં એકાએક આવેલા ભીષણ પૂરને પગલે વ્યાપક તારાજી અને વિનાશનું તાંડવ સર્જાયું છે અને ભારત પર પણ જોખમ ઝળૂંબે છે. નેપાળ સીમા પરના ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ હાઈ ઍલર્ટ જાહેર કરાયો છે. સેંકડોના જીવ ગયા છે અને મોટી સંખ્યામાં લોકોની ભાળ મળી નથી તથા માળખાકીય સુવિધાઓને મોટા પાયે નુકસાન થયું છે. આ આપદામાંથી ઊભા થવામાં નેપાળને સમય લાગશે. ગયા વર્ષે અૉગસ્ટ મહિનામાં પણ આ વિસ્તારમાં પૂર આવેલા. એ વખતે તો તિબેટમાંનું ગ્લૅશિયર સરોવર છલકાતા પૂર આવ્યા હતા. એવી શક્યતા છે કે વહેલી સવારે આવેલા 4.4ની તીવ્રતાના ભૂકંપે અત્યંત ઊંચાઈ પરના ઢોળાવને અસ્થિર કરી નાખ્યો. જેના પગલે હિમ અને પથ્થરો જોશભેર નીચેની તરફ ધસ્યા. આ બધું નદીના માર્ગમાં ધસી આવ્યું એના પગલે નદીમાં અવરોધ ઊભો થયો, સમજો ને કે એકાદ બંધ નદીનાં પાણીને અટકાવે એવું જ કંઈક અહીં થયું. ફરક એટલો જ કે, આ ઈજનેરોએ બનાવેલો મજબૂત બંધ નહીં પણ પથ્થર, હિમ અને કાટમાળનો હંગામી બંધ હતો. એ પછી આ હંગામી બંધ પણ તૂટયો અને તેની પાછળ એકત્ર થયેલું પાણી તીવ્રતાથી નીચેની તરફ ધસ્યું અને સાથે પથ્થર, માટી, વૃક્ષો તથા અન્ય કાટમાળ પણ ઘસડાયું અને પાણીનું સ્તર વધ્યું. જોકે, એક શક્યતા એવી પણ છે કે, ચીને તિબેટ સીમા પર ગ્લૅશિયર નિકટ વધારેલી હિલચાલ અને ત્યાં બનાવેલાં માળખાંને કારણે પણ ઘટનાની તીવ્રતા વધી હોઈ શકે છે. એવો સૂર પણ છે કે, ચીન બગડતી પરિસ્થિતિની તથા સંભવિત જોખમની પૂર્વ ચેતવણી આપી શક્યું હોત, પણ એવું થયું નહીં. 

પર્યાવરણનો સતત થઈ રહેલો હ્રાસ અને ક્લાયમેટ ચેન્જને કારણે પહાડી વિસ્તારોમાં સતત વધી રહેલું તાપમાન સમસ્યાને ગંભીર બનાવે છે. નેપાળના એક રિસર્ચ ગ્રુપ અનુસાર વર્ષ 2000 પછી હિન્દુ કુશ હિમાલય પર્વતમાળામાંના ગ્લૅશિયર્સ બમણી ઝડપે પીગળી રહ્યા છે. આ ચેતવણી છતાં આ સંવેદનશીલ ગણાતા ક્ષેત્રમાં બેફામ અને રોકટોક વિના વિકાસકાર્યોના નામે વિનાશ વેરવામાં આવી રહ્યો છે.

નેપાળમાંથી ભારતમાં વહેતી નદીઓ કોસી, ગંડકી, બાગમતી અને કમલા લગભગ દર વર્ષે ચોમાસામાં બિહારમાં પૂરનું કારણ બને છે. નેપાળના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ, ભૂસ્ખલન તથા ગ્લૅશિયર્સ પીગળવા જેવી ઘટનાઓ આની પાછળ જવાબદાર હોય છે. બન્ને દેશોએ નિગરાણી અને ચેતવણી માટેની સિસ્ટમ વિકસાવી છે, છતાં કોસી નદી સપ્તકોસી હાઈ ડૅમ યોજના લાંબા સમયથી અટકેલી છે, એ દિશામાં આગળ વધવાનો સમય આવી ગયો છે. ચીનની શેહમાં આવી નેપાળ ભારતથી અંતર વધારી રહ્યું છે છતાં મોટા ભાઈ તરીકે ભારત હંમેશાં આ પાડોશી રાષ્ટ્રની પડખે રહ્યું છે. ગયા વર્ષે ભૂકંપ પછી ભારતે મદદનો હાથ લંબાવ્યો ત્યારે એ નકારી કાઢવામાં આવ્યો હતો. જોકે, રાજકીય મતભેદો કોરાણે રાખી નેપાળના રાજકારણીઓએ પર્યાવરણ સંબંધી બાબતોને પ્રાધાન્ય આપી સહકાર વધારવા પર ધ્યાન આપવાનો બોધ આ આપદામાંથી લેવો જોઈએ. 

ઇ-પેપરના નવા શુલ્ક