• શનિવાર, 02 મે, 2026

પાણીકાપ કાયમી થાય એ પહેલાં જાગીએ

ગયા વર્ષે મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિ બાદ આ વર્ષે મે મહિનો બેસતાં જ પાણીકપાતની જાહેરાત થઈ છે. અલ નિનોની સાઈકલને કારણે ઓણ સરેરાશ કરતાં ઓછો વરસાદ પડવાની આગાહી છે. વળી, ચિંતા એ પણ છે કે, ચોમાસું સમયસર બેસશે કે નહીં? આગમન પછી વર્ષારાણી આંખમિચામણાં કે સંતાકૂકડી રમશે કે પછી એકસાથે વરસી વિનાશ નોતરશે? કશું જ કહી શકાય એમ નથી. મુંબઈ અને આસપાસમાં તથા કોલ્હાપુર જિલ્લામાં પાણીકાપ લાગુ કરાયો છે. ચોમાસું બેસે અને મહિનો-દોઢ મહિનો સારો એવો વરસાદ પડે અને જલસ્રોત ભરાય ત્યાં સુધી પાણીનો ઉપયોગ નિયંત્રિત રીતે કરાય એ જ એકમાત્ર ઉપાય છે. પેટ્રોલ-ડીઝલ જેવાં ઈંધણ માટે તેલિયા દેશો પર નિર્ભરતા ઘડાટવા માટે પેટ્રોલમાં ઈથેનોલના બ્લૅન્ડિંગ તરફ મીટ માંડવામાં આવી રહી છે. જોકે, એક લિટર ઈથેનોલના ઉત્પાદન માટે દસ હજાર લિટર કરતાં વધુ પાણી ખર્ચાય છે. મકાઈ, શેરડી અને ચોખા જેવા પાક આમ પણ પાણી વધુ માગે છે અને ઈથેનોલ મેળવવાની લાલચે આ પાકને પ્રોત્સાહન અપાય છે અને સરવાળે આના કારણે દળી-દળીને ઢાંકણીમાં જેવો તાલ થાય છે. પાણીકપાત કે હવામાનના વિચિત્ર તાનપલટા માટે માત્ર પ્રકૃતિની વક્રદૃષ્ટિ પર આળ નાખીને ચાલવાનું નથી.

મરાઠવાડામાં તો એપ્રિલ મહિનાની મધ્યથી જ પાણીખેંચ સર્જાવા લાગી હતી અને ટૅન્કર પર મદાર શરૂ થઈ ગયો છે. મુંબઈની આસપાસના થાણે, કલ્યાણ-ડોંબિવલી તથા ભિવંડીમાં તો પાણીખેંચ વર્તાવા લાગ્યો છે, તો પુણેમાં જાહેર કર્યા વિના જ પાણીકાપ લાગુ છે. તો, અનેક જગ્યાએ અઠવાડિયે એક કે બે દિવસ પાણી બંધ રહે છે. ગામડાઓની હાલત વધુ ખરાબ છે અને પીવાનાં પાણી માટે લોકોએ લાંબી દડમજલ કરવી પડે છે. પાણીકાપ લગભગ કાયમી સમસ્યા થઈ ગઈ છે અને આની પાછળનાં અનેક કારણોમાં સતત વધારો થયા કરે છે. વળી, મહારાષ્ટ્ર વપરાયેલાં પાણી પર પ્રક્રિયા કરી ફરી તેનો ઉપયોગ કરવામાં ઘણું પાછળ છે, આ પ્રમાણ માંડ ચાર ટકા છે. મુંબઈમાં છેલ્લાં કેટલાંય વર્ષોથી આ પ્રકારની યોજનાઓની ગુલબાંગો પોકારવામાં આવે છે, પણ અમલીકરણના મામલે મોટું મીંડું છે. રોઈન વૉટર હાર્વેસ્ટિંગ બાબતે પણ પાલિકાઓ ગાઈ-વગાડીને જાહેરાતો કરે છે, પણ તેમાંય કશું જ નક્કર થતું જોવા મળતું નથી. ખાસ તો કૃષિ ક્ષેત્રને લઈ ને પાણીના ઉપયોગ, સદુપયોગ અને પુન:ઉપયોગ માટેના સરકારી પ્રયાસોને બહુ સફળતા મળી નથી. વહેલી તકે આ દિશામાં કોઈક પગલાં નહીં લેવાય તો પરિસ્થિતિ હાથથી બહાર નીકળી જતા વાર નહીં લાગે. ખરા અર્થમાં પાણી પહેલાં પાળ બાંધવાની જરૂર છે.