• શનિવાર, 25 માર્ચ, 2023

લો-સ્કારિંગ થ્રિલરમાં ભારતે અૉસ્ટ્રેલિયાને પાંચ વિકેટે નમાવ્યું   

188 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ટીમ ઇન્ડિયા વીસ અૉવરમાં પાંચ વિકેટ ખોઈ બેઠું હતું; રાહુલના અણનમ 75 અને જાડેજાના 45 રનના યોગદાનથી ભારત જીત્યું; શ્રેણીમાં 1-0થી આગળ 

આશિષ ભીન્ડે તરફથી 

મુંબઈ, તા. 17 : વન-ડેમાં આજકાલ ટી-20 જેવી તડાફડી જોવા મળે છે, તેના બદલે વાનખેડે સ્ટેડિયમમાં ભારત- અૉસ્ટ્રેલિયા વચ્ચેની 50-50 અૉવરની મૅચમાં ટેસ્ટ મૅચ જેવી બાટિંગ અને બાલિંગ જોવા મળી હતી. રનભૂમિ તરીકે ઓળખાતી વાનખેડેની પિચ પર એક મિચૅલ માર્શને બાદ કરતાં આજે બંને ટીમોના બૅટ્સમેનોને તકલીફ પડી હતી અને બૉલરોએ સ્થિતિનો ફાયદા ઉપાડતા ટેસ્ટ મૅચને છાજે એવી બાલિંગ કરી હતી. 65 બૉલમાં મિચૅલ માર્શે ફટકારેલા 81 રન અને વીસમી અૉવરમાં બે વિકેટે 129 રન કરવા છતાં અૉસ્ટ્રેલિયાની ટીમના વાવટા 35.4 અૉવરમાં 188 રનમાં સંકેલાઈ ગયા હતા. બે મોહમ્મદોની ભારતીય ફાસ્ટ બાલિંગ જોડીએ મહેમાનોની ધૂળધાણી કરી નાખી હતી. જો કે, પછી અૉસ્ટ્રેલિયાના ઝડપી ગોલંદાજોએ ભારતની અડધી ટીમને વીસમી અૉવર પૂરી થાય એ પહેલા તંબુભેગી કરી દેતાં યજમાનોની સ્થિતિ પણ વા-પાણી થઈ હતી. જોકે, કે. એલ. રાહુલ અને અૉલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વચ્ચે છઠ્ઠી વિકેટ માટે થયેલી 108 રનની ભાગીદારીના બળે ટીમ ઇન્ડિયા ચાળીસમી અૉવરમાં લક્ષ્યાંક હાંસલ કરી પાંચ વિકેટે જીત નોંધાવી હતી. 

ટૉસ જીતીને સુકાની હાર્દિક પંડ્યાએ પ્રથમ બાલિંગ કરવાનો નિર્ણય લેતા જણાવ્યું હતું કે, બીજા દાવમાં બાલિંગમાં ઝાકળ મહત્ત્વની બાબત સાબિત થઈ શકે છે અને પ્રથમ બાટિંગ કરતી વખતે ટીમે સારી કામગીરી કરી છે, હવે અમે રનચૅઝનો પડકાર લેવા માગીએ છીએ. પણ, એ વખતે પંડ્યાને ક્યાં ખબર હતી કે, તેની વાત બહુ જલ્દી સાચી સાબિત થવાની છે. 200થી ઓછા ટાર્ગેટને પહોંચી વળવાનું કામ ટીમ ઇન્ડિયા માટે ખરેખર પડકાર બની ગયું હતું. શમીએ પહેલી અૉવરમાં બંને અૉપનરો માર્શ અને ટ્રેવિસ હૅડની કસોટી કરી હતી અને બીજી જ અૉવરમાં સિરાજે હૅડને બૉલ્ડ કરી ભારતને પહેલી સફળતા અપાવી હતી. વન ડાઉન આવેલા સુકાની સ્ટીવન સ્મિથને શમીએ એ પછીની અૉવરમાં બાંધી રાખ્યો હતો. જોકે, દાવની ચોથી અૉવરમાં માર્શે સિરાજને ત્રણ ચોગ્ગા ફટકારી પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. 

કોણીની ઈજામાંથી પૂર્ણપણે રિકવર ન થયેલા ડેવિડ વૉર્નર અને બીમાર ઍલેક્સ કૅરીને બહાર રાખ્યા હોવા છતાં આઠમા ક્રમે માર્ક્સ સ્ટોઈનિસ સુધીની મજબૂત બાટિંગ-લાઈન અપ સાથે મહેમાનો મેદાનમાં ઉતર્યા હતા. ભારતે રોહિત શર્માની ગેરહાજરીમાં શુભમન ગિલ સાથે અૉપાનિંગમાં ઈશાન કિશનને તક આપી હતી અને પાંચમા ક્રમે બાટિંગમાં ઉતરનાર કે.એલ. રાહુલ પાસે વિકેટકાપિંગ કરાવી હતી. જાડેજાના આગમનથી બીજા સ્પિનર તરીકે કુલદીપ યાદવને રમાડ્યો હતો.  

દરેક બૉલ બેટની વચ્ચોવચ ન લાગતો હોવા છતાં અને અૉવરમાં સરેરાશ બે વાર બીટ થતાં હોવા છતાં માર્શ અને સ્મિથની જોડીએ બાઉન્ડ્રીની સરાસરી જાળવી રાખતા પહેલી દસ અૉવરમાં દસ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. 

સાતમી અૉવરમાં હાર્દિક પંડ્યા જાતે બાલિંગમાં ઉતર્યો હતો અને પોતાના ક્વૉટાની ચોથી અૉવરમાં વિરોધી સુકાની સ્મિથને બાવીસ રનના સ્કૉર પર વિકેટની પાછળ રાહુલના હાથમાં ઝીલાવી દીધો હતો. જોકે, એ પહેલા આ માર્શ-સ્મિથ વચ્ચે 72 રનની ભાગીદારી થઈ હતી. પગની ઘૂંટીની સર્જરી બાદ પરત ફરી રહેલો માર્શ આ શ્રેણીમાં સ્પેશિયાલિસ્ટ બૅટ્સમેન તરીકે રમવાનો છે અને વૉર્નરની ગેરહાજરીમાં અૉપનરની ભૂમિકામાં ઉતારવામાં આવ્યો હતો. તકનો પૂરે લાભ લેતાં તેણે પચાસ બૉલમાં અડધી સદી પૂરી કર્યા બાદ વધુ ખૂલીને રમવાનું શરૂ કરતા જાડેજા અને કુલદીપ બંને સામે આકર્ષક શૉટ રમી રનગતિ વધારી હતી. દાવની વીસમી અૉવરમાં જાડેજાના ફ્લાઈટેડ બૉલ પર બાઉન્ડ્રી ફટકાર્યા બાદના દડે વધુ એક ઊંચો ફટકો મારવાના પ્રયાસમાં શૉર્ટ થર્ડ પર ઊભેલા મોહમ્મદ સિરાજને કૅચ આપી બેઠો હતો. તેણે 81 રનના દાવમાં 10 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. જોકે, માર્નસ લાબુશેન સાથે તેણે ત્રીજી વિકેટ માટે બાવન રનની ભાગીદારી કરી હતી. ખતરનાક જણાતા માર્શની વિકેટ લીધા બાદ સર જાડેજાએ કુલદીપની બાલિંગમાં લાબુશેનનો સુંદર કૅચ લઈ અૉસ્ટ્રેલિયાના ગઢનો વધુ એક કાંગરો ખેરવ્યો હતો. એ પછીની પાંચ અૉવરમાં વિકેટકીપર જૉશ ઈન્ગ્લિસ અને કેમરુન ગ્રીને વધુ ત્રીસ રન જોડ્યા. જોકે, શમીએ 28મી અૉવરમાં ઈન્ગ્લિસને અને 30મી અૉવરમાં ગ્રીનને શમીએ બૉલ્ડ કર્યો હતો. જાડેજાએ ગ્લૅન મૅક્સવેલને હાર્દિકના હાથમાં ઝીલાવી ખાતરી કરી કે કાંગારુઓ છેલ્લે લાભ ન લઈ જાય. શમીએ છેલ્લા પંદર બોલમાં એક પણ રન આપ્યા વિન ત્રણ અને સિરાજે છેલ્લા દસ બોલમાં કોઈ રન આપ્યા વિના બે વિકેટો લઈ અૉસ્ટ્રેલિયાનો દાવ 34.5 અૉવરમાં 188 પર સમેટી નાખ્યો હતો. શમીએ છ અૉવરમાં બે મેઈડન સાથે 17 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. સિરાજે ત્રણ અને જાડેજાએ બે તથા કુલદીપ અને હાર્દિકે એક-એક વિકેટ લીધી હતી. 

ભારતને જીતવા માટે 189 રનની જરૂર હતી અને અૉપાનિંગમાં ઉતરેલા ગિલ અને કિસનના નામે અનુક્રમે 208 અને 210નો વ્યક્તિગત સર્વોચ્ચ સ્કૉર બોલતો હતો. જોકે, દસ અૉવરની અંદર બંને અૉપનર્સ ઉપરાંત ત્રીજા અને ચોથા ક્રમના બૅટ્સમેન વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ પૅવેલિયન ભેગા થઈ ગયા હતા. બીજી જ અૉવરમાં સ્ટોઈનિસે ઈશાન કિશનને વિકેટની સામે સપડાવ્યો અને બાકીની ત્રણ વિકેટો મિચૅલ સ્ટાર્કે લીધી હતી. વિરાટ અને સૂર્યકુમારને તો લાગલગાટ બે બૉલમાં એલબીડબ્લ્યુ કર્યા હતા. વીસમી અૉવરમાં ભારતની અડધી ટીમ માત્ર 83 રનના સ્કૉર પર તંબુભેગી થઈ ગઈ હતી. ત્યાં સુધીમાં હાર્દિક પંડ્યા અને શુભમન ગિલે અનુક્રમે પચીસ અને વીસ રનનો સર્વોચ્ચ સ્કૉર કર્યો હતો. ટેસ્ટ ટીમમાંથી બહાર થઈ ગયેલા અને વન-ડેના ઉપસુકાની પદેથી પણ દૂર કરાયેલા રાહુલ અને ઈજામાંથી પરત ફરેલા રવિન્દ્રએ ટીમને ડામાડોળ નૌકાને પહેલા તો સ્થિરતા આપી અને સંયમપૂર્વક રમી ધીરજ અને કુનેહથી ચાળીસમી અૉવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. રાહુલ 91 બૉલમાં 75, તો જાડેજા 69 દડામાં 45 રન કરી અણનમ રહી ટીમને પાંચ વિકેટે વિજય અપાવી શ્રેણીમાં 1-0ની સરસાઈ અપાવી હતી. રાહુલને મેન અૉફ ધ મૅચ જાહેર કરાયો હતો.