• શનિવાર, 25 માર્ચ, 2023

આર્ચરની છ વિકેટથી ત્રીજી વન ડેમાં આફ્રિકા સામે ઇંગ્લૅન્ડનો 59 રને વિજય  

બટલર અને મલાને સદી ફટકારી: ઇંગ્લૅન્ડના 346 સામે આફ્રિકાના 287 રન

કિંબરલી (દ. આફ્રિકા), તા.2: લાંબા સમયે મેદાન પર વાપસી કરનાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરની કાતિલ બોલિંગ અને કપ્તાન જોસ બટલર તથા ઓપનર ડેવિડ મલાનની આકર્ષક સદીની મદદથી ત્રીજા અને આખરી વન ડેમાં દ. આફ્રિકા વિરુદ્ધ ઇંગ્લેન્ડનો પ9 રને વિજય થયો હતો. જો કે શ્રેણી આફ્રિકાના નામે 2-1થી રહી હતી. આર્ચરે 9.1 ઓવરમાં 40 રન આપીને 6 વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડના 50 ઓવરમાં 7 વિકેટે 346 રનના જવાબમાં દ. આફ્રિકાના 43.1 ઓવરમાં 287 રને ઓલઆઉટ થઇ હતી.

ઇંગ્લેન્ડ તરફથી મેન ઓફ ધ મેચ અને સિરીઝ કપ્તાન જોસ બટલરે 127 દડામાં 6 ચોક્કા-7 છક્કાથી 131 અને ડેવિડ મલાને 114 દડામાં 7 ચોક્કા-6 છક્કાથી 118 રન કર્યાં હતા. આ બન્ને વચ્ચે 211 દડામાં 232 રનની ચોથી વિકેટમાં ભાગીદારી થઇ હતી. આ સિવાય મોઇન અલીએ 23 દડામાં ઝડપી 41 રન બનાવ્યા હતા. આફ્રિકા તરફથી એન્ડિગીએ 42 રનમાં 4 વિકેટ લીધી હતી. 

347 રનના મુશ્કેલ વિજય લક્ષ્યાંકનો પીછો કરતા આફ્રિકાની ટીમ 287 રને ઓલઆઉટ થઇ હતી. જેમાં હેનરિક કલાસેનના 62 દડામાં 80 રન મુખ્ય હતા. રિઝા હેડ્રિંકસે 52, સુકાની બાવૂમાએ 35 અને પર્નેલે 34 રન કર્યાં હતા. ઇંગ્લેન્ડ તરફથી આર્ચરની 6 વિકેટ અને આદિલ રશીદની 3 વિકેટ હતી.