મુંબઈ, તા. 24 : પૂર્વ તથા પશ્ચિમ ઉપનગરના ટ્રાફિકજામની સમસ્યાને ઉકેલવા માટે મુંબઈ મહાપાલિકાએ ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ પ્રકલ્પ શરૂ કર્યો છે. આ પ્રકલ્પ અંતર્ગત ગોરેગાંવ ફિલ્મસિટીથી ભાંડુપ ખિંડીપાડા દરમિયાન બે સમાંતર ભૂગર્ભૂ બાંધવામાં આવશે. જેને માટે કાસ્ટિંગ યાર્ડ બનાવાશે. આ કામને પગલે રૂા. 132 કરોડનો વધારાનો ખર્ચ થશે.
જીએમએલઆર પ્રકલ્પ માટે જુદા જુદા કર સહિત રૂા. 12 હજાર કરોડથી વધુનો ખર્ચ થશે. આ પ્રકલ્પનું બાંધકામ જે કુમાર ઇન્ફ્રાપ્રોજેક્ટસ લિમિટેડ અને નાગાર્જુન કન્સ્ટ્રક્શન સંયુકત ભાગીદારીથી કરી રહ્યા છે. આ પ્રકલ્પ હેઠળના રસ્તાઓનાં જુદાં જુદાં કામો પ્રગતિપંથે છે. ફિલ્મસિટીથી ખિંડીપાડા જંક્શન તબક્કા દરમિયાન સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનનો ભાગ હોવાથી ભૂગર્ભ ટનલ બનાવાશે. જેને માટે 25 કિમી કાસ્ટિંગ યાર્ડ પહેલા બનાવાશે. જેને માટે પાલિકા પ્રશાસને મંજૂરી આપી છે. બંને ભૂગર્ભ ટનલ પ્રત્યેક 4.70 કિમીની અને અંતર્ગત વ્યાસ 13 મીટરનો હશે. વન વિભાગની મંજૂરી મળ્યા બાદ આ પ્રકલ્પનું કામ શરૂ કરાશે. આ ભૂગર્ભ ટનલ બનાવવા માટે પાલિકાએ કોઇપણ વધારાની જમીન ખરીદવાની જરૂર નહીં પડે, એમ અધિકારીએ જણાવ્યું હતું.