• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

મુંબઈને કંગાળ બનાવવાનો કારસો સફળ નહીં થવા દેવાય : ઉદ્ધવ ઠાકરે

ભાજપ-શિંદે જૂથ બાળાસાહેબના ફોટા વગર ચૂંટણી જીતી બતાવે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : ચૂંટણી જીતવાની હશે તો બાળાસાહેબ ઠાકરે સિવાય કોઈ પર્યાય નથી એ આજે પણ સત્ય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તે માન્ય કર્યું છે. તેથી જ `ખોખાવાળા'ઓ બાળાસાહેબના ફોટાનો ઉપયોગ કરે છે. આજે તમને પડકારું છું કે હિંમત હોય તો ચૂંટણી યોજો. અમે બાળાસાહેબનો ફોટો લઈને આવશું, તમે મોદીનો ફોટો લઈને આવો. જોઈએ લોકો કોને મત આપે છે?, એવો પડકાર ઉદ્ધવ ઠાકરેએ કર્યો હતો. બાળ ઠાકરેની જન્મજયંતી નિમિત્તે ષણ્છમુખાનંદ હૉલમાં આયોજિત કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શિંદે જૂથને લક્ષ્ય બનાવીને શબ્દોપ્રહાર કર્યા હતા. 

ગદ્દારો વેચાઈ શકે છે, ગદ્દાર વેચાતા લઈ શકાય છે, પરંતુ આવું ચૈતન્ય વેચાતું લઈ શકાય નહીં. સંજય રાઉત ગોરા માણસોનો અનુભવ કહી રહ્યા હતા. આજે મને પણ આ સમજાયું. મને અમેરિકાના પ્રમુખ મળ્યા, ચિંતામાં હતા. તેમને કહ્યું કે હું કાલે ભાજપમાં જઈ રહ્યો છું. રાષ્ટ્રાધ્યાક્ષના ઘર પર એફબીઆઈએ દરોડા પાડયા છે. ત્યારે ખોખાવાળાએ મને કહ્યું કે ભાજપમાં આવ અથવા શિંદે જૂથમાં આવ ત્યાર બાદ બરાબર ઊંઘ આવશે, એવો ટોણો પણ ઉદ્ધવે માર્યો હતો. 

વડીલ ચોરનારી આ ઔલાદ છે. પોતાના વડીલને ધ્યાનમાં રાખો એટલું બસ. હાલમાં કહ્યું કે શરદ પવાર સારા માણસ. અગાઉ કહ્યું કે હું મોદીનો માણસ. સરદાર પટેલ આપણા, બાળસાહેબ આપણા, બાબાસાહેબ આંબેડકર આપણા, પોતે મોદીના માણસ, તો ચહેરો બાળાસાહેબનો શા માટે? કારણ કે બાળાસાહેબના ચહેરા વગર મત મળતા નથી. હિંમત હોય તો મોદીનો ફોટો લગાવીને ચૂંટણી યોજો. જોઈએ કોણ જીતે છે, એમ તેમણે વધુમાં કહ્યું હતું. 

બૅન્કમાં પૈસા રાખીને વિકાસ થતો નથી એમ મોદી કહે છે, પણ તે વખતના જે લોકપ્રતિનિધિઓ, કમિશનરો હતા તેમની મહેનતને કારણે આ બચત થઈ છે, પણ તેમનું આ કાવતરું જ છે. બધા પ્રકલ્પો ગુજરાતમાં લઈ જવા, ફિલ્મસિટી અન્ય જગ્યાએ લઈ જવી. જનતાના પૈસા પર તરાપ મારવી. આપણે જે કોસ્ટલ રોડ બનાવીએ છીએ તેનો ટોલ લાગવાનો નથી. સરકાર જે કરશે તેના પર ટોલ લાગશે. મુંબઈને કંગાળ બનાવવાનું કાવતરું છે. મુંબઈ મરાઠી માણૂસની છે અને તે કોઈના હાથમાં પણ જવા નહીં દઈએ, એમ ઉદ્ધવે બળાપો ઠાળવ્યો હતો.