• શનિવાર, 02 માર્ચ, 2024

662 કૅન્સરગ્રસ્ત બાળકોએ રૂ. 1.5 કરોડની શિષ્યવૃત્તિ મેળવી  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 30 : ટેકાની કે મદદની ખાતરી મળે તો પરિવારો તેમનાં બાળકો માટેની કૅન્સરની સારવાર પડતી મૂકતા નથી અને આવાં બાળકોના જીવતા રહેવાનો દર પણ વધે છે એમ ટીએમએચના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે.

પોતાના બાળકો માટેની કૅન્સરની સારવાર પડતી મૂકનારા પરિવારોની મુલાકાત લીધા બાદ આઈએમપીએ સીસીટી ફાઉન્ડેશને શોધી કાઢ્યું હતું કે સારવાર પડતી મૂકવાના કારણોમાં નાણાકીય ખેંચ, રહેઠાણનો અભાવ કે અન્ન સુરક્ષાનો અભાવ હોઈ શકે છે.

કેટલાક પરિવારો હાડકાંના કૅન્સર કે રેટિનોબ્લાસ્ટોમાં (આંખોના કૅન્સર) સાથે સંકળાયેલી અપંગતાથી ચિંતિત હતા એમ ટીએમસીના પેડીઆટ્રીક ઓનકૉલૉજી વિભાગના વડા ડૉ. ગિરીશ ચિન્ના સ્વામીએ જણાવ્યું હતું. સારવાર પડતી મૂકવા પાછળનું એક કારણ લિંગ પક્ષપાત પણ છે. છોકરાઓ કરતા છોકરીઓની સારવાર પડતી મૂકવાનો દર ઊંચો રહેતો હોય છે.

તાતા મેમોરિયલ હૉસ્પિટલ (ટીએમએચ)ના પેડીયાટ્રીક ઓનકૉલૉજી વિભાગે આઈએમપીએસીસીટી (ઇમ્પ્રુવિંગ પેડીયાટ્રીક કૅન્સર કેર ઍન્ડ ટ્રીટમેન્ટ) ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. આ સમસ્યાઓ તરફ ધ્યાન આપવાનો તેનો ઉદ્દેશ છે.

સરકારી સ્કીમો અને સીએસઆર ફંડ્સમાંથી નાણાં મળતા હોવાથી 85 ટકા બાળ દર્દીઓની સારવાર નિ:શુલ્ક છે. અમે 2010થી સારવાર માટે રૂપિયા 318 કરોડ એકઠા કર્યા છે એમ આઈએમપીએસીસીટીના શાલીની જતિઆએ જણાવ્યું હતું. ફાઉન્ડેશન બે વર્ષ માટે દર્દી અને એક વાલી કે પરિવારના એક સભ્યને મફત રહેઠાણની સુવિધા પણ પૂરી પાડે છે. બાળકો માટે કાઉન્સિલિંગ અને વર્ગના અભ્યાસ સાથે રાંધેલું ભોજન પણ પૂરું પાડવામાં આવે છે.

કૅન્સરમાંથી બચી જતાં બાળકો માટે અમારો સ્કોલરશિપ કાર્યક્રમ પણ મોજૂદ છે. 2016થી અમે 662 બચી ગયેલા બાળકો માટે રૂપિયા 1.5 કરોડની સ્કોલરશિપ મેળવી છે. ડૉક્ટરોએ જણાવ્યું હતું કે સામાજિક કારણોસર સારવાર છોડવાનો જે દર 2007 અને 2008માં 25 ટકા હતો તે ઘટીને હાલ 2થી 3 ટકા જેટલો જ રહ્યો છે. ગયા સપ્તાહે ચેન્નઈ ખાતે કૅન્સર પરિષદમાં આ અભ્યાસ રજૂ કરવામાં આવ્યો હતો.

Budget 2024 LIVE
હેડલાઇન્સ