છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાનના ચોથા પ્રાંતમાં અશાંતિ ફેલાઈ છે. આ પહેલાં બલોચિસ્તાન, પછી પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર અને ગિલ્ગિટ-બાલ્ટિસ્તાનમાં અરાજકતાની સ્થિતિ સર્જાઈ હતી અને તેનાં મૂળમાં ઈસ્લામાબાદની ભેદભાવની નીતિ તથા આર્થિક વિષમતાઓ તથા શોષણ જેવાં કારણો હતાં. પણ હાલમાં જ આતંકવાદનું કારણ આગળ કરી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ ખૈબર-પખ્તૂન્વા પ્રાંતની તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પક્ષની લોકો દ્વારા ચૂંટાયેલી સરકારને બરખાસ્ત કરી નાખી છે. ઝરદારી હોય કે વડા પ્રધાન શાહબાઝ શરીફ, બન્ને જણ કઠપૂતળી છે, જેની દોરી સૈન્ય વડા અને બની બેઠેલા ફિલ્ડ માર્શલ આસિમ મુનીરના હાથમાં છે. આમ તો પાકિસ્તાનમાં માર્શલ લૉ, અઘોષિત કટોકટી અને રાજકીય વિરોધીઓને શાંત કરી દેવાના વિવિધ પેંતરા નવી વાત નથી. મૂળ તો સેનાની સોડમાં ભરાઈને ચૂંટાઈ આવેલા ઈમરાન ખાને વડા પ્રધાનપદ સંભાળ્યા બાદ મિલિટરી આકાઓનાં મૂળિયાં કાપવાનું શરૂ કર્યું એમાં તેમને જેલભેગા કરી દેવાયા. છેલ્લાં ત્રણ વર્ષથી જેલમાં સબડી રહેલા ઈમરાનને છોડાવવા પીટીઆઈ સક્રિય છે અને ખૈબર-પખ્તૂન્વામાં આ પક્ષનું જોર સારું એવું છે, આથી અહીંથી ઈમરાનને છોડાવવાના સૌથી વધુ પ્રયાસો થઈ રહ્યા છે. આ જ દિશામાં ઈસ્લામાબાદ સુધીની કૂચ આ પ્રાંતમાંથી શરૂ થઈ અને પાટનગરથી સો કિ.મી. દૂર આ માર્ચ પહોંચી ત્યારે જ સ્થાનિક સરકારને બરખાસ્ત કરી દેવાઈ. લોકતંત્ર અને લોકતાંત્રિક વ્યવસ્થાનું પાકિસ્તાનમાં ગર્ભમાં જ મૃત્યુ અનેક દાયકા પહેલાં થઈ ગયું છે, આથી અત્યારે જે થઈ રહ્યું છે એનું આશ્ચર્ય ન હોય.
પાકિસ્તાનમાં
ઉકળતા ચરુ જેવી સ્થિતિ પેટ ચોળીને ઊભું કરેલું શૂળ છે. બલોચિસ્તાનમાં 1947થી અનેકવાર બળવા થયા છે અને એમાંય અત્યારે તો સ્થિતિ નિયંત્રણ બહાર છે. ખૈબર-પખ્તૂન્વાની હાલત એવી છે કે, લોકો પર જેમનો પ્રભાવ છે, એવા પખ્તૂન નેતાઓને એક યા બીજા કારણોસર જેલમાં ગોંધી રખાયા છે અને સરકાર જેને ઠોકી બેસાડવા માગે છે, તેમનું જનતાને મન વજૂદ નથી. સમસ્યાઓથી ઘેરાયેલું પાકિસ્તાન ટકી ગયું છે એ બાબતને લઈને પશ્ચિમના વિદ્વાનો હંમેશાં આશ્ચર્ય વ્યક્ત કરતા રહે છે, પણ આશ્ચર્ય એ વાતનું હોવું જોઈએ કે દર વખતે પાકિસ્તાનને કોઈક ને કોઈક પાશ્ચાત્ય શક્તિ હાથ આપે છે, વિશ્વના અન્ય કોઈ વિકાસશીલ દેશને આવી અને આટલી મદદ મળી નથી. આ શક્તિઓને ચિંતા છે, પાકિસ્તાન પાસેનાં અણુશસ્ત્રોની. ચીન ભારતને ડારવા પાકિસ્તાનમાં નાણાં ઠાલવે છે. પાકિસ્તાની શાસકોને આ બધાની એવી આદત લાગી ગઈ છે કે, ગાડી પાટે ચડાવવામાં તેમને રસ નથી, કેમ કે સુધરી જાય તો પાકિસ્તાનનો ભાવ કોણ પૂછશે?