• શનિવાર, 25 માર્ચ, 2023

કોહલીએ વધાર્યો આરસીબી મહિલા ટીમનો જુસ્સો

ખેલાડીઓને કહ્યું, 15 વર્ષથી આઈપીએલ રમવા છતાં ખિતાબ નથી જીત્યો

નવી દિલ્હી, તા. 16 : ભારતીય ટીમના દિગ્ગન ખેલાડી વિરાટ કોહલીએ આઈપીએલ 2021ના સત્ર બાદ આરસીબીનું કેપ્ટન પદ છોડવાના નિર્ણય ઉપર કહ્યું હતું કે, તેનો પોતાના ઉપરથી ભરોસો ઉઠી ગયો હતો અને નેતૃત્વના કામ માટેની હિંમત પણ ઘટી ગઈ હતી. કોહલીના નેતૃત્વમાં આરસીબીની ટીમ 2017 અને 2019મા આઈપીએલ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહી હતી. કોહલીએ ભારતીય ટી20 ટીમની કમાન છોડયા બાદ 2021મા આરસીબીનું નેતૃત્વ પણ છોડયું હતું. તેની જગ્યાએ ડુપ્લેસીસ કેપ્ટન બન્યો હતો. કોહલીએ કહ્યું હતું કે, તે 15 વર્ષથી આઈપીએલ રમે છે તેમ છતા ખિતાબ જીતી શક્યો નથી. જો કે આ બાબત રમવાનો ઉત્સાહ ઘટાડી શકે તેમ નથી. 

કોહલીએ મહિલા પ્રીમિયરલીગમાં યુપી વોરિયર્સ સામે આરસીબીના મેચ પહેલા મહિલા ટીમના ખેલાડીઓને કહ્યું હતું કે, જે સમયે કેપ્ટનશીપનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો હતો ત્યારે પોતાને ખુદ ઉપર ભરોસો નહોતો અને કોઈ હિંમત પણ બચી નહોતી. કોહલીએ આગળ ઉમેર્યું હતું કે, આગામી સત્રમાં નવા ખેલાડીઓ ટીમમાં જોડાયા હતા અને તેમના પાસે નવા વિચારો હતા. જે બાબત એક તક સમાન હતી. તેઓ રોમાંચિત હતા. જો કે વ્યક્તિગત રીતે પોતે તેટલો ઉત્સાહિત નહોતો. જો કે નવા ખેલાડીઓની સકારાત્મક ઊર્જાના કારણે ટીમ સતત ત્રણ પ્લેઓફમાં પહોંચી શકી હતી. 

કોહલીએ કહ્યું હતું કે, કારકિર્દીમાં એવો સમય પણ આવ્યો હતો કે પોતે અસુરક્ષિત અનુભવી રહ્યો હતો અને પ્રતિષ્ઠા બચાવવાની કોશિશ કરી હતી. કોહલીએ મહિલા ટીમનો જુસ્સો વધારતા કહ્યું હતું કે તે 15 વર્ષથી આઈપીએલ રમી રહ્યો હોવા છતા એકપણ ખિતાબ જીત્યો નથી. જો કે આ બાબત રમવાનો ઉત્સાહ ઘટાડી શકતી નથી. પોતે દરેક મેચમાં પ્રયાસ કરે છે.