• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

આઇસીસી વન ડે ટીમ અૉફ ધ યરમાં શ્રેયસ અને સિરાઝનો સમાવેશ

ભારત, વિન્ડિઝ, કિવિઝ અને અૉસિ. ટીમમાંથી બે-બે ખેલાડી પસંદ થયા 2022ની મહિલા વન ડે ટીમમાં સ્મૃતિ, હરમનપ્રીત અને રેણુકાને સ્થાન

દુબઇ, તા.24: આઇસીસીએ આજે મંગળવારે 2022ની વન ડે ટીમ ઓફ ધ યરનું એલાન કરી દીધું છે. જેમાં બે ભારતીય મીડલ ઓર્ડર બેટર શ્રેયસ અય્યર અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાઝનો સમાવેશ થયો છે. ટીમ ઇન્ડિયાના મોટા નામ કપ્તાન રોહિત શર્મા-વિરાટ કોહલી પસંદ થયા નથી. પાકિસ્તાનના બાબર આઝમને આઇસીસીએ કેપ્ટન બનાવ્યો છે. આઇસીસીએ ગઇકાલે ટી-20 ટીમ ઓફ ધ યર-2022 જાહેર કરી હતી. જેમાં ત્રણ ભારતીય ખેલાડી વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડયાને સ્થાન મળ્યા હતા. આઇસીસીએ આજે 2022ની વન ડે મહિલા ટીમ પણ જાહેર કરી છે. જેમાં ભારતની સ્મૃતિ મંધાના, કેપ્ટન હરમનપ્રિત કૌર અને રેણુકા સિંઘનો સમાવેશ થયો છે.

આઇસીસીએ જાહેર કરેલ 2022ની વન ડે પુરુષ ટીમમાં ભારત, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ અને ન્યુઝીલેન્ડના બે-બે ખેલાડી પસંદ થયા છે જ્યારે પાકિસ્તાન, ઝિમ્બાબ્વે અને બાંગલાદેશના એક-એક ખેલાડી છે. ખાસ વાત એ છે કે વર્તમાન વિશ્વ વિજેતા ઇંગ્લેન્ડની ટીમનો એક પણ ખેલાડી વર્ષની વન ડે ટીમમાં સામેલ નથી. દ. આફ્રિકાનો પણ કોઈ ક્રિકેટર પસંદ થયો નથી.

ગયા વર્ષે શ્રેયસ અય્યરે 17 વન ડે મેચમાં 55.69ની સરેરાશથી 724 રન કર્યા હતા. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 91.52 રની હતી. જેમાં એક સદી અને છ અર્ધસદી હતી જ્યારે સિરાઝે 15 મેચમાં 24 વિકેટ લીધી હતી.

આઇસીસી વન ડે ટીમ ઓફ ધ યર : બાબર આઝમ (પાકિસ્તાન- કેપ્ટન), ટ્રેવિસ હેડ (ઓસ્ટ્રેલિયા), શાઇ હોપ (વેસ્ટ ઇન્ડિઝ), શ્રેયસ અય્યર (ભારત), ટોમ લાથમ (વિકેટકીપર-ન્યુઝીલેન્ડ), સિકંદર રઝા (ઝિમ્બાબ્વે), મહેંદી હસન મિરાજ (બાંગલાદેશ), અલ્જારી જોસેફ (વેસ્ટ ઇન્ડિઝ), મોહમ્મદ સિરાઝ (ભારત), ટ્રેંટ બોલ્ટ (ન્યુઝીલેન્ડ) અને આડમ ઝમ્પા (ઓસ્ટ્રેલિયા).

આઇસીસી વન ડે વિમેન્સ ટીમ ઓફ ધ યર: એલિસા હિલી (ઓસ્ટ્રેલિયા), સ્મૃતિ મંધાના (ભારત), લૌરા વોલવાર્ડ (દ. આફ્રિકા), નતાલી સિવર (ઇંગ્લેન્ડ), બેથ મૂની (ઓસ્ટ્રેલિયા), હરમનપ્રિત કૌર (કેપ્ટન-ભારત), અમેલિયા કેર (ન્યુઝિલેન્ડ), સોફી એકલેસ્ટોન (ઇંગ્લેન્ડ), આયબોંગા ખાકા (દ. આફ્રિકા), રેણુકા સિંહ (ભારત) અને શબનીમ ઇસ્માઇલ (દ. આફ્રિકા).