• સોમવાર, 29 એપ્રિલ, 2024

નેતાઓના અસંતોષથી `મહાયુતિ'માં બેચેની

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : `મહાયુતિ'ના ઘટકપક્ષો-ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ વચ્ચે બેઠકો માટે ખેંચતાણ તેમ કેટલાક નેતાઓ દ્વારા અસંતોષને કારણે બેઠકોની વહેંચણીની જાહેરાત કરવામાં વિલંબ થઈ રહ્યો છે. અસંતુષ્ટ નેતાઓને શાંત પાડવા માટે પણ મુખ્ય પ્રધાન શિંદે તેમ નાયબ મુખ્ય પ્રધાનો - દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને જહેમત ઉઠાવવી પડી રહી છે.

શિવસેનાના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન વિજય શિવતારેએ લોકસભાની બારામતીની બેઠક ઉપરથી ચૂંટણી લડવા અને પવાર પરિવારનાં બંને જૂથોના ઉમેદવારોને પડકારવાની તૈયારી વારંવાર દેખાડી હતી. જરૂર પડયે ભાજપની ટિકિટ ઉપર પણ બારામતીમાંથી લડવાની તૈયારી હોવાનું પણ કહ્યું હતું. તેઓને `મહાયુતિ'ના નેતાઓએ શાંત પાડવામાં સફળતા મેળવી છે.

પ્રહાર જનશક્તિના  વડા બચ્ચુ કડુએ અને શિવસેના નેતા આનંદરાવ અડસૂળે અમરાવતીમાં ભાજપના ઉમેદવાર નવનીત રાણા સામે બળવો કરવાની ધમકી ઉચ્ચારી છે. અજિત પવાર જૂથના સ્થાનિક નેતાઓ પણ નવનીત રાણાને ટેકો આપવાની તરફેણમાં નથી. `મહાયુતિ'ના નેતાઓ અમરાવતીમાં પોતાના પક્ષોના નેતાઓને શાંત પાડવાના પ્રયત્નો કરી રહ્યા છે.

શિવસેનાએ બુલઢાણામાં વર્તમાન સાંસદ પ્રતાપરાવ જાધવને ફરી ઉમેદવારી આપી છે, પરંતુ ત્યાં પક્ષના વિધાનસભ્ય સંજય ગાયકવાડે ઉમેદવારી નોંધાવી છે તેથી શિવસેનાની છાવણીમાં ચિંતા છે. જોકે, પક્ષના પ્રવક્તા સંજય શિરસાટે જણાવ્યું છે કે, ગાયકવાડ ચૂંટણી જંગમાંથી પીછેહઠ કરશે. મુખ્ય પ્રધાન શિંદે એકાદ-બે દિવસમાં ગાયકવાડ સાથે વાત કરશે એમ મનાય છે.

લોકસભાની જાલના બેઠક ઉપર ભાજપે કેન્દ્રના પ્રધાન રાવસાહેબ દાનવેને ઉતાર્યા છે. દાનવે વર્તમાન સાંસદ છે. જોકે, તેમની સામે શિવસેનાના નેતા અર્જુન પોતકરે વિરોધનો વાવટો ફરકાવ્યો છે. બંને વચ્ચે જૂની રાજકીય હરીફાઈ છે. ખોતકરે ગત સપ્તાહે દાનવેનો વિરોધ કર્યો હતો પણ પછી કહ્યું હતું કે, મેં ફડણવીસને ખાતરી આપી છે 

કે હું દાનવેને જિતાડવા માટે કામ કરીશ.

ઇ-પેપરના નવા શુલ્ક