• સોમવાર, 29 એપ્રિલ, 2024

કોસ્ટલ રોડ પર સવા બે લાખ કરતાં વધુ વાહનોનો પ્રવાસ  

મુંબઈ, તા. 29 : મુંબઈના મહત્ત્વના કોસ્ટલ રોડનો વરલીથી મરીન ડ્રાઈવ સુધીનો એક રૂટ 12મી માર્ચે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો. ત્યારથી 27 માર્ચ સુધીમાં સવા બે લાખ કરતાં વધુ વાહનોએ માર્ગે પ્રવાસ કર્યો છે. એમાં પણ સવારે 10થી 12 અને બપોરે ત્રણથી ચાર વાગ્યા દરમિયાન વાહનોની સંખ્યા સૌથી વધુ હોવાનું જોવા મળે છે. વરલીથી મરીન ડ્રાઈવ સુધીનો ભાગ ફક્ત 10થી 15 મિનિટમાં પાર કરી શકાતો હોવાથી પ્રવાસીઓ સંતોષ વ્યક્ત કરી રહ્યા છે અને કોસ્ટલ રોડ વહેલી તકે પૂર્ણ ક્ષમતાથી શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે.

ધર્મવીર સ્વરાજ્ય રક્ષક છત્રપતિ સંભાજી મહારાજ મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટનો ભાગ ખુલ્લો મુકાયો એના પહેલા દિવસે સવારે આઠ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા દરમિયાન કુલ 15,836 વાહનોએ પ્રવાસ કર્યો. 12 દિવસમાં પ્રવાસ કરનારાં વાહનોની સંખ્યા 2,25,558 સુધી પહોંચી છે. એટલે કે દરરોજ સરેરાશ 25,000 વાહનો માર્ગે પ્રવાસ કરે છે.

સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી પ્રવેશ

શરૂઆતમાં કોસ્ટલ રોડ પર સવારે આઠથી રાત્રે આઠ વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવનાર હતો, પરંતુ વરલી સીફેસ વિસ્તારમાં બિંદુ માધવ ઠાકરે ચોકના પ્રવેશ માર્ગ પર સાંજે મોટો ટ્રાફિકજામ થવા લાગ્યો હતો. આથી વરલી ડેરી સુધી વાહનોની લાઈન લાગવાની શક્યતા હોવાથી વરલીનો પ્રવેશ માર્ગ સાંજે પાંચ વાગ્યે બંધ કરવાનો નિર્ણય ટ્રાફિક પોલીસે લીધો છે.

ઇ-પેપરના નવા શુલ્ક