• શનિવાર, 09 ઑગસ્ટ, 2025

રાહુલ ગાંધીનું દેશાભિમાન જાગશે?

ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને બે વખત ઠપકો આપ્યો છે - રાફેલ વિમાન સોદાના કેસ વખતે ચોકીદાર ચોર હૈ કહેવા બદલ અને પછી બીજી વખત વીરસાવરકરની અપમાનજનક ટીકા કરવા બદલ. પણ આ વખતે ‘સાચ્ચા - દિલથી ભારતીય હોય તે આવું બોલે નહીં’ - એવી ટીકા રાજકીય કારકિર્દીમાં - એમના માટે ભારે પડશે

લોકસભામાં વિપક્ષી નેતાનો હોદ્દો અને જવાબદારી હોવા છતાં રાહુલ ગાંધી ભાજપ સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર બેફામ અને બેજવાબદાર આક્ષેપો કરવા માટે જાણીતા છે. ચૂંટણી પ્રચાર કરતી વખતે મોદીને મોતના સોદાગર અને ચોકીદાર ચોર હૈ - એવા આક્ષેપ કરીને બદનામ કરવાના પ્રયાસ કરીને છટકી ગયા છે. અલબત્ત, જનતાની અદાલતે એમને સજા કરી છે પણ કાનૂની અદાલતમાં એમની સામે ફરિયાદ થઈ નહીં હોવાથી એમને મનફાવે તેવાં નિવેદન કરવાની ફાવટ આવી ગઈ છે. પણ હવે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને જે ઠપકો આપ્યો છે અને ઠમકોર્યા છે, જીભ ઉપર કાબૂ રાખવા માટે એમના કાન પકડીને આમળ્યા છે તે પછી હવે નિવેદન કરવા પહેલાં બે વખત વિચાર કરશે કે નહીં તે તો સમય જ બતાવશે. પણ નામદાર ન્યાયમૂર્તિએ જે સખત શબ્દોમાં ઠપકો આપ્યો છે તે જોતાં રાહુલ ગાંધીના સલાહકારો અને કૉંગ્રેસ પક્ષ પણ વાણીમાં સંયમ જાળવે તે જરૂરી છે.

ચીને ગલવાનમાં ઘૂસણખોરી કરી ત્યારે આપણા સૈનિકોએ ભારે બદાહુરીથી - બાથંબાથી કરીને ચીનાઓને મારી હઠાવ્યા હતા. છતાં રાહુલ ગાંધીએ - એમની ભારત જોડો યાત્રા દરમિયાન એમ કહ્યું કે, ભારતીય સૈનિકોને ચીને મરણ તોલ માર માર્યો હતો. ભારત સરકારની ટીક કરવામાં રાહુલે ભારતીય સેનાની બદનામી કરી અને અપમાન કર્યું તે બદલ નામદાર ન્યાયમૂર્તિ - જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ અૉગસ્ટિન જ્યોર્જે એમને બરાબર ખખડાવ્યા છે. ‘ભારત જોડો’ યાત્રા - કરનારા રાહુલને કહ્યું કે, ‘કોઈ સાચા ભારતીય આમ બોલે નહીં! તમે આવું નિવેદન સંસદમાં કરવાને બદલે સોશિયલ મીડિયામાં કરવાની શા માટે જરૂર છે? ચીને આપણી 2000 ચો.િક.મીટર ભૂમિ પડાવી લીધી છે એ તમે કેવી રીતે જાણો છો? તમે ત્યાં હાજર હતા? તમારી પાસે કોઈ પુરાવા છે? જો તમે સાચ્ચા ભારતીય હો તો આવું બોલ્યા હોત નહીં. સરહદ ઉપર જ્યારે સંઘર્ષ હોય ત્યારે આવું બધું બોલાય જ કેવી રીતે? સંસદમાં જઈને પ્રશ્ન કેમ પૂછતા નથી? વિપક્ષના એક જવાબદાર નેતા હોવાથી તમારે ગમે તેમ વાણીસ્વાતંત્ર્યનો ગેરઉપયોગ કરાય નહીં.’

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ સામાન્યરીતે સંયમ રાખતા હોય છે પણ વાણીસ્વાતંત્ર્યના નામે દેશ અને ભારતીય સેનાની બદનક્ષી થાય તે ચલાવી લેવાય નહીં - આ બાબત ઉપર ન્યાયમૂર્તિએ વિશેષ ભાર મૂક્યો છે. રાજકારણ અને રાજકીય વિવાદમાં રાષ્ટ્રહિતને નુકસાન કરાય નહીં એટલું તો આમઆદમી અને બાળકો પણ સમજે, સ્વીકારે છે ત્યારે રાહુલ ગાંધી તો ‘ભારત જોડો’ યાત્રા કરી રહ્યા હતા તેથી એમને ભારતના નાગરિક હોવાનું વધુ ગૌરવ હોવું જોઈએ. લોકસભામાં વિપક્ષી નેતા હોવાથી પોતાની જવાબદારીનું ભાન હોવું જોઈએ પણ સત્તા મેળવવાની અને વડા પ્રધાન બનવાની ઉતાવળમાં તેઓ ભાન ભૂલી ગયા છે. સુપ્રીમ કોર્ટમાં મળેલ ઠપકો એમના સાન-ભાન પાછા લાવી શકશે?

રાહુલ ગાંધીએ ભારતીય સેનાની બદનક્ષી - અપમાનજનક નિવેદન કર્યાં પછી સીમા સુરક્ષા દળના એક નિવૃત્ત સૈનિકે લખનઊમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી તેની સામે રાહુલ ગાંધીએ અલાહાબાદ કોર્ટમાં અરજી કરી હતી પણ હાઈ કોર્ટે એમની અરજી કાઢી નાખી હતી. આ પછી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી તેની સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિએ સખત શબ્દોમાં ટીકા કરીને ઠપકો આપ્યો છે. ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને બે વખત ઠપકો આપ્યો છે - રાફેલ વિમાન સોદાના કેસ વખતે ચોકીદાર ચોર હૈ કહેવા બદલ અને પછી બીજી વખત વીરસાવરકરની અપમાનજનક ટીકા કરવા બદલ. પણ આ વખતે ‘સાચ્ચા - દિલથી ભારતીય હોય તે આવું બોલે નહીં’ - એવી ટીકા રાજકીય કારકિર્દીમાં - એમના માટે ભારે પડશે - જાહેરમાં માગે તો પણ માફી મળશે?