• શનિવાર, 09 ઑગસ્ટ, 2025

શાંતિના દૂતના નામે અશાંતિ કાયમી સમાધાન થશે?

શાંતિના દૂત, સંદેશ વાહક ગણાતા કબૂતરના નામે અને બહાને મુંબઈમાં સામાજિક અને રાજકીય અશાંતિ જાગી છે! મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં કબૂતરોને ચણ નાખવાથી જાહેર જનતાનું સ્વાસ્થ્ય જોખમાય છે એવો મુદ્દો ઉઠાવાયા પછી ઉદ્યોગપ્રધાને તાબડતોબ - એકાવન જેટલાં કબૂતરખાનાં ‘બંધ’ કરવાનો નિર્ણય જાહેર કર્યો અને તે પછી હાઈ કોર્ટનો આદેશ આવતાં મુંબઈ સુધરાઈએ દાદર કબૂતરખાના ઉપર તાડપત્રી ઢાંકી દીધી પરિણામે હજ્જારો કબૂતર ભૂખમરાનો ભોગ બન્યાં. મુંબઈની જીવદયા ભાવના ભડકી ઊઠી. જૈન મારવાડી - ગુજરાતી સમાજ કબૂતરની વહારે ચડÎા. ભાજપ અગ્રણી - મુંબઈનાં પરાંના પાલકપ્રધાન મંગલપ્રભાત લોઢાની આગેવાની હેઠળ પારેવાંને બચાવવાના પ્રયાસ શરૂ થયા અને રાજકારણ પણ શરૂ થયું. શિંદે સેનાના નેતાએ જનતાના સ્વાસ્થ્યનો મુદ્દો ઉઠાવ્યો.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કબૂતરખાનાના વિવાદમાં મધ્યસ્થી કરીને મધ્યમમાર્ગ સૂચવ્યો છે. સુધરાઈને જણાવ્યું છે કે કબૂતરખાનામાં નિશ્ચિત નિયંત્રિત સમયે ચણ નાખવાની વ્યવસ્થા કરો અને પીંછાં તથા ચરકની સાફસૂફીની વ્યવસ્થા થવી જોઈએ. આદેશ અને વ્યવસ્થા કામચલાઉ છે અને ઘણી અનિશ્ચિતતા છે - કબૂતરખાનામાં લોકોને ચણ નાખવાની છૂટ અપાશે કે સુધરાઈ વ્યવસ્થા કરશે? ગીચ વસતિથી દૂર રેસકોર્સ, બીકેસી વગેરે સ્થળોએ કબૂતરખાનાનું સ્થળાંતર કરવાનું સૂચન છે. દરમિયાન મુંબઈ સુધરાઈની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી છે! હાઈ કોર્ટના આદેશનું પાલન કરવું કે રાજ્ય સરકાર - મુખ્ય પ્રધાનના આદેશનો અમલ કરવો? જોકે, રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં જવાનું પણ વિચારે છે.

દરમિયાન શિંદેસેના અને ભાજપ વચ્ચે પડદા પાછળ ચાલતા ગજગ્રાહનાં દર્શન હવે જાહેરમાં થાય છે એમ પણ મનાય છે. સુધરાઈની ચૂંટણીમાં કોણ કોની સાથે હશે-ની ચર્ચામાં હવે ચૂંટણીનું ચિહ્ન ‘કબૂતર’ બની રહ્યું છે!

13મી જુલાઈથી શરૂ થયેલા વિવાદમાં છૂટીછવાઈ હિંસા પણ થઈ છે. શિંદેસેનાનાં નેતા શ્રીમતી મનીષાજી કહે છે - ગુજરાતમાં પતંગ ઉત્સવમાં કબૂતરોની પાંખ કપાય છે તેની ચિંતા જૈનોને કેમ નથી? કદાચ એમને ખબર નથી કે કબૂતરોને બચાવવા અને સારવાર આપવાની વ્યવસ્થા પણ હોય છે!

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે કબૂતરોની વસતિ - સંખ્યા વધી હોવાથી અને ચરક તથા પીંછાંની ગંદકીથી લોકોનાં સ્વાસ્થ્ય શ્વસનક્રિયાની સમસ્યા વધી હોવાથી આ વિષયમાં વૈજ્ઞાનિક અભ્યાસ - સંશોધન કરાવીને નિષ્ણાતોનો રિપોર્ટ લેવામાં આવશે.

કબૂતર સામેના જંગમાં અત્યારે તો કામચલાઉ યુદ્ધવિરામ જેવી સ્થિતિ છે પણ પ્રશ્ન એ છે કે આવી ‘મધ્યસ્થી’ વહેલી કેમ થઈ નહીં? વિવાદ પાછળ રાજકીય હાથ હોવાની અને ચૂંટણીનો બહિષ્કાર થવાની શક્યતા વહેલી સ્વીકારાઈ હોત તો હજ્જારો કબૂતરોને ભૂખમરાના ખપ્પરમાં ભોગ બનતાં બચાવી શકાયાં હોત! ખેર, પણ હવે વિવાદ ચૂંટણીનો મુદ્દો બને નહીં - અને કબૂતર અને માનવ - માટે સમતોલ સમાધાન થાય એવી આશા રાખીએ.