• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

જજસાહેબ, તમે પણ?

દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ કોઈ રાજ્યના હંગામી કે પ્રભારી મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા થતાં ગેરવ્યવહાર, સત્તાનો દુરુપયોગ, તરફદારી તથા લાગવગશાહી અને વહીવટી ક્ષતિઓ બાબતે દેશના મુખ્ય ન્યાયાધીશને ફરિયાદ કરે, આ બાબત દેશના ન્યાય પાલિકામાંના સડા વિશે ઘણું બધું કહી જાય છે. એક નહીં પણ ત્રણ વાર પત્ર લખી આ તરફ મુખ્ય ન્યાયાધીશનું ધ્યાન દોરવાના પ્રયાસ પછી પણ પગલાં લેવાય નહીં એ વળી એનાથી પણ ગંભીર સમસ્યા તરફ આંગળી ચીંધે છે. રાજસ્થાન હાઈ કોર્ટના ઍક્ટિંગ ચીફ જસ્ટિસ સંજીવ પ્રકાશ શર્મા સામે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ મહેતાએ કરેલા આક્ષેપો સંવેદનશીલ અને હચમચાવનારા છે. પામતા પહોંચતા લોકોને લાભ થાય એવા કેસની સુનાવણી પોતે જે ખંડપીઠમાં છે એને સોંપવાથી લઈને કેટલાક શંકાસ્પદ ચુકાદાઓ વિશે જસ્ટિસ મહેતાએ વારંવાર ચીફ જસ્ટિસ અૉફ ઇન્ડિયા સૂર્યકાંતને બીજી, દસમી અને સત્તરમી અૉગસ્ટે પત્ર લખી ધ્યાન દોર્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે આ પત્ર તથા તેમાંના આક્ષેપો બાબતે ન્યાયમૂર્તિ શર્મા તથા ન્યાયમૂર્તિ મહેતા પાસે સ્પષ્ટીકરણ માગ્યું છે. તેમનું એક નિરીક્ષણ યથાર્થ છે કે, રાજસ્થાન હાઈ કોર્ટના પ્રભારી મુખ્ય ન્યાયમૂર્તિ સામેના આક્ષેપોને તારણ કે નિષ્કર્ષ ગણી શકાય નહીં અને કોઈપણ નિર્ણય પર પહોંચતાં પહેલાં બંને પક્ષોને તેમની બાજુ માંડવાની તક આપવા સાથે સક્ષમ સંસ્થાકીય સત્તા દ્વારા યોગ્ય તપાસ બાદ જ વહીવટી પગલાં લઈ શકાય. જોકે, આ આખા મામલામાં ન્યાયતંત્રની છબિ ખરડાઈ રહી છે.

વર્તમાન ન્યાયમૂર્તિ સામે ગેરવ્યવહારનો આ પહેલો કિસ્સો નથી અને આખરી હોવાનું માની લેવાનું પણ કોઈ કારણ નથી. જસ્ટિસ યશવંત વર્માના પ્રકરણ પર હજી પરદો પડ્યો નથી ત્યાં રાજસ્થાનના મુખ્ય ન્યાયાધીશ સામે ગંભીર આક્ષેપોનો પટારો ખૂલ્યો છે. આ પહેલાં ગત એપ્રિલ મહિનામાં રાજસ્થાન બાર કાઉન્સિલે જસ્ટિસ શર્મા વિરુદ્ધ લખેલા પત્રમાં ચીફ જસ્ટિસ અૉફ ઇન્ડિયાને વિનંતી કરી હતી કે, તેમની ટ્રાન્સફર રાજ્યની બહાર કરવામાં આવે. પ્રભારી મુખ્ય ન્યાયાધીશ શર્મા આગામી 26મી સપ્ટેમ્બરે નિવૃત્ત થવાના છે, આથી તેમની સામે થયેલા આક્ષેપોની તપાસ વહેલી તકે થાય એ આવશ્યક છે. ચિંતાની વાત એ છે કે, ન્યાયાધીશોની નિમણૂક ન્યાયાધીશોની કૉલેજિયમ કરે છે અને આ સિસ્ટમ પણ શંકાના દાયરામાં છે જ. આવામાં, પોલીસ ખાતા કે રાજકારણીઓની જેમ ન્યાયતંત્રમાં ક્યાંક આંતરિક કલહ તો નથી ને? એવી શંકા થવી સહજ છે. જસ્ટિસ યશવંત વર્મા કેસમાં તેમના પરના આરોપો સર્વોચ્ચ અદાલતની તપાસમાં સિદ્ધ થયા પછી પણ તેમણે રાજીનામું આપ્યું નહીં અને પછી તેમની હકાલપટ્ટી માટે સંસદમાં મહાભિયોગની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે રાજીનામું આપી દીધું. રાષ્ટ્રપતિએ આ રાજીનામું સ્વીકાર્યું નથી અને તેમણે રાજીનામું આપી દીધા પછી મહાભિયોગની કાર્યવાહી થઈ શકે કે કેમ એ મુદ્દે કાયદાની આંટીઘૂંટીનો એકડો ઘૂંટાઈ રહ્યો છે. આવામાં રાજસ્થાનના જસ્ટિસ શર્મા આવતા મહિને વટભેર નિવૃત્ત થઈ જશે પછી શું? એવો પ્રશ્ન ઊભો થયો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ