• સોમવાર, 29 એપ્રિલ, 2024

અમદાવાદના ઍરપોર્ટ પર બેદરકારીની પરાકાષ્ઠા   

મેલબોર્નથી આવેલો શબ કંપનીને સ્પેરપાર્ટ્સ સમજી સોંપી દેવાયો!

મિતિન આર શેઠ તરફથી

અમદાવાદ, તા. 29 : ગત ગુરુવારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઍરપોર્ટ પર સત્તાવાળા દ્વારા થયેલ ગંભીર બેદરકારી પ્રકાશમાં આવી છે. ઘટના અનુસાર અૉસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરથી ઍર ઈન્ડિયાના કાર્ગો પ્લેનમાં  જોરાવરનગર-સુરેન્દ્રનગરના કંસારા પરિવારના ઝીલ જયેશભાઇ (રાજુભાઇ) ખોખરા (26) કે જેનું મૃત્યુ 17 તારીખના રોજ મેલબોર્નના વિક્ટોરિયા બીચ પર ડૂબી જવાથી મૃત્યુ થયું હતું તેનું પાર્થિવ શરીર કોફિનમાં આવ્યું હતું. ફ્લાઇટ સમય કરતાં ઘણી વહેલી પહોંચી હતી, પણ ઍરપોર્ટ સત્તાવાળાઓએ મૃતકના પરિવારને ફ્લાઇટ વહેલી આવી પહોંચવાની જાણ સુદ્ધાં કરી નહોતી. ઝીલના સ્વજનો તેમને અપાયેલા નિર્ધારીત સમયે પહોંચતા તેમને જાણવા મળ્યું હતું કે કાર્ગો પ્લેન ક્યારનું આવી ગયું છે. તેમને ઍરપોર્ટ સત્તાવાળા દ્વારા જણાવવામાં આવ્યું કે મૃતદેહ તો સોંપાઈ ગયો છે. ત્યારે પરિવારજનો હસ્તાંતરણનું પ્રૂફ-રસીદ-સાબિતી માગતા હસ્તાક્ષર વગરનું પ્રૂફ દેખાડવામાં આવતા પરિવારજનોને ગંભીર આઘાત પહોંચ્યો હતો. ઍરપોર્ટ અૉથોરિટી દ્વારા ઝીલ ખોખરાના પાર્થિવ શરીર ધરાવતા કોફિન કે જે એક બૉક્સમાં પૅક હતું તેને કોઈ કંપનીના સ્પેરપાર્ટ્સ સમજીને કોઈ અજાણી વ્યક્તિને સોંપી દેવામાં આવ્યું હતું. બાદમાં કલાકોની પરિવારજનોની દોડધામ બાદ મૃતકના શરીરને પાછું મેળવવામાં તેમને સફળતા મળી હતી. 

હવે પ્રશ્નો ઊભા થાય છે કે ફ્લાઈટ વહેલી આવવા છતાં પરિવારજનોને તેની જાણ કેમ કરવામાં આવી? બૉડી હસ્તાંતરણ રસીદ પર કોઈના હસ્તાક્ષર કેમ નહોતા? મૃતકના કોફિન પર જે.બી.ડાયલ્સ ફ્યુનરલ્સ મોટા શબ્દોમાં લખ્યું હોવા છતાં તે બીજી કોઈ વ્યક્તિએ તે સ્વીકાર્યું કેમ? સામાન્ય સમજણની વાત છે કે પાર્થિવ દેહને લેવા માટે મોટી સંખ્યામાં પરિવારજનો આવતા હોય છે તો સવાલ ઍરપોર્ટ અૉથોરિટીને નહીં થયો હોય કે પરિવારજનો ક્યાં છે? એક વ્યક્તિને સમજ્યા કર્યા વગર મૃતકના દેહને કેવી રીતે સોંપી દેવાયો? જો કોઈ કંપનીના સ્પેરપાર્ટ હોય તો લેનારે સમજ્યા વિચાર્યા વગર તે લીધું કેવી રીતે બને? શું કોઈ મોટી બેદરકારી છે કે બીજું કાંઈ? ઘટના માટે જવાબદાર કોણ અમદાવાદ ઍરપોર્ટ અૉથોરિટી કે ઍર ઈન્ડિયા કે બંને? જો આવી બેદરકારી થતી હોય તો સંભવ છે કે ડ્રગ્સ, હથિયારો વગરે જેવી ખતરનાક વસ્તુઓ સરદાર વલ્લભભાઈ પટેલ ઍરપોર્ટ પરથી `બેદરકારી'ને કારણે પગ કરી જતી હોય શકે છે.

ઝીલ ખોખરાના પાર્થિવ શરીર અંગેની કહેવાતી અક્ષમ્ય બેદરકારીના અનુસંધાનમાં પરિવારજનોએ ડાયરેક્ટોરેટ જનરલ અૉફ સિવિલ એવિયેશન (ડીજીસીએ) અને ઍરપોર્ટ અૉથોરિટી અૉફ ઈન્ડિયા (એએઆઇ) સમક્ષ ફરિયાદ નોંધાવી કડક પગલાં લેવાની તથા તપાસની માગ કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક