• સોમવાર, 29 એપ્રિલ, 2024

પંજાબ સામે લખનઊનું લક્ષ્ય પોઇન્ટ ટેબલ પર ખાતું ખોલાવવું  

ડિ'કોક અને બેયરસ્ટો જેવા વિદેશી ખેલાડીનું ફોર્મ બન્ને ટીમ માટે મહત્ત્વનું 

લખનઉ, તા.29 : કેએલ રાહુલની આગેવાનીમાં લખનઉ સુપર જાયન્ટસ ટીમ અહીંના ઇકાના સ્ટેડિયમ પર શનિવારે જયારે મેદાનમાં ઉતરશે ત્યારે તેનું લક્ષ્ય દરેક વિભાગમાં સારો દેખાવ કરીને પોઇન્ટ ટેબલ પર ખાતું ખોલાવવાનું હશે. લખનઉ ટીમને પહેલા મેચમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ 20 રને હાર મળી હતી. મેચમાં કુણાલ પંડયાને છોડીને લખનઉના તમામ બોલરોએ રન લૂંટાવ્યા હતા. આગામી ટી-20 વિશ્વ કપમાં જગ્યા બનવવા પ્રયાસ કરી રહેલ યુવા સ્પિનર રવિ બિશ્નોઇનો દેખાવ સાધારણ રહ્યો હતો. કપ્તાન કેએલ રાહુલે પણ ટી-20 વર્લ્ડ કપને ધ્યાને રાખીને વિકેટકીપરની ભૂમિકા નિભાવી અને વાપસી મેચમાં 58 રનની જવાબદારીભરી ઇનિંગ રમી હતી. તે હવે સ્ટ્રાઇક રેટને ધ્યાને રાખીને આક્રમક ઇનિંગના પ્રયાસમાં રહેશે. બીજી તરફ પંજાબની ટીમ તેના પાછલા મેચમાં બેંગ્લુરુ સામે હારી હતી. પહેલા મેચમાં તેણે દિલ્હીને હાર આપી આઇપીએલમાં વિજય પ્રારંભ કર્યોં હતો. હવે તેણે ફરી વિજયક્રમ પર વાપસી કરવી પડશે. 

લખનઉ ટીમને આશા રહેશે કે ક્વિંટન ડિ'કોક તેના શ્રેષ્ઠ ફોર્મમાં બેટિંગ કરે. ટીમને દેવદત્ત પડીક્કલ, આયુષ બદોની, દીપક હુડ્ડા અને કુણાલ પંડયા પાસેથી સારા બેટિંગ સહયોગની જરૂર છે. એલએસજીની સફળતા ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસના ફોર્મ પર ઘણી નિર્ભર કરશે. તેણે ગત સીઝનમાં ટીમ તરફથી સૌથી વધુ 408 રન બનાવ્યા હતા. 

બીજી તરફ શિખર ધવનના સુકાનીપદ હેઠળની પંજાબ કિંગ્સ ટીમે પાવર પ્લેમાં રન રફતાર વધારવી જરૂરી છે. ત્યારે શક્ય બને જ્યારે પહેલા બે મેચમાં નિષ્ફળ રહેનાર જોની બેયરસ્ટો ધમાકેદાર બેટિંગ કરે. ફક્ત આઇપીએલ રમી રહેલા ધવને પણ તેની સ્ટ્રાઇક રેટ સુધારવી પડશે. ટીમનો ઉપકપ્તાન અને વિકેટકીપર જિતેશ શર્મા વર્લ્ડ કપ ટીમનો દાવેદાર છે. પસંદગીકારોને પ્રભાવિત કરવા સતત સારો દેખાવ કરવો પડશે. ઓલરાઉન્ડર સેમ કરનની ભૂમિકા મહત્ત્વની બની રહેશે. પંજાબ પાસે ત્રણ અનુભવી ઝડપી બોલર તરીકે કાગિસો રબાડા, અર્શદિપ સિંઘ અને હર્ષલ પટેલ છે. ડાબોડી સ્પિનર હરપ્રીત બાર અને રાહુલ ચહર સારી બોલિંગ કરી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક