• સોમવાર, 29 એપ્રિલ, 2024

જપાન અને ચીનનાં બજારો સાધારણ વધ્યાં  

હૉંગકૉંગ, તા. 29 (એજન્સીસ) : જપાન અને ચીનનાં શૅરબજારો શુક્રવારે સહેજ વધીને બંધ રહ્યાં હતાં. જ્યારે એશિયા પેસિફિકનાં બજારો જાહેર રજાના કારણે બંધ રહ્યાં હતાં. જપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 0.5 ટકા વધીને 40,369.44 પોઇન્ટ્સ ઉપર બંધ રહ્યો હતો. વિસ્તૃત ટોપીક્ષ 0.65 ટકા વધીને 2768.62 પોઇન્ટ્સ ઉપર બંધ રહ્યો હતો.

જપાનના યેનનો ભાવ અમેરિકન ડૉલર સામે 34 વર્ષના તળિયે 151.97 થયો હતો. જપાનીઝ સત્તાવાળાઓ કદાચ યેનના અવમૂલ્યન બાબતમાં હસ્તક્ષેપ કરે તેવી બજારમાં ધારણા હતી. ચીનનો સીએસઆઈ 300 ઇન્ડેક્સ 0.47 ટકા વધીને 3537.48 પોઇન્ટ્સ થયો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 2746.63 ઉપર ફ્લેટ બંધ રહ્યો હતો જ્યારે તેનો સ્મોલર કૅપ કોસ્ડેક 0.5 ટકા ઘટીને 905.5 પોઇન્ટ્સ ઉપર બંધ રહ્યો હતો.

હૉંગકૉંગ, સિંગાપોર, ભારત, અૉસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલૅન્ડના બજારો `ગુડ ફ્રાઇડે'ની જાહેર રજાને કારણે બંધ હતાં.વોલસ્ટ્રીટ પર બેંચમાર્ક એસએન્ડપી ઇન્ડેક્સે છેલ્લાં પાંચ વર્ષનો પ્રથમ ત્રિમાસિકનો સૌથી સારો દેખાવ કર્યો હતો. ગુરુવારે તે 0.11 ટકા વધ્યો હતો જ્યારે ડાઉજોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.12 ટકા વધ્યો હતો. બંને ઇન્ડેક્સ વિક્રમ ઊંચાઈ ઉપર બંધ રહ્યા હતા. નાસ્દાક કોમ્પોઝીટ 0.12 ટકા ઘટયો હતો.

ચીનની સરકારી કંપની અને પ્રોપર્ટી ડેવલપર ચાઇના વાન્કે બે ટકા ઘટયો હતો. તેના સમગ્ર વર્ષની આવક અને નફામાં ઘટાડો થયો હતો. ચાઇના વાન્કે કંપનીને ટેકો આપવા માટે ચીની સત્તાવાળાઓએ મોટી બૅન્કો સાથે ચર્ચાવિચારણા કરી હતી. ચીનનો વિસ્તૃત સીએસઆઈ 300 ઇન્ડેક્સ 0.2 ટકા વધ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક