• સોમવાર, 29 એપ્રિલ, 2024

એપ્રિલ-જૂન ત્રિમાસિકગાળા માટે નાની બચત યોજનાઓના વ્યાજદર યથાવત્  

નવી દિલ્હી, તા. 29 (એજન્સીસ) : કેન્દ્ર સરકાર દરેક ત્રિમાસિકમાં નાની બચત યોજનાઓના વ્યાજદર જાહેર કરે છે. કેન્દ્ર સરકારે એપ્રિલથી જૂન 2024 માટે પોસ્ટ અૉફિસની વિવિધ બચત યોજનાઓના વ્યાજદર સ્થિર રાખ્યા છે. જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિકમાં જે વ્યાજદર હતા તેમાં કોઈ પરિવર્તન કર્યું નહોતું.

1 એપ્રિલ 2024થી 30 જૂન 2024 સુધીના પ્રથમ ત્રિમાસિકમાં વિવિધ સ્મોલ સેવિંગ્ઝ સ્કીમ (નાની બચત યોજનાઓ)ના વ્યાજદરમાં કોઈ પરિવર્તન કરવામાં આવ્યું નથી. 1 જાન્યુઆરી 2024થી 31 માર્ચ 2024 સુધીના ત્રિમાસિકમાં જે વ્યાજદર હતા તે વ્યાજદર 2024-25ના પ્રથમ ત્રિમાસિકમાં પણ ચાલુ રહેશે એમ નાણાં મંત્રાલયે એક પરિપત્ર દ્વારા જણાવ્યું હતું.

પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડ (પીપીએફ), સુકન્યા સમૃદ્ધિ યોજના (એસએસવાય), મહિલા સન્માન સેવિંગ્સ સર્ટિફિકેટ સિનિયર સિટિઝન સેવિંગ્ઝ સ્કીમ (એસસીએસએસ) અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (એનએસસી) કેટલીક લોકપ્રિય બચત યોજનાઓ છે.

સમયાંતરે સરકાર નાની બચત યોજનાઓના વ્યાજદરમાં પરિવર્તન કરતી રહે છે. શ્યામલા ગોપીનાથ કમિટીએ વિવિધ વ્યાજદરની ગણતરી કઈ રીતે કરવી તેની ભલામણ કરી હતી. કમિટીની ભલામણ મુજબ સરકાર વિવિધ યોજનાઓમાં સરકારી બૉન્ડ કરતાં 25થી 100 બેસિસ પૉઇન્ટ વધુ વ્યાજ મળે તે પ્રકારે વ્યાજની જાહેરાત કરે છે.

31 ડિસેમ્બર 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક માટે સરકારે પોસ્ટ અૉફિસની કેટલીક બચત યોજનાઓના વ્યાજદર વધાર્યા હતા. હાલમાં રિકરિંગ ડિપૉઝિટને છોડીને તમામ બચત યોજનાઓના વ્યાજદર સ્થિર રાખવામાં આવ્યા છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ)ના વ્યાજદર 7.1 ટકા સ્થિર રાખવામાં આવ્યા છે.

આવકવેરાના 1961ના કાયદા મુજબ કલમ 80સી અંતર્ગત એનએસસી, એસસીએસએસ, એસએસવાય અને પીપીએફની નાની બચત યોજનાઓ પર કરવેરાની રાહતો મળે છે.

જ્યારે કિસાન વિકાસપત્ર (કેવીપી), પોસ્ટ અૉફિસ ટાઇમ ડિપૉઝિટ્સ (પાંચ વર્ષના સમયગાળાને છોડીને), પોસ્ટ અૉફિસ મંથલી ઇન્કમ સ્કીમ, મહિલા સમ્માન સેવિંગ્ઝ સ્કીમ અને પોસ્ટ અૉફિસ રિકરિંગ ડિપૉઝિટ્સની યોજનાઓમાં કલમ 80સી અંતર્ગત કોઈ કરરાહત મળતી નથી.

ઇ-પેપરના નવા શુલ્ક