• સોમવાર, 29 એપ્રિલ, 2024

યુકે અને ઓમાન સાથે એફટીએ લોકસભાની ચૂંટણી પછી સાકાર થશે  

નવી દિલ્હી, તા. 29 (એજન્સીસ) : ભારતના યુકે અને ઓમાન જોડેના સૂચિત મુક્ત વેપાર કરાર (એફટીએ)ને કેન્દ્રના 100-દિવસીય એજન્ડામાં સમાવી લેવામાં આવ્યો છે. આનો મતલબ થયો કે જૂન આખરે લોકસભાની ચૂંટણી બાદ સ્થપાનારી નવી સરકાર દ્વારા દિશામાં તાત્કાલિક પગલાં લેવાશે. ઓમાન જોડેના ટ્રેડ ડીલની ગત વર્ષે જાહેરાત કરાઈ હતી. યુકે સરકાર જોડેની ચર્ચા જાન્યુઆરી 2022માં શરૂ કરાઈ હતી. બન્ને વાટાઘાટો આખરી તબક્કામાં છે અને લોકસભાની ચૂંટણી બાદ તેના ઉપર સહીસિક્કા થવાની શક્યતા છે.

ઓમાન હોરમસ સમુદ્રધુનીના મુખ્ય અૉઇલ પેસેજની નજદીક આવેલું છે. 2022-23માં બન્ને દેશ વચ્ચેનો વેપાર વધી 12.39 અબજ ડૉલરનો થયો હતો, જે 2020-21માં માત્ર 5.4 અબજ ડૉલરનો હતો. કરાર મારફત ભારત ચોખા, દવા, પેટ્રોલિયમ, સ્ટીલ ઉત્પાદનોની નિકાસ પર ઓછા ટેરીફ માગે છે. ઉપરાંત, ડૉક્ટર, નર્સ, એન્જિનિયર જેવા ભારતીય પ્રોફેશનલો માટે પ્રવેશની સરળ તક માગે છે.

આની સામે ઓમાન તેના ડાઉનસ્ટ્રીમ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, ફર્ટિલાઇઝર અને આયર્ન-સ્ટીલ ઉત્પાદનોને ભારતીય માર્કેટમાં વધુ પ્રવેશની માગણી કરી રહ્યું છે. યુકે-ભારત વચ્ચેનો વેપાર 2019માં 23 અબજ પાઉન્ડનો હતો. બન્ને દેશો 2030માં તે વેપાર બમણો કરવા સહમત થયા હતા. એફટીએમાં ભારતની રોજગારલક્ષી ક્ષેત્ર જેવા કે ચર્મ પેદાશ, ટેક્સ્ટાઇલ, જ્વેલરી અને પ્રોસેસ્ડ કૃષિ ઉત્પાદનોની નિકાસ વધારવાની વાત છે. ફાર્મા ક્ષેત્રને પણ વધુ પ્રવેશ આપવાની વાત છે. ઉપરાંત, સર્વિસીસ ક્ષેત્ર જેવા કે આઈટી / આઈટીઈએસ, નર્સિંગ, શિક્ષણ, હેલ્થકૅરની નિકાસ વધારવાની વાત છે.

ભારત તેના લોકોની હેરફેર માટે સ્પેશિયલ અરેન્જમેન્ટની માગણી કરી રહ્યું છે. યુકે અને ઓમાન જોડેના સૂચિત વેપાર કરારની વાટાઘાટોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, પણ થોડીક અડચણો પણ છે. ભારત અને ઓમાન દેશોએ પ્લાસ્ટિક ઉદ્યોગમાં વપરાતા અમુક પેટ્રોકેમિકલ પ્રોડક્ટ્સ પર કસ્ટમ્સ ડયૂટી કન્સેસનના ઇસ્યૂઓ ઉકેલવાના બાકી છે.

યુકે જોડેની અડચણમાં બ્રિટિશ અૉટોમેકર્સને ભારતીય કૉમ્પોનન્ટ્સ વાપરવાની નવી દિલ્હીના વલણની છે. વળી, યુકેમાં ભારતીય કામદારો માટે સોશિયલ સિક્યુરિટી પેમેન્ટનો સમાવેશ કરવાની ભારતની માગણી છે, પણ બ્રિટન તે ટાળવા માગે છે. વિઝા અને સોશિયલ સિક્યુરિટી સૂચિત સોદાની સૌથી વધુ રાજકીય સેન્સિટીવ બાબતો છે. જાન્યુઆરી 2024 સુધીમાં ભારત અને યુકે વાટાઘાટોના 14મા રાઉન્ડ સુધી પહોંચ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક