• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

અદાણી ગ્રીન અને ટોટલ એનર્જી વચ્ચે સંયુક્ત સાહસ  

ટોટલ $30 કરોડનું રોકાણ કરશે 

મુંબઈ, તા. 20 : અદાણી ગ્રીન એનર્જીએ બુધવારે ફ્રાન્સની ટોટલ એનર્જી સાથે મળીને 1050 મેગાવોટ ગ્રીન પોર્ટફોલિયો હાંસલ કરવા માટે 50:50ની સમાન ભાગીદારીએ નવા સંયુક્ત સાહસની જાહેરાત કરી હતી. અદાણી ગ્રીને જણાવ્યું હતું કે સંયુક્ત સાહસ હેઠળ ટોટલ એનર્જી કુલ 30 કરોડ ડૉલરનું રોકાણ કરશે. 

જાન્યુઆરીમાં અમેરિકાની શોર્ટ-સેલર હિન્ડનબર્ગના અદાણી ગ્રુપ વિશેના અહેવાલ બાદ બંને કંપનીઓ વચ્ચે પ્રથમ સોદાની જાહેરાત છે. અદાણી ગ્રુપે શૅરબજારોને જણાવ્યું છે કે કંપનીના બોર્ડે અદાણી ગ્રીન એનર્જી ટ્વેન્ટી થ્રી લિમિટેડ અને ટોટલ એનર્જીઝ વચ્ચે બંધનકર્તા ટર્મ શીટના અમલને મંજૂરી આપી છે. 

ટોટલ એનર્જી નવી 50:50 સંયુક્ત સાહસ કંપની બનાવવા માટે 30 કરોડ ડૉલરનું રોકાણ કરશે, જેમાં 1050 મેગાવોટનો પોર્ટફોલિયો હશે. પોર્ટફોલિયોમાં પહેલેથી કાર્યરત (300 મેગાવોટ), નિર્માણાધીન (500 મેગાવોટ) અને અન્ડર-ડેવલપમેન્ટ એસેટ્સ (250 મેગાવોટ) બંનેનું મિશ્રણ હશે, જેમાં સૌર અને પવન ઊર્જાનો સમાવેશ થાય છે. અદાણી ગ્રીનનો કુલ પ્રોજેક્ટ પોર્ટફોલિયો 20,434 મેગાવોટ છે. અદાણી ગ્રીન સંયુક્ત સાહસને અસ્કયામતો આપશે, જ્યારે ટોટલ એનર્જીઝ 30 કરોડ ડૉલરનું ઇક્વિટી રોકાણ કરશે.