• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

મહારાષ્ટ્રમાં રવી પાકનું વાવેતર 10 ટકા વધ્યું

મુંબઈ, તા. 19 : મહારાષ્ટ્રમાં ચાલુ સિઝનમાં રવી પાક નીચેનો વિસ્તાર લગભગ 10 ટકા વધીને 14.8 લાખ હેક્ટર થયો છે. જે ગત વર્ષે લગભગ 13.5 લાખ હેક્ટર હતો એમ રાજ્ય સરકારે પ્રસિદ્ધ કરેલો એક અહેવાલ જણાવે છે. 

મુખ્ય રવી પાક ઘઉંનો વાવેતર વિસ્તાર ઘટીને 52,914 હેક્ટર થયો છે જે ગત વર્ષે 69,908 હેક્ટર હતો.

જુવારનો વાવેતર વિસ્તાર 18 ટકા વધીને 7,87,087 હેક્ટર હતો. ચાલુ વર્ષે અનાજનો વાવેતર વિસ્તાર ગત વર્ષ કરતાં 12 ટકા વધીને 9,13,901 હેક્ટર થયો છે. આ સિઝનમાં કઠોળનો વાવેતર વિસ્તાર વધીને 5,54,417 હેક્ટર થયો છે. જે ગત વર્ષે 5,22,837 હેક્ટર હતો. કઠોળમાં ચણાનો વાવેતર વિસ્તાર 6.2 ટકા વધીને 5,45,069 હેક્ટર થયો છે. અનાજનો કુલ વાવેતર વિસ્તાર ગત વર્ષ કરતાં 10 ટકા વધીને 14.7 લાખ હેક્ટર થયો છે.

જોકે સૂરજમુખીનું વાવેતર ચાલુ સિઝનમાં ઘટીને 196 હેક્ટર થયું છે. જે ગત વર્ષે 660 હેક્ટર હતું.

આ તરફ અમેરિકન કૃષિ ખાતાના અહેવાલ અનુસાર 2023-24 (મેથી એપ્રિલ)માં સમગ્ર વિશ્વમાં તેલીબિયાંનું ઉત્પાદન તેના 65.94 કરોડ ટનના અંદાજ કરતાં 21 લાખ ટન વધીને 66.15 કરોડ ટન થવાની ધારણા છે. અમેરિકામાં તેલીબિયાંનું ઉત્પાદન 64,000 ટન વધીને 12.15 કરોડ ટન થવાની ધારણા છે. 2023-24નો તેલીબિયાંનો વૈશ્વિક વર્ષાંત સ્ટોક 13.14 કરોડ ટન છે જે અૉક્ટોબરના અંદાજ કરતાં 5,00,000 ટન ઓછો છે.

અમેરિકન કૃષિ ખાતાએ સોયાબીનનું ઉત્પાદન 40.04 કરોડ ટન થવાનો અંદાજ આપ્યો છે. એક છેલ્લા અંદાજ મુજબ અમેરિકાનું સોયાબીનનું ઉત્પાદન 6,90,000 ટન વધીને 11.24 કરોડ ટન થશે. જેનો ગત મહિને 11.17 કરોડ ટનનો અંદાજ હતો. બ્રાઝિલમાં સોયાબીનનું ઉત્પાદન 16.30 કરોડ ટન અને આર્જેન્ટિનામાં 4.80 કરોડ ટન થવાની છેલ્લી ધારણા છે જે ગત મહિનાના અંદાજ જેટલી છે. સમગ્ર વિશ્વનો 2023-24નો સોયાબીનનો વર્ષાન્ત સ્ટોક હાલમાં 11.45 કરોડ ટન છે. જે અૉક્ટોબરના અંદાજ કરતાં 11 લાખ ટન ઓછો છે. બ્રાઝિલ સોયાબીનનું વિશ્વનું સૌથી મોટું ઉત્પાદન છે અને ત્યાર બાદ અમેરિકા અને આર્જેન્ટિનાનો ક્રમ આવે છે.