• મંગળવાર, 30 એપ્રિલ, 2024

ખીચડી કૌભાંડનો બચાવ : શિંદે સેનામાં અકળામણ

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના સાંસદ ગજાનન કીર્તિકરે ભાજપને સલાહ આપી છે કે વિપક્ષ વિરુદ્ધ ઈડીનો ઉપયોગ હવે બંધ કરવો જોઈએ. કારણ કે જનતામાં ચીડ વધતી જાય છે. તેમણે પોતાના પુત્ર અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ઉત્તર-પશ્ચિમ મુંબઈના ઉમેદવાર અમોલ કીર્તિકરની વિરુદ્ધ ઈડીની કાર્યવાહીની ટીકા પણ કરી છે.

હવે ભાજપના વિધાનસભ્ય અમિત સાટમે કીર્તિકરને જવાબ આપતાં જણાવ્યું છે કે ગજાનન કીર્તિકરનું શરીર મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે અને આત્મા ઠાકરે જૂથના  અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે છે. વાસ્તવમાં કોરોના કાળમાં મુંબઈ મહાનગર પાલિકામાં શિવસેનાનું શાસન હતું અને તે દરમિયાન થયેલાં અનેક કૌભાંડોમાંનું એક ખીચડી પ્રકરણ છે. ઈડીને ખીચડી કૌભાંડ અંગે દેખાતાં ગજાનન કીર્તિકરના પુત્ર અમોલની આઠ કલાક પૂછપરછ કરી હતી.

મહારાષ્ટ્રમાં કે દેશમાં ઈડીની કાર્યવાહીમાં મુખ્ય પ્રધાનો સહિત અનેક નેતાઓને આવરી લેવાયા છે. તેમાંના ઘણો જેલમાં છે અને ક્યાં સુધી રહેશે તે કહી શકાય એમ નથી. કેટલાકને વર્ષ સુધી જામીન નથી મળી. ઈડી કાર્યવાહીમાં નેતાઓ નહીં ઉદ્યોગપતિઓનાં કૌભાંડ પણ બહાર આવ્યાં છે અને જેલમાં રહેવું પડયું છે. વિપક્ષોએ પહેલેથી ઈડી કાર્યવાહીની સામે કાગારોળ મચાવી છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના જમણા હાથ સમા અને ઠાકરે સેનાના પ્રવક્તા પણ ઈડીના `કુંડાળા'માં આવી જતાં જેલમાં રહીને આવ્યા છે. બધું થઈ રહ્યું હતું ત્યારે સાંસદ તરીકે ગજાનન કીર્તિકર એક શબ્દ નથી બોલ્યા પણ હવે જ્યારે ઈડીનો રેલો તેમના પુત્રના પગ નીચે આવ્યો ત્યારે તેઓ શિંદેની શિવસેના હોવા છતાં ઠાકરે સેનાની ભાષા બોલી રહ્યા છે, આડકતરી રીતે ભાજપની ટીકા પણ કરી રહ્યા છે. 

ગજાનન કીર્તિકરના તાજા નિવેદનથી ભાજપના સૌથી જૂના સાથી પક્ષ શિવસેનાનું એક જૂથ ભલે તેમની સાથે હોય, પરંતુ ઉદ્ધવ ઠાકરે તેમના માટે પડકાર રૂપ છે. ભાજપે અસલી નકલીને સૌથી મહત્ત્વનો મુદ્દો બનાવી ઉદ્ધવ પર પ્રહાર કર્યા છે. પહેલીવાર કૉંગ્રેસ-શરદ પવારની રાષ્ટ્રવાદી સાથે મળીને ચૂંટણી લડી રહેલી ઉદ્ધવ સેના મહારાષ્ટ્રમાંથી મોટા પ્રોજેક્ટો બહાર જવાના અને ભાજપ સામે છેતરપિંડીના આક્ષેપ કરી નિશાન સાધી રહી છે. હવે ગજાનન કીર્તિકરે ઈડી વિરુદ્ધ હૈયાવરાળ કાઢી મહાયુતિને કફોડી સ્થિતિમાં મૂકી દીધી છે. એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કરી અલગ જૂથ રચ્યું ત્યારે તેમની સાથે શિવસેનાના વિધાનસભ્યો સહિત અનેક સાંસદો પણ હતા. તેમાંની એક મહિલા સાંસદ ભાવના ગવલીને શિંદે જૂથે વેળા ટિકિટ નથી આપી. આમ છતાં મહિલાએ મહાયુતિને નુકસાન પહોંચે એવું કોઈ નિવેદન નહીં કરી મહાયુતિ ધર્મ પાળ્યો છે, જ્યારે ગજાનન કીર્તિકર ચૂક્યા છે.

આવી સ્થિતિમાં જેમ જેમ ચૂંટણી નજીક આવતી જશે તેમ તેમ પક્ષોમાંથી અનેક આયારામ-ગયારામ જોવા મળે તો નવાઈ નહીં. મહારાષ્ટ્રનું રાજકારણ જોતા અહીંની રાજકીય સ્થિતિ પ્રવાહી જણાય છે. હવે પક્ષોના ઉમેદવારોનાં ફૉર્મ ભરાય અને છેલ્લે સુધી કોણ કયા પક્ષમાં ટકી રહે છે ત્યારે અસલી નકલી ખુલ્લા પડશે તો પણ ત્યાં સુધી કોણ પોતાના અને કોણ પારકા સમજવું પક્ષો માટે પણ મુશ્કેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક