• મંગળવાર, 30 એપ્રિલ, 2024

કાશ્મીર વિધાનસભાની ચૂંટણી : મોદીની `ગૅરંટી'

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉધમપુરમાં ચૂંટણી પ્રચારની જાહેરસભા સંબોધતાં કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજજો જલદી આપવા સાથે રાજ્ય વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાના અંત સામે હિંસા ભડકવાની ચીમકી આપનારા વિપક્ષના નેતાઓને સુરક્ષા દળના જવાનોએ `અરીસો' દાખવ્યો છે. વિપક્ષના નેતાઓ અફવા ફેલાવી રહ્યા છે અને હવે દાવો કરે છે કે બંધારણની કલમ 370 હટાવવાથી દેશને કોઈ લાભ નથી થયો. ઇન્ડિ મોરચે તો 370ની ક્લમ ફરીથી આમેજ કરવાનું વચન આપે છે.

જમ્મુ-કાશ્મીરમાં જ્યાં માર્ગો, પુલો, હૉસ્પિટલો, રેલ નેટવર્ક સાથે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ બની રહી છે, તે રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર બની રહ્યું છે. એટલું નહીં, પહેલીવાર આતંકવાદ, પથ્થરબાજી, અલગતાવાદ, સીમા પારથી ગોળીબાર જેવા વિષયો ચૂંટણીના મુદ્દા નથી. બધું જમ્મુ-કાશ્મીરમાં મોટા અને મૂળભૂત બદલાવનું સૂચક છે. રેકોર્ડ સંખ્યામાં પર્યટકો અહીંની મુલાકાત લઈ રહ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહે હાલમાં કહ્યું છે કે કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરથી સશત્રદળ વિશેષ અધિકાર અધિનિયમ એટલે `અફસ્પા' હટાવવા અંગે વિચાર કરશે. લાગે છે કે જમ્મુ-કાશ્મીરથી સેનાને હટાવીને કાયદો-વ્યવસ્થા માટે રાજ્ય પોલીસને સોંપવાની તૈયારી થઈ રહી છે. ઉપરાંત ત્યાં થિયેટરો ખૂલવાની સાથે સ્પોર્ટ્સની ગતિવિધિઓ વેગ પકડી રહી છે અને રોકાણકારોમાં પણ વધારો થઈ રહ્યો છે.

કલમ 370 હટાવવાથી જમ્મુ-કાશ્મીરને મળનારા લાભ ગણાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે કલમ કેટલી પક્ષપાતી, વિભાજનકારી અને લોકોના અધિકારોને કચડનારી હતી. તેમણે વિપક્ષને પડકાર ફેંક્યો છે કે તેઓમાં સાહસ હોય તો તેઓ કલમની વાપસીની વાત કરે. વડા પ્રધાને મહત્ત્વની ઘોષણા વિધાનસભા ચૂંટણી બાબત કરી છે, પૂર્ણ રાજ્યનો દરજજો આપવાની વાત કરી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે બધું મોદી સરકારના એજન્ડામાં છે . 

કાશ્મીરમાં હજી આતંકવાદીઓ દ્વારા નાની-મોટી ઘટનાઓને અંજામ આપવામાં આવે છે, પણ લોકોનું મનોબળ તેઓ તોડી નથી શક્યા. મોદી સરકારે હવે ત્યાં વાતાવરણ એવું બનાવવું જોઈએ કે કાશ્મીરી હિન્દુ પોતાના ઘરે વાપસી કરી શકે. 

ઇ-પેપરના નવા શુલ્ક