• મંગળવાર, 30 એપ્રિલ, 2024

દિલ્હીમાં બિહારી વિરુદ્ધ બિહારી

લોકસભાની ચૂંટણી માટે દિલ્હી કૉંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. મનોજ તિવારી વિરુદ્ધ કન્હૈયાકુમાર ચૂંટણી લડવાના છે. કૉંગ્રેસે કન્હૈયાકુમારને ઉમેદવારી આપવાથી દિલ્હીના રાજકારણના કેન્દ્ર સ્થાને બે બિહારી નેતા આવ્યા છે તેથી લડત ભાજપ વિરુદ્ધ કૉંગ્રેસના બદલે બે બિહારીઓમાં થશે એમ જણાય છે! ભાજપના બિહારી નેતા વિરુદ્ધ કૉંગ્રેસે બિહારી નેતાને ઊભો કરીને મોટો રાજકીય જુગાર ખેલ્યો છે. દિલ્હી ઇશાન વિસ્તારમાં બિહાર અને હરિયાણાના લોકો ભારે સંખ્યામાં રહે છે. વિસ્તારમાં પૂર્વાંચલના મતદારોની સંખ્યા પણ મોટી છે.

પૂર્વાંચલ અને બિહારી મતદારોની સંખ્યાને લઈ મનોજ તિવારીએ 2014 અને 2019ની એમ બે લોકસભા ચૂંટણી મોટા અંતરથી જીતી હતી. કૉંગ્રેસ અને આમ આદમી પક્ષના મતદાર પૂર્વાંચલ બિહારી મતો પોતાના ભણી વાળવામાં સફળ થાય તો ચૂંટણીમાં કન્હૈયાકુમાર સીધો મનોજ તિવારીને પડકાર આપી શકે છે. કન્હૈયાકુમાર બિહારના બેગુસરાયથી ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ ત્યાંની બેઠક કૉંગ્રેસને ફાળે નહીં આવતાં તેમને દિલ્હીમાં ઉતારવાનો નિર્ણય લેવાયો છે. 2019માં બેગુસરાયથી કન્હૈયાકુમાર ડાબેરી પક્ષની ટિકિટ પર લડયા હતા પણ ભાજપના ઉમેદવારથી હારી ગયા હતા. પછી તેઓ કૉંગ્રેસમાં જોડાયા હતા. દિલ્હીમાં હવે લડાઈ સનાતન ધર્મ અને ટુકડે ટુકડે ટોળકી સાથે છે. 

મનોજ તિવારી કન્હૈયાકુમારને પડકાર નથી માનતા. કન્હૈયાકુમારની ઉમેદવારી જાહેર થતાં તિવારીએ આપેલા પ્રત્યાઘાતમાં કહ્યું છે કે ચૂંટણીમાં જે લોકો 40 દિવસો માટે ફરવા આવ્યા છે, તે લોકો અમારા ક્ષેત્રમાં 14,600 કરોડ રૂપિયાના જે કાર્ય થયાં છે તે જોશે. ટુકડે ટુકડે ગૅંગનું નેતૃત્વ કરનારા લોકો, દિલ્હી અને દિલ્હીના લોકો પ્રતિ કેટલા જવાબદાર હોઈ શકે છે? જે દેશનું સન્માન નથી કરી શકતા, સેનાનું સન્માન નથી કરી શકતા. ખાસ ઉલ્લેખ કરવો ઘટે કે કન્હૈયાકુમાર વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધાયેલો છે તેનો ચુકાદો આવવાનો હજી બાકી છે.

ઇ-પેપરના નવા શુલ્ક