• સોમવાર, 29 એપ્રિલ, 2024

સાંસ્કૃતિક વિરાસત અને દેશના ગૌરવનું જતન

ભાજપના સંકલ્પ પત્રમાં 10 વર્ષનાં કામનો હિસાબ અપાયો છે. સાથે કેવી રીતે જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 રદબાતલ થઈ અને રામ મંદિર નિર્માણના વચનની પૂર્તિ થઈ તે પણ જણાવ્યું છે. સમાન નાગરિક સંહિતા પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો મુદ્દો હોવાથી સંકલ્પ પત્રમાં સમાન નાગરિક સંહિતાનું વચન આપવામાં આવ્યું છે.

ભાજપે ભારતની વિરાસત માટે ગૌરવ વ્યક્ત કરીને જણાવ્યું છે કે ભારતની સંસ્કૃતિના પ્રદર્શન અને યોગ, આયુર્વેદ, ભારતીય ભાષાઓ, શાત્રીય સંગીતની તાલીમ આપવા માટે વિશ્વ સ્તરીય તિરુવલ્લુવર સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવામાં આવશે. બધાં રાજ્યોમાં માન્યતાપ્રાપ્ત પાઠયક્રમ માટે યોગ અને આયુર્વેદ સંસ્થાઓને સુવિધા આપશે. યોગ અને આયુર્વેદ માટે વિશ્વ સ્તર પર માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્રની સિસ્ટમ બનાવાશે. વડા પ્રધાનની સંસ્કૃતિના જતન માટેની પ્રતિબદ્ધતા અહીં વ્યક્ત થાય છે.

ભારતથી ગેરકાયદે લઈ જવામાં આવેલી મૂર્તિઓ અને કલાકૃતિઓને પાછી લાવવામાં આવશે. વિશ્વની મુખ્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં શાત્રીય-ભારતીય ભાષાઓના અધ્યયનની વ્યવસ્થા કરાશે. રામલલ્લા પ્રાણપ્રતિષ્ઠા દિને વિશ્વભરમાં રામાયણ ઉત્સવ મનાવાશે. અયોધ્યાપુરીનો સર્વાંગીણ વિકાસ કરાશે. પ્રાચીન ભારતીય પાંડુલિપિઓ અને અભિલેખો પર સંશોધન માટે એક સમર્પિત સ્કોલરશિપ કાર્યક્રમ શરૂ કરાશે. ભારતીય જ્ઞાન પરંપરાઓ પર એક ત્રિવાર્ષિક આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરાશે. આમ ભારતીય ભાષા અને રામ, રામાયણ તેમ જૂની લિપિઓ માટે અગાઉની સરકારો જે નથી કરી શકી તે કરવાનો નિરધાર છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંકલ્પ પત્રનું વિમોચન કરતાં કહ્યું છે કે વિશ્વની એક સૌથી જૂની ભાષા તમિલ આપણું ગૌરવ છે. તમિલ ભાષાની  વૈશ્વિક પ્રતિષ્ઠા વધારવા માટે દરેક પ્રકારના પ્રયાસ થશે. વિપક્ષ દક્ષિણ ભારતની ઉપેક્ષા કરવાનો આક્ષેપ કરનારા દ્રવિડ નેતાઓ કહે છે કે ભાજપ માત્ર ઉત્તર ભારતનો અને હિન્દી ભાષીઓનો પક્ષ છે. ત્યારે મોદીએ `એક ભારત શ્રેષ્ઠ ભારત' અને તમિલ-કાશી સંગમ દ્વારા વિપક્ષના આક્ષેપનું ખંડન ર્ક્યું છે. તામિલનાડુમાં 19મી એપ્રિલે મતદાન છે. ભાજપ માટે દક્ષિણ ભારતમાં વધુ બેઠકો મેળવવાનો પડકાર છે. તામિલનાડુમાં ભલે બે-પાંચ બેઠકો મળે તોપણ ભાજપનો સંસદીય પ્રવેશ મોટી સિદ્ધિ ગણાશે.

ભાજપના સંકલ્પ પત્રમાં સમાન નાગરિક સંહિતા અને `એક દેશ, એક ચૂંટણી'ના વચનના કારણે વિવાદ થાય તે અપેક્ષિત છે પણ સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને જનકલ્યાણ યોજનાઓનો લાભ આપવાનું વચન અપાયું છે. ગરીબ, યુવાનો, મહિલાઓ, વૃદ્ધો, ખેડૂતોનો ખ્યાલ રાખીને સીધા સંવાદની સ્થિતિ ઊભી કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. 70 વર્ષથી અધિક ઉંમરના વૃદ્ધો માટે પાંચ લાખ રૂપિયા સુધી મફત ઈલાજનું વચન મહત્ત્વનું છે. વચન દ્વારા મોદીએ વૃદ્ધ મતદારોને સાધ્યા છે, અને લાખો પરિવારો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે જે પરિવારોમાં વયસ્કો છે અને બીમારીના કારણે આખો પરિવાર પરેશાનીઓથી ઘેરાયેલો રહે છે.

ગગનયાન ગૌરવની વાત હોય કે પછી ભારતની સુરક્ષાનો વિશ્વાસ, ગ્રીન ઍનર્જીથી રોજગાર સર્જનનો વાયદો હોય કે દુનિયામાં સેમીકન્ડક્ટર હબ બનાવવાની આશા, ડિજિટલ ક્રાંતિથી સ્કિલ, સ્કેલ અને સ્કોપની આશા પણ ભાજપનાં વચનોમાં આશાનાં કિરણો છે. જનજાતીય ગૌરવથી પર્યટનની તક વધારવા સુધીનો રોડમેપ હોય કે પછી તમિલ ભાષાની સાથોસાથ બુલેટ ટ્રેનના વેગના માધ્યમથી પૂર્વ હોય કે પશ્ચિમ, ઉત્તર હોય કે દક્ષિણ, બધાને જોડીને 2047ના વિકસિત ભારતના લક્ષ્યની સાથોસાથ સત્તાની હેટ્ટ્રિક ભણી આગે કદમ ભર્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક