• બુધવાર, 08 એપ્રિલ, 2026

સહાનુભૂતિના મતો અને બિનહરીફ વિજય

મહારાષ્ટ્રમાં યોજાયેલી રાજ્યસભાની સાત બેઠકો માટેની ચૂંટણીમાં તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યાના સમાચાર તાજા છે. આ ચૂંટણીઓમાં રાજ્યના ચાણક્ય ગણાતા શરદ પવાર સામે મહાયુતિએ કોઈને ઉમેદવારી ન આપી રાજકીય ખેલદિલીનો પરિચય આપ્યો હતો. આથી, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના મૃત્યુને પગલે ખાલી પડેલી બારામતી વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણી માટે મહાવિકાસ આઘાડી કોઈ ઉમેદવાર ઊભો નહીં રાખે એવી અપેક્ષા હતી, પણ કૉંગ્રેસે સ્થાનિક કાર્યકર્તા આકાશ મોરેને ઉમેદવારી આપી છે, આથી અજિત પવારનાં પત્ની સુનેત્રા પવાર બિનહરીફ ચૂંટાઈ નહીં શકે. પેટા-ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી જ પોતાનો ઉમેદવાર ઊભો રહેશે એવી વાતો કૉંગ્રેસના સ્થાનિક એકમના નેતાઓ કરી રહ્યા હતા. સામાન્યપણે, ભારતના રાજકારણમાં જોવા મળે છે કે, કોઈ વિધાનસભ્ય કે સાંસદનું મૃત્યુ થયું હોય અને એ બેઠક માટેની પેટા-ચૂંટણીમાં મૃતકના પરિવારના સભ્યને ઉમેદવારી અપાય તો મતદારોના સહાનુભૂતિના મત આવા ઉમેદવારની તરફેણમાં મોટા પ્રમાણમાં પડતા હોય છે, પણ મહારાષ્ટ્રમાં છેલ્લા થોડા સમયથી આ ચિત્ર બદલાતું હોવાનાં ઉદાહરણો જોવા મળ્યાં છે. આ સાથે જ ચાલુ વર્ષે રાજ્યમાં અનેક જગ્યાએ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓમાં સત્તાધારી મહાયુતિના 69 નગરસેવકો બિનવિરોધ ચૂંટાઈ આવ્યા હતા, આ આંકડો અભૂતપૂર્વ હતો. મહારાષ્ટ્રના રાજકારણનાં બદલાતાં સમીકરણો આ બે બાબતોમાં પ્રતાબિંબિત થયાં છે.

સુનેત્રા પવારે શિવસેનાના ઉદ્ધવ ઠાકરેને બારમતી પેટા-ચૂંટણી પહેલાં ફોન કરતા શિવસેનાએ તેમની સામે ઉમેદવાર ઊભો રાખ્યો નથી. રાષ્ટ્રવાદી કૉંગ્રેસે (શ.પ.) પારિવારિક કારણસર પોતાનો ઉમેદવાર આપ્યો નથી, પણ મહાવિકાસ આઘાડીના સાથી કૉંગ્રેસે કેન્ડિડેટ ઊભો રાખી આ ચૂંટણી બિનહરીફ થતી અટકાવી છે. અપેક્ષા છે કે, સુનેત્રા પવાર અહીં ભારે બહુમતથી જીતી જશે. જોકે, નજીકના ભૂતકાળમાં મહારાષ્ટ્રની કેટલીક પેટા-ચૂંટણીઓમાં ચોંકાવનારાં પરિણામ આવ્યાં છે. મે, 2021માં પંઢરપુર-મંગળવેઢા વિધાનસભા બેઠક માટે યોજાયેલા બાય-પૉલમાં ભાજપના સમાધાન ઔતાડે રાષ્ટ્રવાદીના ભગિરથ ભાલકે સામે જીત્યા હતા, આ બેઠક સાટિંગ એમએલએ ભરત ભાલકેના અવસાનને પગલે ખાલી પડી હતી. ભાલકેના પરિવારના સભ્યને ઉમેદવારી અપાઈ હોવા છતાં આ બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. તો, 2023ના ફેબ્રુઆરીમાં પુણેના કસબાપેઠ બેઠક માટે યોજાયેલી પેટા-ચૂંટણીમાં ભાજપના હેમંત રાસનેનો કૉંગ્રેસના રવીન્દ્ર ધાંગેકર સામે પરાજય થયો હતો. આ બેઠક ત્રણ દાયકાથી ભાજપનો ગઢ હતી અને તત્કાલીન વિધાનસભ્ય મુક્તા ટિળકના અવસાન પછી યોજાયેલી પેટા-ચૂંટણીમાં પક્ષને સહાનુભૂતિ મતો મળ્યા નહોતા. તો, 2022માં કોલ્હાપુર ઉત્તર વિધાનસભા બેઠક માટે યોજાયેલી પેટા-ચૂંટણીમાં કૉંગ્રેસના દિવંગત વિધાનસભ્ય ચંદ્રકાંત જાધવનાં વિધવા જયશ્રી બહુ ઓછા માર્જિનથી ભાજપના ઉમેદવાર સત્યજીત કદમ સામે જીત્યાં હતાં. કૉંગ્રેસનો ઉત્સાહ વધે એવાં આ ઉદાહરણો છતાં બારામતીમાં આ ટ્રેન્ડનું પુનરાવર્તન થવાની શક્યતા નહીંવત છે.    

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ