• બુધવાર, 08 એપ્રિલ, 2026

રાજકીય દ્વેષ અને રાષ્ટ્રીય હિત

વિધાનસભાની ચૂંટણી તો પાંચ રાજ્યોમાં છે પણ બધાના કાન અને આંખ પશ્ચિમ બંગાળ તરફ છે. સામાન્ય દિવસોમાં પણ બંગાળમાં અસામાન્ય રાજકીય ઘટનાક્રમ બનતા રહે છે. ચૂંટણી વખતે ઘટનાઓ અને નિવેદનોના પ્રમાણ વધે તે પણ સમજી શકાય, પણ દેશહિત નેવે મુકાય એ સ્વીકાર્ય નથી. આ બાબત કોઈ એક જ પક્ષ, એક જ વ્યક્તિ માટે નથી, રાજકીય ક્ષેત્રે સક્રિય કોઈપણ વ્યક્તિ કે દળ માટે આ ગાંઠ વાળવા જેવી વાત છે. અત્યારે ચર્ચામાં બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીનું નિવેદન છે. મમતાદીદી બોલ્યાં કે, આગામી ચૂંટણીઓ પહેલાં ભાજપ પાસે પહેલગામ હુમલા જેવા હુમલાની વધુ એક બ્લૂપ્રિન્ટ તૈયાર છે? બંગાળની ધરતી ઉપરથી કાશ્મીર અંગે થયેલી આ વાત રાષ્ટ્રીય મુદ્દો બની છે. 

આવા વિધાન પાછળ તેમનો સંકેત શું છે? તેનો અર્થ સમજાવવાની જરૂર નથી. `પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કોલકાતા ઉપર હુમલો થશે તેવી ધમકી આપી તેનો જવાબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેમ આપ્યો નહીં? અમે કાર્યવાહી કરશું એવું કેમ કહ્યું નહીં? શું પહેલગામ હુમલા જેવી બ્લૂપ્રિન્ટ તૈયાર છે? કોઈ બંગાળને નિશાન બનાવવાની વાત કરે તો તમે કેમ જવાબ નથી આપતા?' આવા અણિયાળા સવાલ મમતા બેનરજીએ ચૂંટણીની જાહેરસભામાં પૂછયા. પાકિસ્તાની સંરક્ષણ પ્રધાને કહ્યું કે, `ભારતે પોતે જ પોતાના ઉપર કાર્યવાહી કરી અને દોષ પાકિસ્તાન ઉપર ઢોળ્યો.' આવું કહી તેઓ આ ઘટનાથી હાથ ખંખેરવા માગે છે પણ તેની સાથે આપણા દેશના કોઈ નેતા સૂર પુરાવે એ કેટલું યોગ્ય છે?

રાજકીય યુદ્ધમાં રાજકીય પ્રશ્નો હોય, રાષ્ટ્રીય બાબતો કેવી રીતે આવી શકે? પહેલગામમાં જે હુમલો થયો હતો તેમાં ભાજપની ભૂમિકા હતી એ આક્ષેપ રાજકીય નિવેદન નથી પણ સરકાર ઉપર, પ્રશાસન ઉપર શંકા છે. ચૂંટણી સમયે પક્ષ-પ્રતિપક્ષ એકમેક ઉપર આક્ષેપ કરે તે સમજી શકાય, પણ રાષ્ટ્રહિત સર્વોપરી ગણાય. ભાજપે સામે જવાબ આપ્યો છે કે, મમતા બેનરજીએ મુસ્લિમ મતદારોની સહાનુભૂતિ મેળવવા માટે આ નિવેદન કર્યું છે. 

ભાજપ કે નરેન્દ્ર મોદીની ટીકા મમતા બેનરજી કે અન્ય કોઈપણ નેતા કરે તે તેમનો અધિકાર છે, પણ જ્યાં રાષ્ટ્રહિત સંકળાયેલું હોય ત્યાં વ્યક્તિ અને દળ ગૌણ બની જાય. ચૂંટણી વખતે ભાષણ થાય, તેમાં ઉગ્રતા પણ હોય, પણ દેશના શત્રુને તેનો લાભ મળે તે રીતે તો વર્તન થવું જોઈએ નહીં. ભારતના નાગરિકો ઉપર થયેલા હુમલામાં ભાજપનો હાથ છે એમ દેશના જ એક રાજ્યના મુખ્ય પ્રધાનનું નિવેદન મર્યાદા ભંગ કરનારું અને દેશને વિચારતો કરી મૂકે તેવું તો છે જ.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ