• બુધવાર, 08 એપ્રિલ, 2026

ટ્રમ્પની લોકપ્રિયતામાં ઓટથી કોને જશે ખોટ?

હું યુદ્ધ શરૂ કરવાનો નથી, હું તો યુદ્ધો અટકાવીશ, રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જીત્યા પછીના વિજય સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન નાગરિકોને ખાતરી આપી હતી. એટલું જ નહીં, 2024ના ચૂંટણી અભિયાનમાં વારંવાર એક જ વાત દોહરાવી હતી કે, ઈરાન સાથે યુદ્ધ તો નહીં જ થવા દઉં. આ વચનોએ ટ્રમ્પને ચૂંટણી જીતવામાં ઘણી મદદ કરી હતી, કેમ કે મોટા ભાગના અમેરિકન નાગરિકોનું માનવું હતું કે 21મી સદીમાં અફઘાનિસ્તાન, ઈરાન, લિબિયા તથા અન્યત્ર કરાયેલા હસ્તક્ષેપ અમેરિકાને મોંઘા પડયા હતા. આમ છતાં, બીજા કાર્યકાળમાં મધ્યસત્ર ચૂંટણીના વર્ષમાં ટ્રમ્પે સાત દેશોમાં હસ્તક્ષેપ કરતી કાર્યવાહીઓ કરી છે અને ઈરાન સાથેના યુદ્ધમાં દર બીજા દિવસે નવી ડેડલાઈન આપતા રહે છે, જેના પગલે તેમની એપ્રુવલ રાટિંગ એટલે કે લોકપ્રિયતાનો સૂચકાંક ઘટીને અૉલ-ટાઈમ લૉ 36 ટકા પર પહોંચી ગઈ છે. વળી, મિત્રરાષ્ટ્રોના વડા સાથેના તેમના સંબંધોમાં પણ વળતાં પાણી છે. ફ્રાન્સના પ્રેસિડન્ટ મેકરોનની હજી પાંચ અઠવાડિયાં પહેલાં જે દેશના લોકોને સત્તાનાં સૂત્રો હાથમાં લેવાની અપીલ ટ્રમ્પે કરી હતી, એ ઈરાનીઓને અપશબ્દોથી વધાવવા અને આ દેશને પાષાણ યુગમાં પહોંચાડી દેવાની ધમકીઓ આપવા સુધી તેઓ પહોંચી ગયા છે. અમેરિકાનાં હિતોને પ્રાથમિકતા આપતી અને અન્યોના બખેડામાં માથું ન મારવાની અમેરિકા ફર્સ્ટની વિદેશનીતિએ ટ્રમ્પને લોકપ્રિયતા અપાવી હતી, અત્યારે ટ્રમ્પ રમૂજમાં કહે છે કે, વેનેઝુએલાના લોકો કહે છે કે, હું જો તેમના દેશના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ઊભો રહું તો, વેનેઝુએલામાં આજ સુધી કોઈને મળ્યા હોય એના કરતાં વધુ મતો મને મળે એમ છે. જોકે, અમેરિકામાં યુવા, લઘુમતીઓ, વર્કિંગ ક્લાસ તથા રાજકીય રીતે કોઈ એક પક્ષ તરફ ઢળેલા ન હોય એવા મતદારો ટ્રમ્પથી નાખુશ છે.

અમેરિકાના મોટા ભાગના મતદારો અને ટ્રમ્પતરફી અનેક વોટર્સનું માનવું છે કે, ઈરાનથી અમેરિકાને કોઈ સીધું જોખમ નથી અને ઈરાનની પરમાણુ ક્ષમતાને મરણતોલ ફટકો પડયો હોવા છતાં તેમને સુરક્ષિતતાની લાગણી થતી નથી, કેમ કે ઈરાન સામે યુદ્ધ છેડી ટ્રમ્પે પોતાનું વચન તોડયું હોવાનું તેમને લાગે છે. આવામાં યુદ્ધ છોડાય એમ નથી, યા હોમ કરીને કૂદી પડાય એવું પણ નથી અને પરિસ્થિતિને જેમ છે એમ છોડી દેવાય એવુંય નથી. આવામાં, આગામી નવેમ્બરમાં આવનારી મિડ-ટર્મ કૉંગ્રેશનલ ચૂંટણીમાં રિપબ્લિકન્સને નુકસાન ન થાય તો જ આશ્ચર્ય. યુદ્ધની આંચ સામાન્ય અમેરિકનોને વર્તાઈ રહી છે અને ડેમોક્રેટ્સને આ પરિસ્થિતિનો લાભ થશે. મહાભિયોગ, તહોમતનામું અને ખટલા વખતે પણ ટ્રમ્પની પડખે અડગપણે ઊભેલા મતદારોની ધીરજ પણ હવે ખૂટી રહી છે. ટ્રમ્પ માટે અને તેના કારણે વિશ્વ માટે આગામી સમય ભારે હોવાનાં એંધાણ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ